Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 6 - પવિત્ર બાઇબલ C.L.


સૌથી મોટી આજ્ઞા

1 “આ સર્વ આજ્ઞાઓ, નિયમો અને આદેશો તમને શીખવવા મને તમારા ઈશ્વર પ્રભુએ ફરમાવ્યું છે; જેથી જે દેશમાં પ્રવેશ કરીને તમે તેનો કબજો લેવાના છો તેમાં તમે તેમનું પાલન કરો.

2 તમે, તમારાં સંતાનો અને તમારાં વંશવારસો સમગ્ર જીવનપર્યંત તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે પૂજ્યભાવ દાખવો અને તેમની જે સર્વ આજ્ઞાઓ અને નિયમો હું તમને આપું છું તેમનું પાલન કરો; જેથી તમે દીર્ઘાયુ થાઓ.

3 હે ઇઝરાયલીઓ, તે આજ્ઞાઓ સાંભળો અને કાળજીપૂર્વક તેમનું પાલન કરો: જેથી તમારું કલ્યાણ થાય અને તમે મહાન પ્રજા બનો અને તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ આપેલા વચન પ્રમાણે તમે ઉત્તમ અને ફળદ્રુપ દેશમાં વસવાટ કરો.

4 “હે ઇઝરાયલીઓ સાંભળો; યાહવે, એકમાત્ર યાહવે આપણા ઈશ્વર છે;

5 અને તમારા ઈશ્વર પ્રભુ પર તમે તમારા પૂરા દયથી, તમારા પૂરા મનથી તથા તમારી પૂરી તાક્તથી પ્રેમ રાખો.

6 આ જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તે તમારાં હૃદયમાં ઠસાવી રાખો.

7 તમે તમારાં સંતાનોને તે ખંતથી શીખવો, અને જ્યારે તમે ઘેર હો કે મુસાફરીએ હો; જ્યારે તમે આરામ લેતા હો કે કામ કરતા હો ત્યારે તેમનું હરહંમેશ રટણ કરો.

8 તેમને તમારા હાથ પર નિશાની તરીકે બાંધો અને તમારાં કપાળ વચ્ચે યાદગીરી માટે પહેરો.

9 એ ઉપરાંત તમે તેમને તમારાં મકાનોની બારસાખો ઉપર તથા નગરના દરવાજાઓ ઉપર લખો.


અનાજ્ઞાંક્તિતા વિષે ચેતવણી

10 “તમારા ઈશ્વરે તમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ સમક્ષ શપથ લીધા હતા તે પ્રમાણે ઈશ્વર તમને તે દેશમાં લઈ જશે. ત્યાં મોટાં નગરો છે, જે તમે બાંધ્યાં નથી;

11 સારી સારી વસ્તુઓથી ભરેલાં ઘરો છે, જે તમે ભર્યાં નથી; કૂવાઓ છે, જે તમે ખોદ્યા નથી; દ્રાક્ષાવાડીઓ અને ઓલિવ વૃક્ષની વાડીઓ છે, જે તમે રોપી નથી. પ્રભુ તમને એ દેશમાં લાવે અને તમે ત્યાં ખોરાકથી તૃપ્ત થાઓ;

12 ત્યારે ઇજિપ્ત દેશની ગુલામીમાંથી તમને મુક્ત કરનાર તમારા ઈશ્વર પ્રભુને તમે વીસરી ન જાઓ એ માટે કાળજી રાખજો.

13 તમારા ઈશ્વર યાહવે પ્રત્યે ભક્તિભાવ દર્શાવો, માત્ર તેમની જ ભક્તિ કરો અને માત્ર તેમને નામે જ શપથ લો.

14 તમારી આસપાસની પ્રજાઓના દેવદેવીઓ પૈકી કોઈની પૂજા કરશો નહિ;

15 જો તમે અન્ય દેવદેવીઓની પૂજા કરશો તો તમારા ઈશ્વર પ્રભુનો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠશે અને પૃથ્વીના પટ પરથી તે તમારો સમૂળગો વિનાશ કરશે. કારણ, તમારી મધ્યે વસનાર તમારા ઈશ્વર પ્રભુ કોઈ પ્રતિસ્પર્ધી પ્રત્યેની તમારી નિષ્ઠા સાંખી લેતા નથી.

16 “જેમ તમે માસ્સાના સ્થળે કર્યું હતું તેમ તમે તમારા ઈશ્વર પ્રભુની પરીક્ષા ન કરશો.

17 તમારા ઈશ્વર પ્રભુએ ફરમાવેલી આજ્ઞાઓ, સાક્ષ્યવચનો અને ધારાધોરણોનું પૂરા ખંતથી પાલન કરો.

18 પ્રભુની દૃષ્ટિમાં જે સાચું અને સારું હોય તે કરો જેથી તમારું કલ્યાણ થાય અને જે ઉત્તમ દેશ તમારા પૂર્વજોને આપવા વિષે પ્રભુએ સોગંદ લીધા છે તેમાં પ્રવેશીને તમે તેનો કબજો લો.

19 અને પ્રભુએ આપેલા વચન પ્રમાણે તમે તમારા બધા શત્રુઓને તમારી આગળથી હાંકી કાઢો.

20 “ભવિષ્યમાં તમારાં બાળકો તમને આમ પૂછશે: ‘આપણા ઈશ્વર પ્રભુએ આ બધાં સાક્ષ્યવચનો, ધારાધોરણો અને નિયમનોનું પાલન કરવાનું શા માટે ફરમાવ્યું હતું?”

21 ત્યારે તમે તેમને કહેજો કે ‘અમે ઇજિપ્તના રાજા ફેરોના ગુલામ હતા અને પ્રભુએ તેમના પ્રચંડ બાહુબળથી અમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા.

22 અમે અમારી નજરોનજર તેમનાં અજાયબ કાર્યો અને ઇજિપ્તના લોકો, તેમનો રાજા અને તેમના અધિકારીઓ પર ઉતારેલી ભયંકર આફતો નિહાળી હતી.

23 અમારા પૂર્વજો સમક્ષ લીધેલા શપથ પ્રમાણે આ દેશમાં લાવવા અને આ દેશનો કબજો સોંપવા તેમણે અમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા.

24 ત્યારે આપણા ઈશ્વર પ્રભુએ આપણા કલ્યાણ માટે આ બધી આજ્ઞાઓનું પાલન કરવાનું અને તેમનો આદર રાખવાનું ફરમાવ્યું હતું; જેથી જેમ આજ સુધી આપણને રાખ્યા છે તેમ હંમેશને માટે સંભાળી રાખે.

25 અને જો આપણા ઈશ્વર પ્રભુએ ફરમાવેલી સર્વ આજ્ઞાઓનું આપણે વિશ્વાસુપણે પાલન કરીશું તો આપણે તેમને પ્રસન્‍ન કરી શકીશું.’

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan