પુનર્નિયમ 5 - પવિત્ર બાઇબલ C.L.દશ આજ્ઞાઓ ( નિર્ગ. 20:1-17 ) 1 મોશેએ બધા ઇઝરાયલીઓને બોલાવીને તેમને કહ્યું, “હે ઇઝરાયલી લોકો, જે નિયમો અને ફરમાનો હું આજે તમારી સમક્ષ જાહેર કરું છું તે સાંભળો. તેમનો અભ્યાસ કરો અને તેમનો કાળજીપૂર્વક અમલ કરો. 2 આપણા ઈશ્વર પ્રભુએ હોરેબ પર્વત પર આપણી સાથે કરાર કર્યો હતો. 3 પ્રભુએ એ કરાર માત્ર આપણા પૂર્વજો સાથે જ નહિ, પરંતુ આપણી સાથે, એટલે આપણે જેઓ આજે અહીં જીવતા છીએ તેમની સાથે પણ કર્યો હતો. 4 પ્રભુ પર્વત પર અગ્નિજ્વાળા મધ્યેથી તમારી સાથે રૂબરૂ બોલ્યા હતા. 5 તે સમયે તમને પ્રભુની વાણી કહેવાને હું પ્રભુની અને તમારી વચ્ચે ઊભો રહ્યો હતો. કારણ, તમે અગ્નિથી બીતા હતા અને પર્વત પર ચડયા નહોતા. પ્રભુએ કહ્યું, 6 ‘તમને ઇજિપ્ત દેશની ગુલામીમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર યાહવે છું. 7 મારા સિવાય અન્ય કોઈ દેવની ભક્તિ ન કરો. 8 તમે તમારે માટે મૂર્તિ ન બનાવો. આકાશમાં, પૃથ્વી પર કે પૃથ્વી નીચેના પાણીમાં જે કાંઈ હોય એના આકારની પ્રતિમા તમે ન બનાવો. 9 તમે મૂર્તિઓને નમન કરશો નહિ, અથવા તેમની ભક્તિ કરશો નહિ, કારણ, હું યાહવે તમારો ઈશ્વર મારા પ્રત્યે અનન્ય નિષ્ઠા માગનાર છું. તેથી તો માતપિતાના પાપને લીધે તેમને અને તેમની ત્રીજી કે ચોથી પેઢી સુધી મારો તિરસ્કાર કરનારા સૌને સજા કરું છું. 10 પણ જેઓ મારા પર પ્રેમ રાખે છે તથા મારી આજ્ઞાઓનું પાલન કરે છે તેમના સંબંધમાં તો તેમની હજારો પેઢીઓ સુધી હું અવિચળ પ્રેમ દર્શાવું છું. 11 ‘તમારે મારા નામ યાહવેનો દુરુપયોગ કરવો નહિ. કારણ, મારા નામનો નિરર્થક ઉપયોગ કરનારને હું સજા કર્યા વિના રહેતો નથી. 12 ‘મેં, તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા કર્યા પ્રમાણે સાબ્બાથ દિન પાળો અને તેની પવિત્રતા જાળવો. 13 છ દિવસ તમે શ્રમ કરો અને તમારાં બધાં કાર્યો કરો. 14 પરંતુ સાતમો દિવસ તો મને, એટલે તમારા ઈશ્વર પ્રભુને અર્પિત કરેલો સાબ્બાથદિન છે. તે દિવસે તમે, તમારાં સંતાનો, તમારા દાસદાસીઓ, તમારો બળદ કે ગધેડું, તમારાં ઢોરઢાંક અથવા તમારા દેશમાં વસનાર પરદેશીઓ કંઈ કાર્ય ન કરો, જેથી તમારાં દાસદાસીઓને પણ આરામ મળે. 15 તમે પણ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા અને તમારા ઈશ્વર પ્રભુએ પોતાનો હાથ લંબાવીને પ્રચંડ બાહુબળથી તમને ત્યાંથી મુક્ત કર્યા એ યાદ રાખો. તેથી મેં, તમારા ઈશ્વર પ્રભુએ તમને સાબ્બાથદિન પાળવાની આજ્ઞા આપી છે. 16 ‘મેં તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તમારા માતપિતાનું સન્માન કરો, જેથી જે દેશ હું તમને આપું છું તેમાં તમે દીર્ઘાયુ બનો અને તમારું કલ્યાણ થાય. 17 ‘તમે ખૂન ન કરો. 18 ‘તમે વ્યભિચાર ન કરો. 19 ‘તમે ચોરી ન કરો. 20 ‘તમે કોઈની વિરુધ જૂઠી સાક્ષી ન આપો. 21 ‘તમે બીજા માણસની પત્નીની લાલસા ન રાખો. તમે તેના ઘરનો, તેના ખેતરનો, તેનાં દાસદાસીનો, તેના બળદ કે ગધેડાનો અથવા તેની માલિકીની કોઈ પણ વસ્તુનો લોભ ન રાખો.’ 22 “પ્રભુએ પર્વત પર અગ્નિજ્વાળા, વાદળ અને ગાઢ અંધકાર મધ્યેથી મોટે અવાજે તમારી આખી સભા સમક્ષ આ જ આજ્ઞાઓ કહી સંભળાવી હતી; અને એથી વિશેષ કંઈ કહ્યું નહોતું. પછી તેમણે બે શિલાપાટીઓ પર તે લખીને મને આપી હતી. લોકોનો ભય ( નિર્ગ. 20:18-21 ) 23 “પર્વત પર અગ્નિની જ્વાળાઓ ભભૂક્તી હતી ત્યારે અંધકાર મધ્યેથી નીકળતી વાણી તમે સાંભળીને તમારા સર્વ કુળોના અધિકારીઓએ અને આગેવાનોએ મારી પાસે આવીને કહ્યું, 24 ‘આપણા ઈશ્વર પ્રભુએ અમને પોતાનાં ગૌરવ અને મહત્તા દર્શાવ્યાં છે અને અમે અગ્નિજ્વાળા મધ્યેથી તેમની વાણી સાંભળી છે; ઈશ્વર કોઈ માણસની સાથે બોલે તે પછી પણ તે માણસ જીવતો રહે એ અમે આજે જોયું છે. 25 પરંતુ અમારે શા માટે વધારે વાર મોતનું જોખમ વહોરવું? કારણ, આ મોટો અગ્નિ તો અમને ભસ્મ કરી નાખશે. જો આપણા ઈશ્વર પ્રભુની વાણી અમે વધારે વાર સાંભળીશું તો અમે જરૂર માર્યા જઈશું. 26 કારણ, અમે બચી ગયા તેમ જીવતા ઈશ્વરની વાણી અગ્નિ મધ્યેથી સાંભળીને કયો માણસ જીવતો બચ્યો છે? 27 તેથી મોશે, તમે આપણા ઈશ્વર પ્રભુ પાસે જાઓ અને તે જે કહે તે બધું સાંભળો, અને પછી આપણા ઈશ્વર પ્રભુ તમને જે કહે તે બધું અમને કહેજો અને અમે તે સાંભળીશું અને પાળીશું.’ 28 “તમે મારી સાથે વાત કરતા હતા તે પ્રભુએ સાંભળી ત્યારે પ્રભુએ મને કહ્યું, ‘આ લોકોની વાત મેં સાંભળી છે અને તેમની વાત સાચી છે. 29 જો આ લોકોના દયનું વલણ સદા એવું જ હોય અને મારા પ્રત્યે આધીનતા દાખવીને મારી બધી આજ્ઞાઓ સર્વદા પાળે તો તેમનું તથા તેમના વંશજોનું સર્વદા કલ્યાણ થાય. 30 જા, તેમને કહે કે તેઓ તેમના તંબૂઓમાં પાછા જાય. 31 પરંતુ તું અહીં મારી પાસે ઊભો રહે અને હું તને મારી સર્વ આજ્ઞાઓ, નિયમો અને આદેશો કહીશ અને તે સર્વ તું તેમને શીખવજે; જેથી જે દેશનો કબજો હું તેમને સોંપું છું, તેમાં તેઓ તેમનું પાલન કરે.’ 32 “તેથી હે ઇઝરાયલીઓ, તમારા ઈશ્વર પ્રભુએ ફરમાવેલી સર્વ આજ્ઞાઓનું કાળજીપૂર્વક પાલન કરો; તેમાંથી જરાય ચલિત થશો નહિ. 33 તમારા ઈશ્વર પ્રભુએ ચીંધેલા માર્ગે જ ચાલજો કે તમે જીવતા રહો અને તમારું કલ્યાણ થાય અને જે દેશનો તમે કબજો લેવાના છો તેમાં ત્યાં લાંબો સમય વસવાટ કરી શકો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide