Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 30 - પવિત્ર બાઇબલ C.L.


પુન: સ્થાપના અને આશીર્વાદ માટે શરતો

1 “હવે તમારી પસંદગીને માટે મેં તમારી આગળ આશીર્વાદ અને શાપ રજૂ કર્યા છે. જ્યારે આ સર્વ બાબતો તમારા પર આવી પડે અને પ્રભુએ તમને વેરવિખેર કરી નાખ્યા હોય તે દેશોમાં તમે વસતા હો ત્યારે જે પસંદગી મેં તમારી સમક્ષ મૂકી હતી તે તમને યાદ આવશે.

2 જો તમે અને તમારા વંશજો તમારા ઈશ્વર પ્રભુ તરફ પાછા ફરશો અને તેમની જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને આપું છું તેમનું પૂરા દયથી અને પૂરા મનથી પાલન કરશો;

3 તો તમારા ઈશ્વર પ્રભુ તમારા પર દયા કરીને તમારી દુર્દશા પલટી નાખીને તમને આબાદ કરશે. જે દેશોમાં તેમણે તમને વિખેરી નાખ્યા હતા ત્યાંથી તે તમને તમારા દેશમાં પાછા એકત્ર કરશે.

4 અરે, જો તમારામાંના કેટલાક પૃથ્વીના છેડા સુધી દેશનિકાલ કરાયા હશે, તો ત્યાંથી પણ તમારા ઈશ્વર પ્રભુ તમને પાછા લાવીને એકત્ર કરશે.

5 જ્યાં તમારા પૂર્વજો અગાઉ વસતા હતા તે ભૂમિનો તમે ફરીથી કબજો લેશો. તમારા પૂર્વજોના કરતાંય તમે વધારે સમૃધ અને સંખ્યાવાન થશો.

6 તમે તમારા ઈશ્વર પ્રભુના કરારને આધીન થાઓ તે માટે તે તમારાં તથા તમારાં વંશજોના હૃદયોની સુન્‍નત કરશે જેથી તમે તમારા ઈશ્વર પ્રભુ પર પૂરા દયથી અને પૂરા મનથી પ્રેમ રાખતા થશો, અને એમ તમે જીવતા રહેવા પામશો.

7 તમારા ઈશ્વર પ્રભુ તમારો તિરસ્કાર કરનાર અને તમારા પર જુલમ કરનાર તમારા શત્રુઓ પર આ સર્વ શાપ લાવશે.

8 તમે ફરીથી પ્રભુની વાણીને આધીન થશો અને જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તેમનું પાલન કરશો.

9 પ્રભુ તમારા હિતાર્થે તમારા હાથનાં સર્વ કાર્યોમાં સફળતા બક્ષશે. તમારી સંતતિ અને તમારાં ઢોરઢાંક વધારશે અને તમારાં ખેતરો મબલક પાક ઉપજાવશે. કારણ, જેમ પ્રભુ તમારા પૂર્વજો પર પ્રસન્‍ન હતા તેમ તે તમારા પર પણ પ્રસન્‍ન થઈને તમને સમૃધ કરશે.

10 પરંતુ તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન થઈને આ પુસ્તકમાં લખેલા નિયમો અને ફરમાનોનું ખંતથી પાલન કરો અને તમારા ઈશ્વર પ્રભુ પ્રતિ સંપૂર્ણ દયથી અને પૂરા મનથી પાછા ફરો તો એમ થશે.

11 “વળી, આ જે આજ્ઞા હું આજે તમને ફરમાવું છું તે પાળવાનું તમારે માટે મુશ્કેલ નથી કે તે તમારાથી દૂર નથી.

12 તે ઉપર આકાશમાં નથી કે તમારે એમ કહેવું પડે કે, ‘કોણ અમારે માટે આકાશમાં જઈને તે અમારી પાસે લાવે કે અમે તે સાંભળીએ અને તેનું પાલન કરીએ?’

13 વળી, તે સમુદ્રને પેલે પાર નથી કે તમારે એમ પૂછવું પડે કે, ‘કોણ અમારે માટે સમુદ્રને પેલે પાર જઈને તે અમારી પાસે લાવે કે અમે તે સાંભળીએ અને તેનું પાલન કરીએ?’

14 પરંતુ એ આજ્ઞા તો તમારી પાસે જ છે. તે તમારા મુખમાં અને તમારા હૃદયમાં છે માટે તમે તેનું પાલન કરો.

15 “આજે હું તમને જીવન અને મરણ વચ્ચે અને સારા અને નરસા વચ્ચે પસંદગી કરવાની તક આપું છું.

16 તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખવાની, તેમના માર્ગોમાં ચાલવાની અને તેમની સર્વ આજ્ઞાઓ તથા તેમના આદેશો અને ફરમાનોનું પાલન કરવાની જે આજ્ઞા હું આજે તમને આપું છું તેનું જો તમે પાલન કરશો તો તમારું કલ્યાણ થશે અને તમારી વંશવૃધિ થશે અને જે દેશનો કબજો લેવા તમે જાઓ છો તેમાં તમારા ઈશ્વર પ્રભુ તમને આશીર્વાદ આપશે.

17 પણ જો તમારું હૃદય ભટકી જાય, અને એ આજ્ઞાની ઉપેક્ષા કરશો અને લલચાઈ જઈને અન્ય દેવદેવીઓની સેવાપૂજા કરશો;

18 તો હું આજે તમને ચેતવણી આપું છું કે તમે જરૂર નાશ પામશો. જે દેશનો કબજો લેવા તમે યર્દન ઓળંગીને જાઓ છો તેમાં લાંબો સમય વાસ કરી શકશો નહિ.

19 આજે હું આકાશ તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી તરીકે રાખું છું કે મેં તમારી પસંદગી માટે તમારી આગળ જીવન અને મરણ તથા આશીર્વાદ અને શાપ મૂક્યાં છે; માટે જીવન પસંદ કરો કે જેથી તમે અને તમારાં સંતાનો જીવતાં રહો.

20 તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખવાનું, તેમની વાણીને આધીન થવાનું અને તેમને નિષ્ઠાપૂર્વક વળગી રહેવાનું પસંદ કરો; કારણ, તેથી તમે જીવન પામશો અને દીર્ઘ આયુષ્ય ભોગવશો, અને જે દેશ તમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને આપવાના પ્રભુએ તેમની સમક્ષ શપથ લીધા હતા તેમાં તમે લાંબો સમય વાસ કરશો.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan