પુનર્નિયમ 33 - પવિત્ર બાઇબલ C.L.ઇઝરાયલનાં કુળોને મોશેનો આશીર્વાદ 1 ઈશ્વરભક્ત મોશેએ પોતાના મૃત્યુ પહેલાં ઇઝરાયલી લોકોને જે આશીર્વાદો આપ્યા તે આ પ્રમાણે છે: 2 તેણે કહ્યું, “પ્રભુ સિનાઈ પર્વતથી આવ્યા, સૂર્ય ઊગે તેમ અદોમથી તેમના પર પ્રગટયા, પારાન પર્વતથી પોતાના લોક પર પ્રકાશ્યા, દશ હજાર દૂતો પાસેથી આવ્યા, તેમના જમણા હાથમાં તેમને માટે અગ્નિરૂપ નિયમ હતો. 3 પ્રભુ પોતાના લોક પર પ્રેમ રાખે છે અને જેઓ તેમને સમર્પિત છે તેમને સાચવે છે, તેઓ તેમને ચરણે બેસે છે, અને તેમનો સંદેશ સ્વીકારે છે. 4 મોશેએ અમને એટલે, યાકોબના જનસમુદાયને, વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું. 5 જ્યારે લોકોના આગેવાનો અને ઇઝરાયલના સર્વ કુળોના લોકો એકત્ર થયા ત્યારે પ્રભુ, યશુરૂન, એટલે તેમના એ લાડીલા લોકના રાજા બન્યા. 6 મોશેએ રૂબેનના કુળ વિષે કહ્યું: “રૂબેનના લોક ભલે થોડા હોય, પણ તેનો વંશ ચાલુ રહે, અને ખતમ ન થાય.” 7 તેણે યહૂદાના કૂળ વિષે કહ્યું: “હે પ્રભુ યહૂદાનો પોકાર સાંભળો, તેમને બીજાં કુળો સાથે જોડી દો: તે પોતાને માટે યુધ કરે, ત્યારે તેમના શત્રુઓ વિરુધ તેમને સહાય કરો.” 8 તેણે લેવીના કુળ વિષે કહ્યું: “તમારાં તુમ્મીમ અને ઉરીમ તમારાં પસંદ કરાયેલ લેવી યજ્ઞકારને અપાયેલાં છે; તમે માસ્સામાં તેની પરીક્ષા કરી હતી, તમે મરીબામાં તેની સાથે વિવાદ કર્યો હતો. 9 લેવીવંશે પોતાનાં માબાપને લક્ષમાં લીધાં નથી, તેમણે પોતાના ભાઈઓને ગણકાર્યા નથી, અને પોતાનાં સંતાનોની ઓળખાણ રાખી નથી. પરંતુ હે પ્રભુ, તેઓ તમારી આજ્ઞાઓને અનુસર્યા છે, અને તમારા કરારનું પાલન કર્યું છે. 10 માટે તેઓ યાકોબના વંશજોને તમારી આજ્ઞાઓ, અને ઇઝરાયલીઓને તમારો નિયમ શીખવશે. તેઓ તમારી સમક્ષ ધૂપ, અને તમારી વેદી પર દહનબલિ ચડાવશે. 11 હે પ્રભુ, તેમની સંપત્તિને આશિષ આપો અને તેમના સેવાકાર્યનો સ્વીકાર કરો. તમે તેમના શત્રુઓની કમર તોડી નાખો, કે તેઓ ફરી ઊઠવા ન પામે.” 12 તેણે બિન્યામીનના કુળ વિષે કહ્યું: “એ તો પ્રભુનો લાડકવાયો છે, પ્રભુ તેને સલામત રાખે છે; તે તેનું રાતદિવસ રક્ષણ કરે છે અને એ તેમની ગોદમાં રહે છે.” 13 તેણે યોસેફના કુળ વિષે કહ્યું: “તેમની ભૂમિને પ્રભુ આશીર્વાદિત કરો; આકાશની વર્ષાથી, ઝાકળથી, ભૂગર્ભ જળથી, 14 સૂર્યતાપ દ્વારા ઉપજતી પેદાશથી, અને ચંદ્રની ભરતીઓટથી થતા લાભથી, 15 પ્રાચીન પહાડોના ખનીજથી અને સનાતન પહાડોમાંથી મળતી કિંમતી વસ્તુઓથી, 16 પૃથ્વી અને તેની સમૃધિની ઉત્તમ વસ્તુઓથી, અને વૃક્ષમાં દર્શન દેનાર પ્રભુની કૃપાદૃષ્ટિથી, પોતાના ભાઈઓમાં અગ્રેસર એવા યોસેફ પર પ્રભુનો આશીર્વાદ ઊતરો. 17 તે તો પ્રથમજનિત પ્રતાપી આખલો છે; તેનાં શિંગડાં જંગલી સાંઢનાં શિંગડાં જેવા શક્તિશાળી છે; તે વડે તે લોકોને ધકેલી દેશે; તેમને પૃથ્વીની સીમાઓ સુધી હાંકી કાઢશે. એફ્રાઈમ કુળના દશ હજાર અને મનાશ્શા કુળના હજાર એવા બળવાન છે.” 18 તેણે ઝબુલૂન તથા યિસ્સાખારના કુળ વિષે કહ્યું: “ઝબુલૂન દરિયાઈ વેપારની સફરોમાં આબાદ થાઓ અને ઇસ્સાખારના તંબૂઓ કુદરતી સંપત્તિથી સમૃધ થાઓ. 19 તેઓ લોકોને તેમના પર્વત પર આમંત્રણ આપશે, અને ત્યાં યથાયોગ્ય બલિ ચડાવશે. તેઓ દરિયાઈ વેપારથી અને રણપ્રદેશમાંથીયે તેલ ચૂસીને સંપત્તિવાન થશે.” 20 તેણે ગાદના કુળ વિષે કહ્યું: “ગાદની સીમાનો વિસ્તાર કરનાર પ્રભુની સ્તુતિ થાઓ. તે સિંહની જેમ ટાંપી રહે છે અને હાથને અરે, માથાના તાલકાને ફાડી નાખે છે. 21 તેણે પ્રથમથી જ પોતાના વારસાનો ઉત્તમ હિસ્સો મેળવ્યો છે અને આગેવાન તરીકેનો ભાગ તેને ફાળવવામાં આવેલો હતો. જ્યારે ઇઝરાયલના આગેવાનો એકઠા થયા હતા, ત્યારે તેણે ઇઝરાયલીઓને લગતા પ્રભુના આદેશોનું પાલન કર્યું.” 22 તેણે દાનના કુળ વિષે કહ્યું: “દાનનું કુળ બાશાન પ્રદેશમાંથી તરાપ મારતા સિંહના બચ્ચા જેવું છે.” 23 તેણે નાફતાલીના કુળ વિષે કહ્યું: “હે નાફતાલી, તમારા પર પ્રભુની પુષ્કળ કૃપા અને તેમના ભરપૂર આશીર્વાદ છે. તમે પશ્ર્વિમ તથા દક્ષિણ તરફનો પ્રદેશ વારસા તરીકે પ્રાપ્ત કરો.” 24 તેણે આશેરના કુળ વિષે કહ્યું: “બધાં કુળોમાં આશેર સૌથી આશીર્વાદિત છે. તે સર્વ ભાઇઓમાં પ્રિય થઈ પડો. તેના પ્રદેશમાં ઓલિવ તેલની પુષ્કળ પેદાશ થાઓ. 25 તમારાં નગરો તાંબા અને લોખંડના સળિયાથી સુરક્ષિત રહો; અને જેવા તમારા દિવસો તેવી તમને શક્તિ મળશે.” 26 હે યશુરૂન, ઇઝરાયલી લોકો, તમારા ઈશ્વર જેવા અન્ય કોઈ નથી; તે તમને મદદ કરવા વાદળાં પર સવાર થઈ આવે છે અને ગૌરવપૂર્વક આકાશમાં વિચરે છે. 27 સાર્વકાલિક ઈશ્વર તમારું નિવાસસ્થાન છે અને તમારી નીચે તમને ધરી રાખનાર સનાતન ભૂજો છે. તમે જેમ જેમ આગેકૂચ કરી તેમ તેમ તેમણે તમારા શત્રુઓને નસાડયા, અને તમને તેમનો નાશ કરવાનું કહ્યું. 28 તેથી ઇઝરાયલના વંશજો સહીસલામતીમાં રહે છે; જેની ભૂમિ પર આકાશનું ઝાકળ પડે છે એવા ધાન્ય અને દ્રાક્ષાસવની ભરપૂરીવાળા દેશમાં તેઓ વસે છે. 29 હે ઇઝરાયલ, તમે આશીર્વાદિત છો! પ્રભુએ જેમનો ઉધાર કર્યો હોય એવી તમારા જેવી બીજી કઈ પ્રજા છે? પ્રભુએ ઢાલરૂપે તમારું રક્ષણ કર્યું અને તલવાર રૂપે તમને વિજય અપાવ્યો. તમારા શત્રુઓ તમારી દયાની યાચના કરશે અને તમે તેમની પીઠ ખૂંદી નાખશો.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide