પુનર્નિયમ 29 - પવિત્ર બાઇબલ C.L.મોઆબ પ્રદેશમાં ઇઝરાયલ સાથે પ્રભુનો કરાર 1 હોરેબ પર્વત પર પ્રભુએ ઇઝરાયલના લોકો સાથે કરેલા કરાર ઉપરાંત મોઆબ દેશમાં તેમની સાથે જે કરાર કરવાની તેમણે મોશેને આજ્ઞા આપી તે નીચે પ્રમાણે છે: 2 મોશેએ ઇઝરાયલના સર્વ લોકોને એકત્ર કરીને કહ્યું, “પ્રભુએ ઇજિપ્ત દેશમાં ફેરોની, તેના અધિકારીઓની અને તેના સમસ્ત દેશની કેવી દુર્દશા કરી તે બધું તમે નજરોનજર જોયું છે; 3 એટલે, ભયાનક મરકીઓ, ચમત્કારો, તથા અજાયબ કાર્યો જોયાં છે. 4 છતાં પ્રભુએ તમને આજદિન સુધી સમજવાની બુધિ, જોવાની આંખ કે સાંભળવાને કાન આપ્યા નથી. 5 આ ચાલીસ વર્ષ દરમ્યાન મેં તમને વેરાન પ્રદેશમાં ચલાવ્યા છે; તમારાં શરીર પરનાં વસ્ત્રો ર્જીણ થઈ ગયાં નથી કે તમારાં પગરખાં ઘસાઈ ગયાં નથી. 6 તમારા ખોરાકમાં કંઈ રોટલી અને પીણાં તરીકે માત્ર દ્રાક્ષાસવ કે જલદ આસવ જેવી રોજિંદી ચીજો નહોતી; પરંતુ પ્રભુએ તમારી બધી જરૂરિયાતો પૂરી પાડી, જેથી તમને ખાતરી થાય કે પ્રભુ તમારા ઈશ્વર છે. 7 જ્યારે આપણે આ સ્થળે આવી પહોંચ્યા ત્યારે હેશ્બોન નગરનો રાજા સિહોન તથા બાશાન નગરનો રાજા ઓગ આપણી સામે યુધ કરવા ચડી આવ્યા, પણ આપણે તેમનો પરાજય કર્યો. 8 તેમનો પ્રદેશ આપણે જીતી લીધો અને રૂબેનના કુળના, ગાદના કુળના તથા મનાશ્શાના અર્ધા કુળના લોકોને તે વારસા તરીકે વહેંચી આપ્યો. 9 તો હવે આ કરારની શરતોનું ખંતથી પાલન કરો કે, જેથી તમારાં સર્વ કાર્યોમાં તમે સફળ થાઓ. 10 “આજે તમારા ઈશ્વર પ્રભુની આગળ તમે સર્વ એકત્ર થયા છો; તમારા કુળોના આગેવાનો, તમારા વડીલો, તમારા અધિકારીઓ, ઇઝરાયલના સર્વ પુરુષો, 11 બાળકો, સ્ત્રીઓ તેમ જ તમારી મધ્યે વસતા લાકડાં કાપનારા અને પાણી ભરનારા પરદેશીઓ સૌ ઉપસ્થિત છે. 12 તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે આજે જે કરાર શપથપૂર્વક કરવા માગે છે તે પાળવાની જવાબદારી સ્વીકારો; 13 જેથી તે આજે તમને પોતાના લોક તરીકે સ્થાપિત કરે અને તમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબની સમક્ષ તેમણે જે શપથ લીધા તે પ્રમાણે તે તમારા ઈશ્વર બને. 14 પ્રભુ શપથ સહિતનો આ કરાર માત્ર તમારી સાથે જ કરતા નથી, 15 પરંતુ આજે પ્રભુની સમક્ષ ઉપસ્થિત થયેલા આપણ સર્વની સાથે તેમજ આપણી ભાવિ પેઢીના વંશજો સાથે પણ કરે છે. 16 “(ઇજિપ્ત દેશમાં આપણે કેવી હાલતમાં રહેતા હતા અને બીજી પ્રજાઓની હદમાં થઈને કેવી મુશ્કેલીથી પસાર થયા તેની તમને ખબર છે. 17 તમે તેમની મધ્યે તેમના દેવોની લાકડાની, પથ્થરની, ચાંદીની તથા સોનાની ઘૃણાજનક અને સૂગ ચડે તેવી મૂર્તિઓ જોઈ છે.) 18 અહીં ઉપસ્થિત થયેલા લોકોમાંથી કોઈ પુરુષ કે સ્ત્રી, કોઈ કુટુંબ અથવા કુળના લોકો તમારા ઈશ્વર પ્રભુથી વિમુખ થઈને બીજી પ્રજાઓના દેવોની પૂજા કરવા લલચાઈ ન જાય એ વિષે ચોક્સાઈ રાખજો; તમારામાં કીરમાણીનો ક્તિલ અને ઝેરી છોડવો ઉગાડનાર જડ ન હોય એનો ખ્યાલ રાખજો. 19 એથી મળતા શાપ વિષે સાંભળ્યા છતાં કોઈ મનમાં અહંકાર રાખીને ફાવે તેમ વર્તે અને ભલેને સૂકા સાથે લીલુંય બળી જાય એવું વલણ રાખે; 20 તો એવી વ્યક્તિને પ્રભુ માફ નહિ કરે, પણ પ્રભુનો ક્રોધાવેશ તેના પર ભભૂકી ઊઠશે અને આ પુસ્તકમાં લખેલા સર્વ શાપ તેના પર આવી પડશે; અને પ્રભુ આકાશ તળેથી તેનું નામનિશાન ભૂંસી નાખશે. 21 પ્રભુ એવી વ્યક્તિને ઇઝરાયલના સર્વ કુળોના લોકો સમક્ષ દાખલારૂપ બનાવીને નિયમના આ પુસ્તકમાં લખેલા કરારના સર્વ શાપ તેના પર લાવશે. 22 “તમારાં સંતાનોની ભાવિ પેઢી અને દૂર દેશોથી આવનાર પરદેશીઓ ભવિષ્યમાં પ્રભુએ તમારા દેશ પર ઊતરેલા રોગો અને આફતો જોશે. 23 પ્રભુએ પોતાના રોષમાં અને કોપમાં સદોમ, ગમોરા, આદમા અને સબોઈમનો વિનાશ કર્યો તેમના જેવી જ દશા તમારા દેશની થશે. એટલે કે, તેમાં ગંધક અને મીઠું જવાથી અને સૂકો ભઠ્ઠ થઈ જવાથી ત્યાં કંઈ વવાશે નહિ કે કંઈ ઊગશે નહિ. અરે, ત્યાં ઘાસ કે નકામા છોડ પણ ઊગશે નહિ. 24 તે જોઈને પૃથ્વીની બધી પ્રજાઓ પૂછશે, ‘શા માટે પ્રભુએ તેમના દેશની આવી દુર્દશા કરી? તેમના ભારે અને ઉગ્ર કોપનું કારણ શું?’ 25 ત્યારે લોકો જવાબ આપશે, ‘એનું કારણ એ કે તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુએ તેમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા ત્યારે તેમની સાથે તેમણે જે કરાર કર્યો હતો તેનો તેમણે ત્યાગ કર્યો, 26 અને તેઓ પહેલાં જાણતા નહોતા અને જેમને ભજવા માટે નિયુક્ત કર્યા નહોતા એવા અન્ય દેવદેવીઓની તેમણે સેવાપૂજા કરી. 27 તેથી પ્રભુનો ક્રોધાગ્નિ એ દેશ વિરુધ ભભૂકી ઊઠયો અને આ પુસ્તકમાં લખેલા સર્વ શાપ તે તેમના પર લાવ્યા. 28 પ્રભુએ ભારે ક્રોધાવેશમાં અને તેમના ઉગ્ર રોષમાં તેમને તેમના દેશમાંથી ઉખેડી નાખ્યા અને વિદેશમાં ધકેલી દીધા અને આજે પણ તેઓ ત્યાં જ છે.” 29 “કેટલીક બાબતો આપણા ઈશ્વર પ્રભુએ આપણાથી ગુપ્ત રાખી છે, પરંતુ તેમણે તેમના નિયમો આપણે માટે પ્રગટ કર્યા છે, જેથી આપણે અને આપણા વંશજો તેમનું સદાસર્વદા પાલન કરીએ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide