Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 3 - પવિત્ર બાઇબલ C.L.


ઇઝરાયલીઓ દ્વારા ઓગ રાજાનો પરાજય
( ગણ. 21:31-35 )

1 “ત્યાર પછી આપણે બાશાનના પ્રદેશ તરફ ચાલી નીકળ્યા; અને બાશાનનો રાજા ઓગ પોતે તેના સર્વ સૈન્ય સાથે એડ્રેઈ નજીક આપણી સામે યુધ કરવા આવ્યો.

2 પરંતુ પ્રભુએ મને કહ્યું, ‘તેનાથી ડરી જઈશ નહિ. કારણ, હું તેને, તેના સૈન્યને તથા તેના દેશને તારે હવાલે કરીશ અને હેશ્બોનમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોનની જેવી દુર્દશા તેં કરી તેવી તેની પણ કરજે.’

3 “એમ આપણા ઈશ્વર પ્રભુએ બાશાનના રાજા ઓગને પણ તેના સર્વ સૈન્ય સહિત આપણા હવાલે કર્યો, અને આપણે તેમનો એવો મોટો સંહાર કર્યો કે એમનું કોઈ જીવતું બચ્યું નહિ.

4 તે સમયે આપણે બાશાનનું રાજ્ય એટલે આર્ગોબનો આખો વિસ્તાર જીતી લીધો. આપણે તેના સર્વ નગરો જીતી લીધાં; આપણે તેમની પાસેથી જીત્યું ન હોય એવું એક પણ નગર બાકી રહ્યું નહિ; એકંદરે આપણે સાઠ નગરો જીતી લીધાં.

5 એ બધાં નગરો ઊંચા કોટ, દરવાજાઓ અને લાકડાનાં દાંડાઓથી સુરક્ષિત હતા. એ ઉપરાંત કોટ વગરનાં સંખ્યાબંધ ગામો પણ હતાં.

6 હેશ્બોનના રાજા સિહોનનાં નગરોની જેમ એ બધાં નગરોનો તેમનાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સહિત પૂરેપૂરો નાશ કર્યો.

7 અને માત્ર ઢોરો અને જીતેલો સામાન લૂંટ તરીકે રાખી લીધાં.

8 “એ પ્રમાણે તે સમયે આપણે યર્દન નદીની પૂર્વ તરફ આવેલો આર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો બધો પ્રદેશ અમોરીઓના એ બંને રાજાઓ પાસેથી જીતી લીધો.

9 (સિદોનીઓ હેર્મોન પર્વતને સિર્યોન તરીકે ઓળખે છે, જ્યારે અમોરી લોકો તેને સેનીર કહે છે).

10 આપણે બાશાનના રાજા ઓગનો સમગ્ર વિસ્તાર, ઉચ્ચપ્રદેશનાં સર્વ નગરો, ગિલ્યાદ અને પૂર્વ દિશામાં સાલખા અને એડ્રેઈ નગરો સુધીનો બાશાનનો પૂરો વિસ્તાર જીતી લીધો.

11 (બાશાનનો રાજા ઓગ રફાઈ જાતિનો છેલ્લો રાજા હતો અને તેની શબપેટી લોખંડની હતી. નિયત માપ પ્રમાણે તે આશરે ચાર મીટર લાંબી અને બે મીટર પહોળી હતી. તે પેટી આમ્મોનીઓના રાબ્બા નગરમાં હયાત છે.)


યર્દન નદીની પૂર્વે વસેલાં કુળો
( ગણ. 32:1-42 )

12 “તે સમયે આપણે કબજે કરેલા પ્રદેશમાંથી આર્નોનને કિનારે આવેલા અરોએર નગરની ઉત્તર તરફનો પ્રદેશ અને ગિલ્યાદના પહાડી પ્રદેશનો તેનાં નગરો સહિતનો અમુક ભાગ મેં રૂબેન તથા ગાદના કુળોને આપ્યો હતો.

13 ગિલ્યાદનો બાકીનો પ્રદેશ તથા ઓગ રાજાનો બાશાનનો એટલે આર્ગોબનો સમગ્ર વિસ્તાર મેં મન્‍નાશાના અર્ધા કુળને આપ્યો હતો.

14 (બાશાન તો રફાઈ જાતિનો દેશ ગણાતો હતો. મનાશ્શાના પુત્ર યાઈરે ગશુરીઓ તથા માઅખાથીઓની સરહદ સુધીનો આર્ગોબનો આખો વિસ્તાર જીતી લીધો. તેણે પોતાના નામ પરથી તે ગામોને ‘હાવ્વોથ યાઈર’ એવું નામ આપ્યું અને આજે પણ તે યાઈરનાં ગામો તરીકે ઓળખાય છે).

15 “ગિલ્યાદનો પ્રદેશ મેં મનાશ્શા કુળના માખીરના ગોત્રને આપ્યો હતો.

16 અને રૂબેન તથા ગાદના કુળના લોકોને ગિલ્યાદથી આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ આપ્યો હતો. તે ખીણની વચમાંથી તેમની દક્ષિણની સરહદ હતી; જે આમ્મોનીઓની સરહદ પણ હતી.

17 પશ્ર્વિમે તેમની સરહદ યર્દન નદી સુધી ઉત્તરે ક્ધિનેરેથ સરોવરથી દક્ષિણે અરાબા એટલે મૃત સમુદ્ર સુધી અને પૂર્વ બાજુએ પિસ્ગા પર્વતની તળેટીના ઢોળાવ સુધી હતી.

18 “તે સમયે મેં તેમને આવી આજ્ઞા આપી: ‘તમારા ઈશ્વર પ્રભુએ તમને આ દેશ કબજે કરવા આપ્યો છે. તમારા સર્વ લડવૈયા પુરુષો શસ્ત્રસજ્જ થઈને તમારા ભાઈઓની એટલે બાકીના ઇઝરાયલીઓની સાથે યર્દન નદીની પેલે પાર જાઓ.

19 હું જાણું છું કે તમારી પાસે પુષ્કળ ઢોરઢાંક છે; તેથી તમારી સ્ત્રીઓ, તથા તમારાં બાળકો અને ઢોરઢાંક મેં તમને આપેલાં નગરોમાં રહે.

20 “તમારી જેમ પ્રભુ તેમને પણ વિરામનું સ્થળ આપે, એટલે કે પ્રભુએ તેમને આપેલો યર્દન નદીની પશ્ર્વિમનો પ્રદેશ તેઓ કબજે કરે અને ત્યાં શાંતિથી વસે ત્યાં સુધી તમે તેમને સાથ આપજો. તે પછી તમે મેં તમને આપેલા આ વતનમાં પાછા આવજો.

21 “તે સમયે મેં યહોશુઆને પણ આજ્ઞા આપી હતી કે, ‘તમારા ઈશ્વર પ્રભુએ આ બે રાજાઓની કેવી દુર્દશા કરી તે તેં તારી નજરે જોયું છે. તું યર્દન નદી ઊતરીને જે જે રાજ્યોમાં જાય છે ત્યાં પ્રભુ તેમને પણ તે જ પ્રમાણે કરશે.

22 તું તેમનાથી ગભરાઈશ નહિ; કારણ, પ્રભુ તારા પક્ષે તમારે માટે લડશે.’ મોશેની પ્રાર્થના

23-24 “તે સમયે મેં પ્રભુને નમ્રતાથી વીનવણી કરી, ‘હે પ્રભુ યાહવે, તમે તમારા આ સેવકને તમારા મહાત્મ્ય તથા પરાક્રમી ભૂજંના કાર્યોની માત્ર ઝાંખી કરાવી છે. તમારાં જેવાં મહાન કાર્યો કરી શકે એવો આકાશમાં અને પૃથ્વી પર કોઈ દેવ નથી.

25 કૃપા કરી મને યર્દન નદીની પેલે પાર જવા દો અને સામે પારનો ફળદ્રુપ દેશ તથા સુંદર પહાડી પ્રદેશ અને લબાનોન જોવા દો.’

26 પરંતુ તમારે લીધે પ્રભુ મારા પર રોષે ભરાયા હોવાથી તેમણે મારી વિનંતી સાંભળી નહિ. પ્રભુએ મને કહ્યું, ‘તારે માટે આટલું બસ છે! એ બાબત વિષે હવે મારી સાથે ફરી કદી બોલીશ નહિ!’

27 પિસ્ગા પર્વતના શિખર પર ચઢ અને તારી નજર પશ્ર્વિમ તરફ, ઉત્તર તરફ, દક્ષિણ તરફ અને પૂર્વ તરફ ફેરવીને જો. યાનપૂર્વક અવલોકન કર; કારણ, તું યર્દન નદીની પેલે પાર જઈ શકીશ નહિ.

28 એ અંગે તું યહોશુઆને આજ્ઞા કર, તેને તું હિંમત તથા પ્રોત્સાહન આપ. કારણ, એ જ આ લોકોને પેલે પાર દોરી જશે અને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તેમને પ્રાપ્ત કરાવશે.

29 “તે પછી આપણે બેથ-પયોર નગરની સામેના ખીણપ્રદેશમાં પડાવ નાખ્યો.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan