પુનર્નિયમ 28 - પવિત્ર બાઇબલ C.L.આજ્ઞાપાલનના આશીર્વાદો ( લેવી. 26:3-13 ; પુન. 7:12-24 ) 1 “જો તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને ખંતથી આધીન થશો અને તેમની જે સર્વ આજ્ઞાઓ આજે હું તમને ફરમાવું છું તેમનું કાળજીપૂર્વક પાલન કરશો તો તમારા ઈશ્વર પ્રભુ તમને પૃથ્વી પરની બધી પ્રજાઓમાં સર્વોચ્ચ સ્થાને સ્થાપશે. 2 જો તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન થશો તો આ બધા આશીર્વાદો તમારા પર ઊતરી આવશે: 3 “તમે નગરમાં આશીર્વાદિત થશો અને ખેતરમાં પણ આશીર્વાદિત થશો. 4 “તમારાં પેટનાં સંતાન, તમારા ખેતરની પેદાશ, તમારાં ઢોરઢાંકનાં બચ્ચાં અને તમારાં ઘેટાંબકરાનાં બચ્ચાં આશીર્વાદિત થશે. 5 “તમારી અન્નફળની ટોપલી તથા તમારા આટાનો થાળ આશીર્વાદિત થશે.” 6 “તમારી સર્વ અવરજવરમાં તમે આશીર્વાદિત થશો. 7 “તમારા પર આક્રમણ કરનાર તમારા શત્રુઓને પ્રભુ હાર પમાડશે. તેઓ તમારા પર એક માર્ગે હુમલો કરશે, પણ તમારી સામેથી સાત માર્ગે નાસી જશે. 8 “પ્રભુ તમારા હાથનાં સર્વ કાર્યો પર આશીર્વાદ આપશે અને તમારી વખારોને ધાન્યથી ભરી દેશે અને જે દેશ તે તમને આપે છે તેમાં તે તમને આશીર્વાદિત કરશે. 9 “જો તમે તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાઓ પાળશો અને તેમના માર્ગોમાં ચાલશો તો તેમના શપથ પ્રમાણે તે તમને પોતાના પવિત્ર લોક તરીકે સંસ્થાપિત કરશે. 10 તમે યાહવેને નામે ઓળખાતા તેમના પસંદિત લોક છો એ જોઈને પૃથ્વીની બધી પ્રજાઓ તમારો ડર રાખશે. 11 જે દેશ તમને આપવા વિષે પ્રભુએ તમારા પૂર્વજો સમક્ષ શપથ લીધા હતા તે દેશમાં પ્રભુ તમને પુષ્કળ સંતાનો, પુષ્કળ ઢોરઢાંક અને વિપુલ પાક આપશે. 12 પ્રભુ આકાશમાંના પોતાના અખૂટ ભંડાર ખોલીને તમારા દેશ પર ઋતુસર વરસાદ મોકલશે અને તમારા હાથનાં સર્વ કાર્યો પર આશીર્વાદ રેડશે; જેથી તમે ઘણી પ્રજાઓને ઉછીનું આપશો, પણ તમે કંઈ ઉછીનું લેશો નહિ. 13 પ્રભુ તમને બધી પ્રજાઓના અનુયાયી નહિ, પણ અગ્રેસર બનાવશે. તમે સૌના ઉપરી થશો; કોઈના તાબામાં નહિ હો. જો તમે પ્રભુની જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું. તેમનું ખંતથી પાલન કરો, તો તમે સદા આબાદ થશો અને કદી નિષ્ફળ જશો નહિ. 14 અને જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તેમનાથી ડાબે કે જમણે ફંટાઈને અન્ય દેવદેવીઓની સેવાપૂજા કરવા ભટકી ન જાઓ તો એમ થશે. આજ્ઞાભંગનાં પરિણામો ( લેવી. 26:41-46 ) 15 “પણ જો તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન નહિ થાઓ અને જે સર્વ આજ્ઞાઓ તથા ફરમાનો હું આજે તમને ફરમાવું છું તેમનું પાલન નહિ કરો તો આ બધા શાપ તમારા પર ઊતરી આવશે અને તમને જકડી લેશે: 16 “તમે નગરમાં શાપિત થશો અને ખેતરમાં પણ શાપિત થશો. 17 “તમારી અન્નફળની ટોપલી અને તમારા આટાનો થાળ પણ શાપિત થશે. 18 “તમારાં પેટનાં સંતાન, તમારા ખેતરની પેદાશ, તમારાં ઢોરઢાંકનાં બચ્ચાં અને તમારાં ઘેટાંબકરાંના બચ્ચાં શાપિત થશે. 19 “તમારી સર્વ અવરજવરમાં તમે શાપિત થશો. 20 “તમારાં દુરાચરણોને લીધે અને તમે પ્રભુનો ત્યાગ કર્યો હોવાથી જે કોઈ કાર્ય તમે હાથ પર લેશો તેમાં પ્રભુ તમારા પર શાપ, ગૂંચવણ અને ધમકી મોકલશે અને તમારો પૂરેપૂરો નાશ થશે અને તે સત્વરે થશે. 21 તમે જે દેશનો કબજો લેવા જાઓ છો તેમાં તમારું નિકંદન થઈ જાય ત્યાં સુધી પ્રભુ તમારા પર રોગચાળો મોકલ્યા કરશે. 22 પ્રભુ તમને ક્ષય રોગથી, તાવથી, સોજાથી અને ઉગ્ર તાવથી તથા દુકાળ, ગરમ લૂ અને ફુગથી પીડા દેશે અને તમારો વિનાશ થતાં સુધી એ બધાં તમારો પીછો કરશે. 23 તમારા માથા ઉપર આકાશ તાંબા જેવું ધગધગી ઊઠશે અને વરસાદ પડશે નહિ અને તમારા પગ નીચેની ધરતી લોઢા જેવી સૂકી ભઠ્ઠ થઈ જશે. 24 તમારો નાશ થઈ જાય ત્યાં સુધી પ્રભુ તમારા પર આકાશમાંથી ધૂળ અને ભૂકો વરસાવ્યા કરશે. 25 “તમારા શત્રુઓ સામે પ્રભુ તમને પરાજય પમાડશે. તમે તેમના પર એક માર્ગે હુમલો કરશો, તો તેમની સામેથી સાત માર્ગે નાસી છૂટશો; અને તમારી દશા જોઈને પૃથ્વીની બધી પ્રજાઓ કાંપી ઊઠશે. 26 તમારા લોકોની લાશો ગીધો તથા જંગલી પ્રાણીઓનો ભક્ષ બનશે અને તેમને ત્યાંથી નસાડનાર કોઈ નહિ હોય! 27 પ્રભુ તમને ઇજિપ્તના લોકોને થયા હતાં તેવાં ગૂમડાં, ગાંઠો, રક્તપિત્ત અને ખસ-ખૂજલીથી મારશે. 28 એ ઉપરાંત ગાંડપણ, અંધાપો અને મગજની અસ્થિરતાથી પ્રભુ તમને પીડા દેશે. 29 તમે ભરબપોરે આંધળા માણસની જેમ ફાંફાં મારશો. તમારા કોઈ કાર્યમાં તમને સફળતા મળશે નહિ. તમારા પર સતત જુલમ થશે અને તમે લૂંટાયા કરશો, પણ તમને બચાવનાર કોઈ નહિ હોય. 30 “તમે સ્ત્રી સાથે સગપણ કરશો, પણ બીજો પુરુષ તેની સાથે સમાગમ કરશે. તમે ઘર બાંધશો પણ તેમાં કદી રહેવા પામશો નહિ. તમે દ્રાક્ષવાડી રોપશો પણ તેના ફળનો ઉપભોગ કરી શકશો નહિ. 31 તમારી નજર આગળ તમારા બળદની ક્તલ કરવામાં આવશે, પણ તેનું માંસ તમે ખાવા પામશો નહિ. તમારા દેખતાં તમારા ગધેડાને બળજબરીથી લઈ જવામાં આવશે અને તે તમને પાછો મળશે નહિ. શત્રુઓ તમારા ઘેટાં છીનવી લેશે અને ત્યારે તમને મદદ કરનાર કોઈ નહિ હોય. 32 તમારી નજર સામે જ તમારા પુત્રપુત્રીઓને અન્ય દેશના લોકોને ગુલામ તરીકે વેચવામાં આવશે. તેમને માટે ઝૂરી ઝૂરીને તમારી આંખો ઝાંખી થઈ જશે, પણ તમે કશું કરી શકશો નહિ. 33 અજાણી પ્રજાઓ તમારી મહેનતની બધી પેદાશ લઈ જશે; પણ તમે તો સદા જુલમ વેઠયા કરશો અને તમને કચડી નાખવામાં આવશે. 34 તમારી આંખો જે દૃશ્યો જોશે તેને લીધે તમે ગાંડા થઈ જશો. 35 પ્રભુ તમારાં ધૂંટણ અને પગ પીડાકારક અને અસાય ધારાથી છાઈ દેશે અને પગના તળિયાથી માથાના તાલકા સુધી તમે ગૂમડાંથી ઢંકાઈ જશો. 36 “જે દેશ વિષે તમે તથા તમારા પૂર્વજો જાણતા નથી તે દેશમાં પ્રભુ તમને તેમજ જે રાજા તમે પોતા પર નિયુક્ત કરશો તેને લઈ જશે. ત્યાં તમે અન્ય દેવોની લાકડાની તથા પથ્થરની મૂર્તિની પૂજા કરશો. 37 જે સર્વ દેશોમાં તમે વેરવિખેર થઈ જશો તેમના લોકોમાં તમારી દશા જોઈને હાહાકાર મચી જશે. તેઓ તમારી ઠઠ્ઠા-મશ્કરી અને નિંદા કરશે. 38 “તમે ખેતરમાં પુષ્કળ બી વાવશો, પણ થોડીક ફસલ લણશો. કારણ, તીડો તમારો પાક ખાઈ જશે. 39 તમે દ્રાક્ષવાડીઓ રોપશો અને તેમની સંભાળ લેશો, પણ તમે દ્રાક્ષ વીણવા કે તેમનો દ્રાક્ષાસવ પીવા પામશો નહિ; કારણ, કાતરાઓ તે ખાઈ જશે. 40 તમારી ભૂમિ પર સર્વત્ર ઓલિવ વૃક્ષ ઊગશે, પણ તમે તેનું તેલ શરીરે ચોળવા પામશો નહિ; કારણ, ઓલિવ ફળ ખરી પડશે. 41 તમારે પુત્રો-પુત્રીઓ થશે પણ તમે તેમને ગુમાવશો, કેમ કે તેઓ યુધકેદી તરીકે દેશનિકાલ થશે. 42 તમારાં સર્વ વૃક્ષ અને તમારો પાક તીડોનો ભક્ષ થઈ પડશે. 43 “તમારી મધ્યે વસતા પરદેશીઓ વધારે અને વધારે સત્તા ધારણ કરશે, જ્યારે તમે તમારો અધિકાર ગુમાવતા જશો. 44 તેઓ તમને નાણાં ધીરશે, પણ તમે તેમને ધીરશો નહિ. તેઓ અગ્રેસર થશે અને તમે અનુયાયીઓ થશો. 45 “તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન થયા નહિ અને તેમણે ફરમાવેલ આજ્ઞાઓ તથા વિધિઓનું પાલન કર્યું નહિ તેથી તમારો વિનાશ થતાં સુધી આ સર્વ શાપ તમારા પર આવશે અને તમારો પીછો કરીને તમે પકડી પાડશે. 46 તેઓ તમારા પર અને તમારા વંશજો પર પ્રભુના ન્યાયચુકાદાના પુરાવા તરીકે સદા રહેશે; 47 કારણ, પ્રભુએ તમને સર્વ પ્રકારની સમૃધિથી ભરપૂર કર્યા તોપણ તમે આનંદથી અને દયના ઉમળકાથી તમારા ઈશ્વર પ્રભુની સેવા કરી નહિ. 48 તેથી પ્રભુ જે શત્રુઓને તમારી વિરૂધ મોકલશે તેમની તમે સેવા કરશો. તમે ભૂખ્યા, તરસ્યા, નગ્ન અને સંપૂર્ણ કંગાલિયત દશામાં તેમની વેઠ કરશો. તમારો નાશ થઈ જાય ત્યાં સુધી તે તમારી ખાંધ પર લોખંડની ઝૂંસરી મૂકશે. 49 જેની ભાષા તમે જાણતા નથી એવી પ્રજાને પ્રભુ ખૂબ દૂરથી, એટલે છેક પૃથ્વીને છેડેથી તમારી વિરૂધ લાવશે. તે તમારા પર ગરૂડની જેમ તરાપ મારશે. 50 તેઓ તો વૃધોનું માન ન રાખે કે યુવાનો પર દયા ન દાખવે એવી ક્રૂર અને બિહામણી પ્રજા હશે. 51 તેઓ તમારાં ઢોરઢાંકનો તથા તમારા પાકનો ભક્ષ કરી જશે; પરિણામે તમે ભૂખે મરશો. તેઓ તમારો વિનાશ થાય ત્યાં સુધી તમારાં ધાન્ય, દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ઢોરઢાંક તથા ઘેટાંબકરાં પડાવી લેશે. 52 જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને આપે છે તેનાં સર્વ નગરોની આસપાસ તેઓ ઘેરો ઘાલશે અને જેના પર તમને ભરોસો હશે તે ઊંચા અને કિલ્લેબંદી નગરો સર થાય ત્યાં સુધી ઘેરો ચાલુ રહેશે. 53 “શત્રુઓ તમારાં નગરોને ઘેરો ઘાલીને તમને એવા સકંજામાં લેશે કે તમે તમારા ઈશ્વર પ્રભુએ આપેલાં તમારાં પોતાનાં જ સંતાનોનું માંસ ખાશો. 54-55 એ ઘેરા અને સકંજાને લીધે એવી કારમી અછત ઊભી થશે કે તમારામાં સૌથી સદ્ગૃહસ્થ અને લાગણીશીલ હોય એવો પુરુષ પણ ખોરાકના અભાવે પોતાનાં જ કેટલાંક સંતાનોનો ભક્ષ કરશે અને તે એટલો સ્વાર્થી થઈ જશે કે પોતાના સગાભાઈ, પ્રાણપ્રિય પત્ની કે બચી ગયેલાં બાળકોને પણ એમાંથી વહેંચશે નહિ. 56-57 તમારામાં કોઈ કોમળ અને નાજુક સ્ત્રી હોય કે જે કદી પગે ચાલીને ક્યાંય ગઈ ન હોય એવી સ્ત્રી પણ એમ જ કરશે. જ્યારે તમારા શત્રુઓ તમારા નગરને ઘેરો ઘાલશે અને તમને ભીંસમાં લેશે, ત્યારે વ્યાપક અછતને લીધે તે પોતાના પ્રિય પતિ પ્રત્યે, અરે, પોતાનાં જ પુત્રપુત્રીઓ પ્રત્યે સ્વાર્થભરી રીતે વર્તશે. એટલે સુધી કે તેને જન્મેલા બાળકને અને ઓરને છાનીમાની ખાઈ જશે. 58 “જો તમે તમારા ઈશ્વર યાહવેના ગૌરવી અને ભયાવહ નામનું સન્માન કરવા માટે આ પુસ્તકમાં લખેલા સર્વ નિયમોનું કાળજીપૂર્વક પાલન નહિ કરો; 59 તો પ્રભુ તમારા પર તથા તમારા વંશજો પર મરકીઓ, ભયંકર રોગચાળા અને અસાય રોગો મોકલશે. 60 તમને જેમનો ખૂબ ડર હતો તે ઇજિપ્ત દેશના રોગો તે તમારા પર લાવશે અને તમે સાજા થશો નહિ. 61 વળી, જે રોગ અને મરકીનાં નામ નિયમના આ પુસ્તકમાં લખેલાં નથી તેમને પણ પ્રભુ તમારો વિનાશ થાય ત્યાં સુધી તમારા પર લાવ્યા કરશે. 62 તમે ભલે સંખ્યામાં આકાશના તારા જેટલા થાઓ, તોપણ તેમાંથી માત્ર જૂજ લોકો બચવા પામશે; કારણ, તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન થયા નહિ. 63 જેમ પ્રભુ તમારું કલ્યાણ કરવામાં અને તમારી વૃધિ કરવામાં આનંદ પામતા હતા તેમ હવે પ્રભુ તમારો વિનાશ કરવામાં અને તમારું નિકંદન કાઢવામાં આનંદ પામશે, અને તમે જે દેશનો કબજો લેવા જાઓ છો તેમાંથી તમારો ઉચ્છેદ કરી નંખાશે.” 64 “પ્રભુ તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી સર્વ દેશોમાં વિખેરી નાખશે, અને ત્યાં જેમને તમે અથવા તમારા પૂર્વજો જાણતા નથી એવા અન્ય દેવોની લાકડાની તથા પથ્થરની મૂર્તિઓની પૂજા કરશો. 65 એ દેશોમાં તમને કંઈ નિરાંત મળશે નહિ, તમારે અહીંતહીં રઝળવું પડશે. ત્યાં પ્રભુ તમને ધ્રૂજતું હૃદય, ધૂંધળી આંખો અને ઝૂરતું મન આપશે. 66 તમારી જિંદગી હંમેશા જોખમમાં હશે. તમે રાતદિવસ ગભરાટમાં રહેશો અને સતત મોતના ભય હેઠળ જીવશો. 67 તમારા મનમાં ગભરાટ હશે અને તમારી સમક્ષ ભયંકર દૃશ્યો હશે; તેથી સવારે તમે કહેશો, ‘હે ઈશ્વર, ક્યારે સાંજ પડે!’ અને સાંજે તમે કહેશો, ‘હે ઈશ્વર, ક્યારે સવાર થશે!’ 68 જે માર્ગ વિષે મેં તમને વચન આપ્યું હતું કે તમે તે માર્ગ ફરી કદી જોશો નહિ, તે માર્ગે વહાણોમાં પ્રભુ તમને ફરીથી ઇજિપ્ત દેશમાં મોકલી દેશે; અને ત્યાં તમે ગુલામ તરીકે તમારા શત્રુઓને વેચાઈ જવા ચાહશો, પણ કોઈ તમને ખરીદશે નહિ.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide