Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 4 - પવિત્ર બાઇબલ C.L.


આધીનતાનો અનુરોધ

1 પછી મોશેએ લોકોને કહ્યું, “હે ઇઝરાયલીઓ, હવે જે નિયમો અને વિધિઓ હું તમને શીખવું છું તે પર ધ્યાન દઈને તેમનું પાલન કરો, જેથી તમે જીવતા રહો અને જે દેશ તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ તમને આપે છે, તેમાં પ્રવેશ કરો અને તેનો કબજો લો.

2 હું તમને જે આજ્ઞા ફરમાવું તેમાં તમારે કંઈ ઉમેરો કરવો નહિ કે તેમાંથી કંઈ ઘટાડો કરવો નહિ; પણ તમારા ઈશ્વર પ્રભુની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું તેનું તમે પાલન કરો.

3 બઆલ-પયોરના સ્થાનકે પ્રભુએ જે કંઈ કર્યું તે તમે તમારી નજરે જોયું; એટલે કે, બઆલ-પયોરની પૂજા કરનારા બધા માણસોનો તમારા ઈશ્વર પ્રભુએ તમારી મધ્યેથી વિનાશ કર્યો.

4 પરંતુ તમારા ઈશ્વર પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેનાર તમે બધા આજ સુધી જીવતા રહ્યા છો.

5 “મારા ઈશ્વર પ્રભુએ મને ફરમાવ્યા પ્રમાણે હું તમને નિયમો અને આદેશો શીખવું છું, જેથી જે દેશમાં પ્રવેશ કરી તમે તેનો કબજો લેવાના છો તેમાં તમે તેમનું પાલન કરો.

6 તે નિયમોનું કાળજીપૂર્વક પાલન કરશો તો બીજા દેશોના લોકોની નજરમાં તમે જ્ઞાની તથા સમજુ ગણાશો. તેઓ આ નિયમો વિષે સાંભળીને કહેશે, ‘આ મહાન પ્રજા જ્ઞાની અને સમજુ છે.’

7 આપણે જ્યારે પણ સહાયને માટે વિનંતી કરીએ ત્યારે આપણા ઈશ્વર પ્રભુ જેટલા આપણી નિકટ છે તેટલા અન્ય કઈ પ્રજાના દેવ તેમની નિકટ છે?

8 બીજી પ્રજા ગમે તેટલી મહાન હોય તો પણ આજે હું જે નિયમસંહિતા રજુ કરું છું એના જેવા અદલ નિયમો તથા ફરમાનો તેમની પાસે નથી.

9 “તમે અત્યંત સાવધ રહેજો અને જાતે જ ખંતથી કાળજી રાખજો કે તમારી નજરે જોયેલાં કાર્યો ભૂલી જશો નહિ. પણ જીવંતપર્યંત તમે તેમને તમારા અંત:કરણમાં ઠસાવી રાખજો. તમારાં સંતાનોને તથા તમારાં સંતાનોનાં સંતાનોને તે કાર્યો વિષે શીખવજો.

10 તે દિવસે તમે હોરેબ પર્વત પાસે તમારા ઈશ્વર પ્રભુ સમક્ષ ઊભા હતા ત્યારે પ્રભુએ મને કહ્યું હતું કે, ‘આ લોકોને મારી સમક્ષ એકત્ર કર જેથી તેઓ મારી વાણી સાંભળે અને પૃથ્વી પર તેમના સમગ્ર જીવનપર્યંત મને સન્માન આપતાં શીખે અને તેમનાં સંતાનોને પણ એ રીતે વર્તવાને શીખવે.’

11 તમે નજીક આવીને પર્વતની તળેટીમાં ઊભા રહ્યા હતા. પર્વત તો સળગતો હતો અને જવાળાઓ છેક આકાશ સુધી પહોંચતી હતી.

12 ગાઢ અંધકાર અને ઘનઘોર વાદળો છવાઈ ગયાં હતાં. પ્રભુ અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા. તમે શબ્દોનું ઉચ્ચારણ તો સાંભળ્યું પણ કોઈ આકૃતિ તમારા જોવામાં આવી નહિ; તમે માત્ર અવાજ સાંભળ્યો.

13 તેમણે તમારી સાથેના તેમનો કરાર, એટલે, દશ આજ્ઞાઓ જાહેર કરીને તમને તે પાળવાની આજ્ઞા કરી, અને તેમણે તે આજ્ઞાઓ બે શિલાપાટીઓ પર લખી.

14 અને તે સમયે પ્રભુએ મને ફરમાવ્યું કે હું તમને નિયમો અને ફરમાનો શીખવું, જેથી જે દેશમાં પ્રવેશ કરી તેનો કબજો લેવાના છો ત્યાં તમે તેમનું પાલન કરો.


મૂર્તિપૂજા વિરુધ ચેતવણી

15 “હોરેબ પર્વત પર પ્રભુ અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા તે દિવસે તમે કોઈ પણ પ્રકારનો આકાર જોયો નહિ. તેથી પોતા વિષે અત્યંત સાવધ રહો કે

16 તમે કોઈ પણ આકૃતિના આકારની મૂર્તિ બનાવી પોતાનો વિનાશ વહોરી લો નહિ. નર કે નારીની પ્રતિમા;

17 પૃથ્વી પરના કોઈ પ્રાણીની કે આકાશમાં ઊડનાર કોઈ પક્ષીની પ્રતિમા;

18 પેટે ચાલનાર પ્રાણીની અથવા પૃથ્વી નીચેના પાણીમાંની માછલીની પ્રતિમા ન બનાવો.

19 વળી, ઉપર આકાશમાં દૃષ્ટિ કરીને તમે સૂર્ય, ચંદ્ર, તારા તથા સમગ્ર નક્ષત્રમંડળ જુઓ ત્યારે તેમની પૂજા કરવા લલચાશો નહિ. એ બધાં તો તમારા ઈશ્વર પ્રભુએ બીજી પ્રજાઓને પૂજા માટે વહેંચી આપ્યાં છે!

20 પરંતુ પ્રભુએ તો તમને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમાન ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા છે; જેથી તમે આજે છો તેમ તેમના પોતાના લોક તરીકે તેમનો વારસો બનો.

21 “તમારે લીધે પ્રભુ મારા પર ક્રોધાયમાન થયા હતા અને તેમણે મને સોગંદપૂર્વક કહ્યું હતું કે, તમારા ઈશ્વર પ્રભુ તમને વારસા તરીકે જે ફળદ્રુપ દેશ આપવાના છે તેમાં યર્દન નદી ઓળંગીને હું પ્રવેશ કરીશ નહિ.

22 પણ હું તો આ જગ્યાએ જ મૃત્યુ પામીશ. હું આ યર્દન નદી ઓળંગવાનો નથી, પણ તમે પેલે પાર જશો અને એ ફળદ્રુપ દેશનો કબજો લેશો.

23 તેથી સાવધ રહેજો અને તમારા ઈશ્વર પ્રભુએ તમારી સાથે કરેલો કરાર વીસરી જશો નહિ અને તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાનું પાલન કરીને કોઈ પણ આકારની મૂર્તિ બનાવશો નહિ.

24 કારણ, તમારા ઈશ્વર પ્રભુ ભસ્મ કરી નાખનાર અગ્નિ સમાન અને આવેશી ઈશ્વર છે.

25 “તે દેશમાં સ્થાયી વસવાટ કર્યા પછી અને તમને સંતાનો અને પૌત્રપૌત્રીઓ થાય ત્યાર પછી પણ કોઈ પણ આકારની મૂર્તિ બનાવીને પોતાને ભ્રષ્ટ કરશો તો તમે તમારા ઈશ્વર પ્રભુને નારાજ કરશો અને તેમને કોપાયમાન કરશો.

26 તો હું આકાશ તથા પૃથ્વીને તમારી સમક્ષ સાક્ષી રાખીને કહું છું કે યર્દન નદીની પેલે પાર જે દેશનો કબજો લેવા તમે જાઓ છો ત્યાં લાંબી મુદત વસી શકશો નહિ, પણ તમારો વિનાશ થઈ જશે.

27 પ્રભુ તમને અન્ય દેશોમાં વિખેરી નાખશે અને પ્રભુ તમને જે દેશોમાં દોરી જશે તેઓ મધ્યે તમારામાંથી થોડાક લોકો જ બચવા પામ્યા હશે.

28 અને ત્યાં તમે માણસોના હાથે ઘડેલાં અને જોઈ, સાંભળી, ખાઈ કે સૂંઘી ન શકે તેવાં લાકડાનાં અને પથ્થરનાં દેવદેવીઓની પૂજા કરશો.

29 તમે ત્યાં પણ તમારા ઈશ્વર પ્રભુને શોધશો એટલે તમારા સંપૂર્ણ દયથી અને પૂરા અંત:કરણથી તેમની ખોજ કરશો તો તે તમને મળશે.

30 જ્યારે તમે સંકટમાં આવી પડો અને આ બધી વિપત્તિઓ તમારા પર આવી પડશે, ત્યારે આખરે તમે તમારા ઈશ્વર પ્રભુ તરફ પાછા ફરીને તેમને આધીન થશો.

31 કારણ, તમારા ઈશ્વર પ્રભુ કૃપાળુ છે. તે તમારો ત્યાગ કરશે નહિ કે તમારો વિનાશ કરશે નહિ કે તમારા પૂર્વજો સાથે સોગંદપૂર્વક કરેલો કરાર વીસરી જશે નહિ.”


ઇઝરાયલી પ્રજાની વિશિષ્ટતા

32 “તમારા જન્મ પહેલાના સમયથી શરૂ કરીને છેક ઈશ્વરે માણસને પૃથ્વી પર ઉત્પન્‍ન કર્યો ત્યાં સુધીનો ભૂતકાળ તપાસી જુઓ! અને આકાશનાં એક છેડાથી બીજા છેડા સુધી પણ શોધી જુઓ કે આવો બીજો મહાન બનાવ કદી બન્યો છે? શું એ વિષે કોઈએ કદી સાંભળ્યું છે?

33 ઈશ્વરની વાણી અગ્નિ મધ્યેથી સાંભળીને તમે જીવતા રહ્યા છો તેમ બીજી કોઈ પ્રજાના સંબંધમાં બન્યું છે?

34 અથવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા, તેમ કોઈ બીજા દેવે અન્ય દેશમાં જઈને તેની મધ્યેથી પોતાને માટે કોઈ પ્રજા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે?

35 તમારી નજર સામે જ પ્રભુએ પોતાના પ્રચંડ બાહુબળ વડે આફતો, અજાયબ કાર્યો, ચમત્કારો, યુધ અને ત્રાસદાયક કાર્યો કર્યાં તેમ બીજા કોઈ દેવે કર્યાં છે? એકમાત્ર યાહવે જ ઈશ્વર છે અને તેમના સિવાય અન્ય કોઈ નથી એ તમને પૂરવાર કરી આપવા માટે પ્રભુએ એ દર્શાવ્યું છે.

36 તમને બોધ આપવા માટે તેમણે તમને આકાશમાંથી પોતાની વાણી સંભળાવી અને અહીં પૃથ્વી પર મહાન અગ્નિ દેખાડયો અને તે અગ્નિ મધ્યેથી તમે તેમના શબ્દો સાંભળ્યા.

37 તમારા પૂર્વજો ઉપર તેમને પ્રેમ હતો માટે તેમના પછી તેમના વંશજોને ઈશ્વરે પસંદ કર્યા, અને પોતાના મહાન સામર્થ્ય વડે તેમણે ઇજિપ્તમાંથી તેમને મુક્ત કર્યા;

38 એ માટે કે, જેમ આજે બની રહ્યું છે તેમ તમારા કરતાં મહાન અને સંખ્યાવાન પ્રજાઓને તે તમારી સમક્ષથી હાંકી કાઢે અને તમને તેમના દેશમાં લાવીને તમને વતન તરીકે તે આપે.

39 તેથી આજે જાણો અને તમારા મનમાં ઠસાવો કે ઉપર આકાશમાં અને નીચે પૃથ્વી પર એકમાત્ર યાહવે ઈશ્વર છે અને તેમના સિવાય અન્ય કોઈ નથી.

40 આજે હું તમને ઈશ્વરના જે નિયમો અને ફરમાનો શીખવું છું તેમનું પાલન કરો; જેથી તમારું અને તમારા પછી તમારા સંતાનોનું ભલું થાય અને જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને સદાને માટે આપે છે તેમાં તમે લાંબો સમય વસવાટ કરો.”


યર્દન નદીની પૂર્વે આશ્રયનગરો

41 ત્યાર પછી મોશેએ યર્દન નદીની પૂર્વ દિશાએ ત્રણ નગરો ઠરાવ્યાં.

42 જેથી જો કોઈ માણસ ભૂતકાળનું વેર ન હોવાં છતાં કોઈ માણસને અજાણે મારી નાખે તો તે આ ત્રણમાંથી કોઈ એક નગરમાં નાસી જઈને બચી જાય.

43 એ નગરો આ પ્રમાણે હતાં: રૂબેનના કુળ માટે રણપ્રદેશના સમતલ પ્રદેશમાં બેસેર નગર, ગાદના કુળ માટે ગિલ્યાદની હદમાં રામોથ નગર અને મન્‍નાશાના કુળ માટે બાશાનની હદમાં ગોલાન નગર.


ઈશ્વરના નિયમો શીખવા અંગે પ્રસ્તાવના

44 મોશેએ ઇઝરાયલી લોકો સમક્ષ રજૂ કરેલા નિયમો અને ફરમાનો આ છે:

45 ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યાર પછી મોશેએ તેમને આ સાક્ષ્યવચનો, ધારાધોરણો અને આજ્ઞાઓ કહી સંભળાવ્યા.

46 તે સમયે ઇઝરાયલીઓ યર્દન નદીના પૂર્વ કિનારે આવેલા બેથ-પયોર નગરની સામેના ખીણપ્રદેશમાં હતા. આ વિસ્તાર હેશ્બોનમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોન જેને મોશે તથા ઇઝરાયલીઓએ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી પરાજિત કર્યો હતો તેના દેશની હદમાં હતો.

47 ઇઝરાયલીઓએ તેના દેશનો તથા ઓગ રાજાના દેશનો કબજો કરી લીધો હતો. આ બે રાજાઓ તો યર્દન નદીની પૂર્વે વસનાર અમોરીઓના રાજાઓ હતા.

48 ઇઝરાયલીઓએ તેમની પાસેથી કબજે કરેલો પ્રદેશ આર્નોન નદીને કિનારે આવેલા અરોએર નગરથી તે છેક ઉત્તરે સિયોન પર્વત (એટલે હેર્મોન પર્વત) સુધીનો,

49 યર્દન પૂર્વેનો આખો અરાબા પ્રદેશનો અને છેક પિસ્ગા પર્વતની તળેટીએ આવેલા અરાબાના સમુદ્ર સુધીનો હતો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan