પુનર્નિયમ 32 - પવિત્ર બાઇબલ C.L.સંબોધન 1 “હે આકાશો, મારા શબ્દો કાને ધરો; હે પૃથ્વી, મારી વાત યાનપૂર્વક સાંભળ. 2 મારો બોધ વરસાદનાં ટીંપાંની માફક ટપકશે; મારું સંબોધન ઝાકળની જેમ ઝમશે; કુમળા ઘાસ પર ઝરમર ઝરમર વરસાદની જેમ તથા નવા છોડ પર ઝાપટાંની જેમ વરસશે; 3 હું યાહવેના નામની ઘોષણા કરીશ; અને તમે આપણા ઈશ્વરની મહત્તા પ્રગટ કરો. પ્રભુનું વિશ્વાસુપણું અને લોકોની બેવફાઈ 4 તે તો ખડક જેવા છે; તેમનું કાર્ય સંપૂર્ણ છે. તેમના સર્વ માર્ગો ન્યાયપૂર્ણ છે. તે વિશ્વાસુ છે અને કદી દગો દેતા નથી. તે સાચા અને ન્યાયી છે. 5 પણ તમે તો બેવફા નીવડીને તેમને દગો દીધો છે, તમે તો નઠારાં સંતાન છો, તમે તો કુટિલ અને વાંકી પેઢીના છો. 6 ઓ નાદાન અને નિર્બુધ લોકો, તમે પ્રભુને આવો બદલો આપો છો? તે તમારા પિતા અને સર્જનહાર છે. તેમણે જ તમને એક પ્રજા બનાવીને સ્થાપિત કર્યા નથી? 7 “ભૂતકાળના દિવસો સંભારો, વીતેલી પેઢીઓનાં વર્ષોને યાદ કરો, તમારા પિતાને પૂછો, એટલે તે તમને કહેશે. વૃધ લોકોને ભૂતકાળ વિષે પૂછો તો તેઓ કહેશે. 8 સર્વોચ્ચ ઈશ્વરે પ્રજાઓને પ્રદેશ વહેંચી આપ્યા, જ્યારે તેમણે દેશજાતિઓનું વિભાજન કર્યું, ત્યારે દેવોની સંખ્યા પ્રમાણે તેમણે માનવપ્રજાઓને દેવો ફાળવી દીધા; 9 પરંતુ યાકોબના વંશજોને તો પ્રભુએ પોતાનો હિસ્સો, પોતાને ફાળે આવેલ વારસો કરી લીધા છે. 10 ‘પ્રભુએ રણમાં, વેરાન અને વિકટ પ્રદેશમાં તેમનું પોષણ કર્યું, તેમણે ચોતરફથી રક્ષણ કર્યું અને સંભાળ લીધી. પોતાની આંખની કીકીની જેમ તેમનું જતન કર્યું. 11 જેમ ગરૂડ માળાને હચમચાવી નાખે છે અને પછી પડતાં બચ્ચાંની ઉપર ઊડયા કરે છે અને છેવટે પોતાની પાંખો પ્રસારીને તેમને ઝીલી લે છે, તેમ પ્રભુએ તેમને ઊંચકી લીધા. 12 માત્ર પ્રભુએ જ તેમને દોર્યા, અને તેમની સાથે કોઈ પારકો દેવ નહોતો. 13 “પ્રભુએ તેમને ઉચ્ચપ્રદેશોમાં વસાવ્યા, અને ખેતરોની પેદાશમાંથી ખવડાવ્યું; તેમણે ખડકોની બખોલમાં મળતા મધથી; પથરાળ પ્રદેશમાં પાંગરતાં ઓલિવવૃક્ષોના તેલથી, 14 વળી, ગાયોનું માખણ, ઘેટાંબકરાંનું દૂધ, ઘેટાંબકરાંની ચરબી, બાશાન પ્રદેશના આખલા અને બકરાં અને ઉત્તમ પ્રકારના ઘઉં અને શ્રેષ્ઠ દ્રાક્ષાસવથી તેમનું પોષણ કર્યું. 15 “પણ યશુરૂને, પ્રભુના લાડીલા લોકે આહારથી પુષ્ટ થઈને બંડ કર્યું; તેઓ ખાઈપીને વકરી ગયા, અને તાજામાજા થયા. તેમણે તેમના સર્જનહાર ઈશ્વરનો ત્યાગ કર્યો અને તેમના સમર્થ ઉધારકનો તિરસ્કાર કર્યો. 16 અન્ય દેવોની પૂજા કરીને તેમણે પ્રભુને આવેશી બનાવ્યા, ઘૃણાજનક કાર્યો કરીને તેમણે પ્રભુને રોષ ચડાવ્યો. 17 તેમણે ઈશ્વરને નહિ, પણ અશુધ આત્માઓને, જેમને તેઓ ઓળખતા નહોતા એવા દેવોને અને જેમને તેમના પૂર્વજોએ પૂજ્યા નહોતા એવા નવા દેવોને બલિદાન ચડાવ્યાં. 18 તમને પેદા કરનાર ખડક્સમા ઈશ્વરની તમે ઉપેક્ષા કરી, અને તમારા જન્મદાતા ઈશ્વરને વીસરી ગયા. 19 “એ બધું જોઈને પ્રભુને ઘૃણા ઊપજી અને તેમના પુત્રપુત્રીઓને તેમણે તજી દીધાં. 20 તેમણે કહ્યું, ‘હું વિમુખ થઈને તેમની ઉપેક્ષા કરીશ, અને પછી જોઈશ કે તેમના કેવા હાલ થાય છે.’ કારણ, તેઓ તો હઠીલી પેઢી અને દગાખોર સંતાન છે. 21 જે ઈશ્વર જ નથી તેમની પૂજા કરીને તેમણે મને ક્રોધિત કર્યો છે. પોતાની વ્યર્થ મૂર્તિઓથી તેમણે મને આવેશી બનાવ્યો; તેથી જેઓ પ્રજા નથી તેમના વડે હું તેમને ચીડવીશ અને મૂર્ખ પ્રજા વડે હું તેમને ક્રોધિત કરીશ. 22 મારો કોપ અગ્નિ માફક ભભૂકે છે; અને મૃત્યુલોક શેઓલના તળિયા સુધી બધું ખાક કરે છે, પૃથ્વી અને તેની પેદાશને ભરખી જાય છે અને પર્વતોના પાયાઓને પણ સળગાવી મારે છે. 23 “હું તેમના પર આફતોના ઢગલા ખડકીશ અને મારાં પૂરેપૂરાં તીર તેમના પર ફેંકીશ. 24 તેઓ ભૂખમરાથી અને કારમા દુકાળથી વિનાશ પામશે; તેઓ ભયાનક રોગોથી મૃત્યુ પામશે. તેમને ફાડી ખાવાને હું જંગલી પશુઓ મોકલીશ, અને કરડવાને ઝેરી સાપો મોકલીશ. 25 ઘરબહાર તલવાર તેમનો સંહાર કરશે અને તેઓ આંતકથી ઘરમાં ફફડી મરશે. યુવાનો અને યુવતીઓ મૃત્યુ પામશે. શિશુઓ અને વૃધો પણ માર્યા જશે. 26 મેં તેમનો સંપૂર્ણપણે વિનાશ કર્યો હોત, કોઈ તેમનું સ્મરણ સુધાં ન કરે એવું કર્યું હોત; 27 પણ મારી એવી ધારણા છે કે કદાચ તેમના શત્રુઓ ઊધું સમજશે અને બડાશ મારશે કે, ‘આ કંઈ પ્રભુથી થયું નથી, પણ અમારા બાહુબળથી તેમના લોક પર વિજય પામ્યા છીએ.’ ઇઝરાયલી લોકમાં વિવેકબુધિનો અભાવ 28 “ઇઝરાયલ અબુધ પ્રજા છે, અને તેમનામાં કંઈ સમજણ નથી. 29 જો, તેઓ શાણા અને સમજુ થયા હોત તો તેમણે પોતાના આખરી અંજામનો વિચાર કર્યો હોત. 30 જો તેમના ખડક સમા ઈશ્વરે તેમને તજી દીધા ન હોત, અને તેમના પ્રભુએ તેમને શત્રુઓને હવાલે કર્યા ન હોત, તો શું શત્રુના એકે તેમના હજારને નસાડયા હોત? અથવા બે માણસે તેમના દશ હજારને હરાવ્યા હોત? 31 તેમના શત્રુઓ જાણે છે કે તેમના દેવો કંઈ ઇઝરાયલના ઈશ્વર જેવા સમર્થ નથી. 32 કડવી અને ઝેરી દ્રાક્ષ નીપજાવનાર દ્રાક્ષવેલાની જેમ તેમના શત્રુઓ સદોમ અને ગમોરાના લોકોના જેવા દુષ્ટ છે. 33 તેઓ સાપનું ઝેર અને નાગના ક્તિલ વિષ ભેળવેલા દ્રાક્ષાસવ જેવા છે. 34 શત્રુઓનું એ વેરઝેર મેં સંગ્રહી રાખ્યું છે, અને તેને મુદ્રા મારીને મારા ખજાનામાં રાખી મૂકાયું છે. 35 વેર મારે વાળવાનું છે, બદલો મારે લેવાનો છે. હું રાહ જોઉં છું, તેમની પડતીના સમયનો, એમની આપત્તિનો દિવસ આવી પહોંચ્યો છે, તેમના પર આફત સત્વરે ઊતરશે.” 36 જ્યારે પ્રભુ જોશે કે તેના લોક નિર્બળ થઈ ગયા છે, અને બંદિવાન કે મુક્ત કોઈ બાકી રહ્યો નથી; ત્યારે પ્રભુ પોતાના લોકને બચાવી લેશે અને પોતાના સેવકો પ્રતિ કરુણા દર્શાવશે. 37 ત્યારે પ્રભુ તેમને પૂછશે, ‘તમે જે દેવો પર ભરોસો રાખતા હતા તેઓ ક્યાં છે? 38 તમે તેમને તમારાં બલિદાનોની ચરબી ખવડાવી, અને દ્રાક્ષાસવ-અર્પણનો આસવ તેમને પીવડાવ્યો. તેઓ ભલે આવીને તમને મદદ કરે! તમને ઉગારવા તેઓ ભલે દોડી આવે! 39 “હવે સમજો કે હું જ એકમાત્ર ઈશ્વર છું, મારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી. હું મારું છું અને હું જીવાડું છું અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ જ નથી. 40 હું મારો હાથ આકાશ તરફ ઉઠાવીને મારા જીવના શપથ લઈને કહું છું કે, 41 જ્યારે હું મારી ચમક્તી તલવાર ધારદાર કરીશ, અને મારા હાથમાં ન્યાયદંડ ધારણ કરીશ, ત્યારે મારા શત્રુઓ પર હું વેર વાળીશ, અને મારા દ્વેષીઓને હું સજા કરીશ. 42 સંહાર થયેલાઓના તથા બંદીવાન કરાયેલાના લોહીથી, શત્રુઓના સેનાનાયકોના શિરના રક્તથી, હું મારાં તીરોને લોહી પાઈને તૃપ્ત કરીશ અને મારી તલવાર તેમના માંસનો ભક્ષ કરશે. 43 “હે પૃથ્વીની સર્વ પ્રજાઓ, પ્રભુના લોકોની પ્રશંસા કરો, કારણ કે તે પોતાના સેવકોના લોહીનો બદલો લેશે; અને પોતાના શત્રુઓ પર વેર વાળશે, અને પોતાના દેશનું તથા પોતાના લોકનું શુધિકરણ કરશે.” મોશેના મૃત્યુની તૈયારી 44 પછી મોશે લોકો પાસે આવ્યો અને તેણે તથા નૂનના પૂત્ર યહોશુઆએ લોકોના સાંભળતા આ ગીતના સર્વ શબ્દોનું રટણ કર્યું. 45 જ્યારે મોશેએ લોકોને ઈશ્વરનું શિક્ષણ આપવાનું પૂરું કર્યું, 46 ત્યારે તેણે તેમને કહ્યું, “જે સર્વ આજ્ઞાઓ મેં આજે સાક્ષી રૂપે આપી છે તે પર તમારું ચિત્ત લગાડો અને તમારા બાળકો આગળ એ દોહરાવજો, જેથી તેઓ વિશ્વાસુપણે ઈશ્વરના સર્વ શિક્ષણનું પાલન કરે. 47 આ શિક્ષણ કોઈ નિરર્થક વાત નથી. કારણ, તેમાં તમારું જીવન છે અને જે દેશનો કબજો લેવા તમે યર્દનને પેલે પાર જાઓ છો ત્યાં તમે એ વાતથી જ લાંબો સમય વસવાટ કરી શકશો.” 48-49 તે જ દિવસે પ્રભુએ મોશેને કહ્યું, “મોઆબ દેશમાં યરીખોની પૂર્વે આવેલ અબારીમ પર્વતમાળામાંના નબો પર્વત પર ચઢ અને જે કનાન દેશ હું ઇઝરાયલી લોકોને વારસા તરીકે આપું છું તેનું અવલોકન કર. 50 જેમ તારો ભાઈ આરોન હોર પર્વત પર મૃત્યુ પામ્યો અને પોતાના પૂર્વજો સાથે મળી ગયો એમ તું જે પર્વત ચડે છે ત્યાં મૃત્યુ પામીશ અને તારા પૂર્વજો સાથે મળી જઈશ. 51 કારણ કે કાદેશ પ્રદેશના મરીબાના જળાશય પાસે સીનના રણમાં ઇઝરાયલ લોકોની વચમાં તેં મને મોટો મનાવ્યો નહિ, પણ એ લોકોની સમક્ષ મારું અપમાન કર્યું. 52 તેથી તે દેશને તું દૂરથી જોશે પણ જે દેશ હું ઇઝરાયલીઓને આપું છું તેમાં તું પ્રવેશ કરવા પામશે નહિ.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide