પુનર્નિયમ 31 - પવિત્ર બાઇબલ C.L.યહોશુઆ મોશેનો અનુગામી નીમાયો 1 મોશેએ ઇઝરાયલીઓને પોતાનું સંબોધન જારી રાખતાં કહ્યું, 2 “આજે હું એક્સો વીસ વર્ષનો થયો છું, અને તમને યુધની અવરજવરમાં દોરી શકું તેમ નથી. કારણ, પ્રભુએ મને કહ્યું છે કે, ‘તું યર્દન નદીની પેલે પાર જઈશ નહિ.’ 3 પરંતુ તમારા ઈશ્વર પ્રભુ તમારી આગળ પેલે પાર જશે અને ત્યાં વસતી પ્રજાઓનો તમારી સમક્ષ નાશ કરશે, જેથી તમે તેમના દેશનો કબજો લઈ શકો અને પ્રભુએ કહ્યા પ્રમાણે યહોશુઆ તમને યર્દનને પેલે પાર લઈ જશે. 4 જેમ પ્રભુએ અમોરીઓના રાજા સિહોન તથા ઓગ અને તેમના દેશનો વિનાશ કર્યો તે જ પ્રમાણે પ્રભુ એ પ્રજાઓનો વિનાશ કરશે. 5 પ્રભુ તમને તેમના પર વિજય અપાવશે અને મેં જે સર્વ આજ્ઞાઓ તમને ફરમાવી છે તે પ્રમાણે જ વર્તજો. 6 બળવાન અને હિંમતવાન થાઓ. તેમનાથી ડરશો નહિ કે ભયભીત થશો નહિ. કારણ, તમારા ઈશ્વર પ્રભુ પોતે તમારી સાથે જાય છે. તે તમને નિષ્ફળ થવા દેશે નહિ કે તમને તજી દેશે નહિ.” 7 ત્યાર પછી મોશેએ યહોશુઆને બોલાવીને સર્વ ઇઝરાયલી લોકોની હાજરીમાં કહ્યું, “બળવાન અને હિંમતવાન થા; કારણ, જે દેશ આ લોકોને આપવા વિષે પ્રભુએ તેમના પૂર્વજો આગળ શપથ લીધા હતા તેનો કબજો લેવા તું જ આ લોકોને દોરી જશે. 8 પ્રભુ પોતે તારા અગ્રેસર થશે અને તારી સાથે રહેશે. તે તને નિષ્ફળ થવા દેશે નહિ કે તને તજી દેશે નહિ. તેથી ડરીશ કે ભયભીત થઈશ નહિ.” દર સાત વર્ષે નિયમશાસ્ત્રનું વાંચન 9 ત્યાર પછી મોશેએ ઈશ્વરનો આ નિયમ લખીને પ્રભુની કરારપેટી સાચવનાર લેવીકુળના યજ્ઞકારોને તથા ઇઝરાયલના સર્વ વડીલોને તે આપ્યો. 10 મોશેએ તેમને આજ્ઞા કરી કે, “દર સાત વર્ષને અંતે ઋણમુક્તિના વર્ષમાં માંડવાપર્વ દરમ્યાન મુકરર કરેલ સમયે તમારે એનું વાંચન કરવું. 11 જ્યારે સર્વ ઇઝરાયલી લોકો તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ સ્થળે તેમની ભક્તિ માટે એકત્ર થાય ત્યારે તે તેમને વાંચી સંભળાવવો. 12 સઘળા માણસોને, સ્ત્રીઓને, બાળકોને તથા તમારા નગરોમાં વસતા પરદેશીઓને એકઠા કરવા કે તેઓ સાંભળે અને શીખે તથા તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે ભક્તિભાવ રાખે અને આ નિયમના સર્વ શિક્ષણનું ખંતથી પાલન કરે. 13 એ રીતે તેમના વંશજો જેમણે પ્રભુના નિયમો સાંભળ્યા નથી તેઓ પણ તે વિષે સાંભળે અને જે દેશનો કબજો લેવા તમે યર્દન ઓળંગીને જાઓ છો તેમાં તમે અને તેઓ વાસ કરો ત્યાં સુધી પ્રભુ પ્રત્યે ભક્તિભાવ રાખતાં શીખો.” મોશેની આખરી સૂચનાઓ 14 ત્યાર પછી પ્રભુએ મોશેને કહ્યું, “જો, તારા મૃત્યુનો દિવસ પાસે આવી રહ્યો છે; માટે યહોશુઆને બોલાવ અને તમે બંને મુલાકાતમંડપમાં હાજર થાઓ જેથી હું તેની નિમણૂક કરું.” મોશે અને યહોશુઆ મંડપમાં ગયા; 15 અને પ્રભુ મંડપના પ્રવેશદ્વારે મેઘસ્તંભમાં પ્રગટ થયા. 16 પ્રભુએ મોશેને કહ્યું, “હવે તું થોડા સમયમાં તારા પૂર્વજો સાથે પોઢી જશે. પછી આ લોકો મારી વિરુધ થઈ જશે, તેઓ મારો ત્યાગ કરશે અને મને બેવફા નીવડીને જે દેશમાં તેઓ વસવા જાય છે ત્યાંનાં અન્ય દેવદેવીઓને અનુસરશે, અને એમ તેમની સાથેનો મારો કરાર ઉથાપશે.” 17 એમ થશે ત્યારે મારો કોપ તેમની વિરુધ સળગી ઊઠશે. હું વિમુખ થઈને તેમનો ત્યાગ કરીશ અને તેઓ શત્રુઓનો ભક્ષ થઈ પડશે. તેમને માથે ઘણાં દુ:ખ અને સંકટ આવી પડશે. ત્યારે તેઓ કહેશે કે, ‘આપણા ઈશ્વર આપણી સાથે નહિ હોવાને લીધે જ આ દુ:ખો આપણી પર આવી પડયાં છે.’ 18 પરંતુ તેમણે અન્ય દેવોને અનુસરીને જે સર્વ દુરાચાર કર્યા છે તેને લીધે હું તેમની ઉપેક્ષા કરીશ. 19 “તેથી તું તમારે માટે આ ગીત લખી લે; તું ઇઝરાયલીઓને એ ગીત શીખવ, અને તેમને મુખપાઠ કરાવ; જેથી તે તેમની વિરુધ મારે માટે સાક્ષીરૂપ થાય. 20 જેને વિષે મેં તેમના પૂર્વજો આગળ શપથ લીધા હતા એ દૂધમધની રેલમછેલવાળા દેશમાં હું તેમને લાવીશ અને ત્યાં તેઓ પુષ્કળ ખોરાક મળતાં તાજામાજા થશે ત્યારે તેઓ અન્ય દેવોને અનુસરીને તેમની પૂજા કરવા લાગશે; વળી, તેઓ મારો તિરસ્કાર કરશે અને મારો કરાર ઉથાપશે. 21 તેથી જ્યારે તેમને માથે ઘણાં દુ:ખ તથા સંકટ આવી પડશે ત્યારે આ ગીત તેમની વિરુધ સાક્ષી પૂરશે; કારણ, આ ગીત તેમના વંશજોને યાદ હશે. અત્યારે પણ જે દેશ વિષે મેં શપથ લીધા છે તેમાં હું તેમને લાવું તે પહેલાં તેઓ કેવા ઈરાદા રાખે છે તે હું બરાબર જાણું છું.” 22 આથી તે જ દિવસે મોશેએ તે ગીત લખી કાઢયું અને ઇઝરાયલના લોકોને શીખવ્યું. 23 પછી પ્રભુએ નૂનના પુત્ર યહોશુઆની નિમણૂંક કરતાં તેને કહ્યું, “બળવાન તથા હિંમતવાન થા. ઇઝરાયલીઓને જે દેશ આપવાના મેં શપથ લીધા છે તેમાં તું તેમને દોરી જશે અને હું તારી સાથે રહીશ.” 24 જ્યારે મોશે આ નિયમોના શબ્દો, આરંભથી અંત સુધી એક પુસ્તકમાં લખી રહ્યો, 25 ત્યારે તેણે પ્રભુની કરારપેટી સંભાળનાર લેવી યજ્ઞકારોને આજ્ઞા આપી: 26 “આ નિયમનું પુસ્તક લો અને તેને તમારા ઈશ્વર પ્રભુની કરારપેટીની બાજુમાં મૂકો; જેથી તે ત્યાં તમારી વિરૂધ સાક્ષી તરીકે રહે. 27 કારણ, તમે કેટલા હઠીલા અને બંડખોર છો તે હું જાણું છું. તમે તો મારી હયાતીમાં પ્રભુ વિરૂધ બંડ કર્યું છે, તો મારા મૃત્યુ પછી કેટલું વિશેષ બંડ કરશો! 28 તમારાં સર્વ કુળોના વડીલોને તથા અધિકારીઓને મારી પાસે એકઠા કરો, જેથી આ બધી બાબતો હું તેમને કહી સંભળાવું અને આકાશ તથા પૃથ્વીને તેમની વિરૂધ મારા સાક્ષીરૂપે રાખું. 29 કારણ, મને ખબર છે કે મારા મૃત્યુ પછી તમે તદ્દન ભ્રષ્ટ થઈ જશો અને જે માર્ગે ચાલવાનું મેં તમને ફરમાવ્યું છે તેમાંથી ગેરમાર્ગે ચડી જશો, અને ભવિષ્યમાં તમારા પર આપત્તિ આવી પડશે. કારણ, પ્રભુની દૃષ્ટિમાં જે અધમ છે તેવાં તમારાં દુરાચરણથી તમે તેમને કોપાયમાન કરશો.” મોશેનું ગીત 30 ત્યારે મોશેએ ઈઝરાયલીઓના આખા સમાજના સાંભળતાં આખું ગીત આરંભથી અંત સુધી કહી સંભળાવ્યું: |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide