પુનર્નિયમ 27 - પવિત્ર બાઇબલ C.L.પથ્થરો પર નિયમોનું લખાણ 1 પછી મોશેએ અને ઇઝરાયલના વડીલોએ લોકોને આજ્ઞા આપતાં કહ્યું, “જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને આપું છું તેમનું પાલન કરજો. 2 તમે યર્દન નદી પાર કરીને જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને આપે છે તેમાં પ્રવેશ કરો ત્યારે તમારે મોટા પથ્થરો ઊભા કરવા અને તેમના પર ચુનાનો લેપ કરવો. 3 અને તેમના પર આ નિયમના સર્વ શબ્દો લખવા. 4 તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ આપેલા વચન પ્રમાણે તમને યર્દન ઓળંગીને પ્રભુ તમારા ઈશ્વર તમને દૂધમધની રેલમછેલવાળો જે દેશ આપે છે તેમાં તમે જાઓ ત્યારે આજે હું તમને જે સૂચના આપું છું તે પ્રમાણે તમારે એ પથ્થરો એબાલ પર્વત પર ઊભા કરવા અને તેમના પર ચુનાનો લેપ કરવો. 5 અને ત્યાં તમારે તમારા ઈશ્વર પ્રભુને માટે જેના પર લોઢાનું કોઈ ઓજાર વપરાયું ન હોય એવા પથ્થરોની એક વેદી બાંધવી; 6 પ્રભુની વેદી પણ ઘડાયા વગરના આખા પથ્થરોથી બંધાવી જોઈએ. તે વેદી પર તમારે તમારા ઈશ્વર પ્રભુને દહનબલિ ચડાવવા; 7 તે પર તમારે તમારાં સંગતબલિ ચડાવવા અને તેમાંથી ખાવું અને તમારા ઈશ્વર પ્રભુના સાનિધ્યમાં આનંદોત્સવ કરવો. 8 તમારે આ સર્વ નિયમોના શબ્દો તે પથ્થરો પર સુવાચ્ય અક્ષરે લખવા. 9 પછી મોશે અને લેવીકુળના યજ્ઞકારોએ ઇઝરાયલના સર્વ લોકોને કહ્યું, “હે ઇઝરાયલીઓ, શાંત રહો અને સાંભળો; આજે તમે તમારા ઈશ્વર યાહવેના લોક બન્યા છો. 10 તેથી તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન રહીને જે આજ્ઞાઓ અને વિધિઓ હું આજે તમને ફરમાવું છું તેમનું પાલન કરજો. નિયમોની અવજ્ઞા માટે શાપ 11 તે જ દિવસે મોશેએ લોકોને આજ્ઞા આપી, 12 “જ્યારે તમે યર્દન પાર કરીને જાઓ, ત્યારે પ્રભુના લોક પર આશીર્વાદ ઉચ્ચારવા માટે શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, યોસેફ તથા બિન્યામીનનાં કુળોના લોકો ગરીઝીમ પર્વત પર ઊભા રહે. 13 એમ જ શાપ ઉચ્ચારવા માટે રૂબેન, ગાદ, આશેર, ઝબુલૂન, દાન તથા નાફતાલીનાં કુળોના લોકો એબાલ પર્વત પર ઊભા રહે.” 14 ત્યારે લેવીકુળના યજ્ઞકારો ઇઝરાયલી લોકોને આ શબ્દો મોટે સાદે કહે: 15 ‘પ્રભુ જેને ધિક્કારે છે એ પથ્થરની, લાકડાંની કે ધાતુની મૂર્તિ બનાવીને ગુપ્તમાં તેની ભક્તિ કરનાર શાપિત હો.’ ત્યારે સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. 16 ‘પોતાના પિતા કે માતાનું અપમાન કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. 17 ‘પોતાના પડોશીની જમીનની હદનો પથ્થર ખસેડનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. 18 ‘આંધળા માણસને ખોટે માર્ગે દોરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. 19 ‘પરદેશી, અનાથ કે વિધવાનો અન્યાય કરનાર શાપિત હો.’ ત્યારે સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. 20 ‘પોતાના પિતાની પત્ની સાથે સમાગમ કરી તેના પર નામોશી લાવનાર શાપિત હો.’ ત્યારે સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. 21 ‘પ્રાણી સાથે સમાગમ કરનાર શાપિત હો.’ ત્યારે સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. 22 ‘પોતાની બહેન એટલે પિતાની પુત્રી કે માતાની પુત્રી સાથે સમાગમ કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. 23 ‘પોતાની સાસુ સાથે સમાગમ કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. 24 ‘પોતાના પડોશીની ગુપ્ત રીતે હત્યા કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. 25 ‘નિર્દોષજનની હત્યા કરવા લાંચ લેનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. 26 ‘પ્રભુના સર્વ નિયમોનું સમર્થન ન કરનાર અને તેમનું પાલન ન કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide