પુનર્નિયમ 26 - પવિત્ર બાઇબલ C.L.ફસલનાં અર્પણો 1 “જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને વારસામાં આપે છે તેમાં જ્યારે તમે વસવાટ કરો, 2 ત્યારે તે દેશની ભૂમિમાંથી થયેલી તમારી બધી પેદાશનાં થોડાં પ્રથમફળ એક ટોપલીમાં લઈને તમારે તમારા ઈશ્વર પ્રભુએ પોતાના નામની ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થળે જવું. 3 તે સમયે હોદ્દા પર જે યજ્ઞકાર હોય તેની પાસે જઈને તેને કહેવું, “આજે હું તારા ઈશ્વર પ્રભુ સમક્ષ એકરાર કરું છું કે જે દેશ પ્રભુએ આપણા પૂર્વજોને અને આપણને આપવાના શપથ લીધા હતા તેમાં હું આવી પહોંચ્યો છું. 4 “પછી યજ્ઞકાર તમારા હાથમાંથી ટોપલી લઈ તેને તમારા ઈશ્વર પ્રભુની વેદી પાસે મૂકે. 5 તે વખતે તમારે તમારા ઈશ્વર પ્રભુની સમક્ષ આ પ્રમાણે એકરાર કરવો: ‘મારો પૂર્વજ મૃત્યુને આરે આવેલો એક અતિ વૃધ અરામી હતો. તે તેના કુટુંબને લઈને ઇજિપ્ત દેશમાં ગયો અને ત્યાં તેમણે વસવાટ કર્યો. તેઓ ત્યાં ગયા ત્યારે સંખ્યામાં જૂજ હતા. પરંતુ તેઓ એક મહાન, બળવાન અને સંખ્યાવાન પ્રજા બન્યા. 6 તેથી ઇજિપ્તના લોકોએ અમારા પર જુલમ કર્યો, અમને ખૂબ કષ્ટ દીધું અને અમારી પાસે સખત મજૂરી કરાવી. 7 ત્યારે અમે અમારા પૂર્વજોના ઈશ્વરને પોકાર કર્યો. પ્રભુએ અમારો પોકાર સાંભળ્યો અને તેમણે અમારાં દુ:ખ, અમારો સખત પરિશ્રમ અને અમારા પર ગુજરતો જુલમ જોયાં. 8 પ્રભુએ પોતાનો હાથ લંબાવીને તેમના પ્રચંડ બાહુબળથી અમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા, અને તે માટે તેમણે ભારે આતંકજન્ય અજાયબ કાર્યો અને ચમત્કારો કર્યા. 9 તેમણે અમને આ સ્થળે લાવીને આ દૂધમધની રેલમછેલવાળો દેશ આપ્યો છે; 10 તેથી હે પ્રભુ, તમે આપેલ ભૂમિના પાકનું પ્રથમફળ હવે હું લાવ્યો છું.’ “પછી પ્રથમફળની બે ટોપલી પ્રભુની વેદીની સમક્ષ ધરીને તમારે ઈશ્વર પ્રભુ સમક્ષ નતમસ્તકે ભૂમિ પર પડીને નમન કરવું. 11 ત્યાર પછી તમને અને તમારા કુટુંબને પ્રભુએ આપેલાં સારાં વાનાંથી આભારી થઈને તમારી વચમાં રહેનાર લેવીઓ અને પરદેશીઓ સાથે આનંદોત્સવ કરવો. 12 “દર ત્રીજું વર્ષ દશાંશ ચૂકવવાનું વર્ષ છે. તમારી સર્વ ઊપજનો દશાંશ તમારા નગરમાં વસતા પરદેશીઓ, અનાથો અને વિધવાઓને વહેંચી આપવો; જેથી એ દરેકને પોતાની જરૂરિયાત પ્રમાણે આહાર મળી રહે. 13 એ પ્રમાણે કર્યા પછી તમારે તમારા ઈશ્વર પ્રભુની સમક્ષ આ પ્રમાણે એકરાર કરવો: ‘મારા ઘરમાં પવિત્ર દશાંશનો કોઈ હિસ્સો બાકી રહ્યો નથી. તમારી આજ્ઞા પ્રમાણે મેં તે લેવીઓને, પરદેશીઓને, અનાથોને અને વિધવાઓને આપ્યો છે, અને દશાંશ વિષેની તમારી એકપણ આજ્ઞા મેં ઉથાપી નથી કે વીસરી ગયો નથી. 14 મારા શોકમાં પણ મેં એ દશાંશોમાંથી કંઈ ખાધું નથી; હું વિધિપૂર્વક અશુધ હતો ત્યારે મેં તે ઘર બહાર કાઢયું નથી; કે તેમાંથી મેં મૃતકો માટે પણ કંઈ હિસ્સો આપ્યો નથી. હે મારા ઈશ્વર પ્રભુ, તમારી વાણીને આધીન થઈને મેં તમારા ફરમાવ્યા મુજબની બધી આજ્ઞાઓ પાળી છે. 15 હે પ્રભુ, તમારા આકાશમાંના પવિત્ર નિવાસસ્થાનમાંથી નીચે જુઓ અને તમારા ઇઝરાયલી લોકને આશીર્વાદ આપો અને અમારા પૂર્વજોને આપેલ વચન પ્રમાણે દૂધમધની રેલમછેલવાળો જે દેશ તમે અમને આપ્યો છે તેને પણ આશીર્વાદ આપો. પ્રભુના વિશિષ્ટ લોક 16 “આજે તમારા ઈશ્વર પ્રભુ તમને તેમના સર્વ ફરમાનો અને આદેશોનું પાલન કરવા આજ્ઞા આપે છે. તેથી તમારા પૂરા દયથી અને પૂરા જીવથી તમે તેમનું પાલન કરો. 17 આજે તમે એકરાર કર્યો છે કે, એકમાત્ર યાહવે તમારા ઈશ્વર છે અને તમે વચન આપ્યું છે કે તમે તેમના માર્ગોમાં ચાલશો અને તેમની વાણીને આધીન રહીને તેમની સર્વ આજ્ઞાઓ, ફરમાનો અને નિયમોનું પાલન કરશો. 18 એ જ પ્રમાણે પ્રભુએ પણ ઘોષણા કરી છે કે તમને આપેલા તેમના વચન પ્રમાણે તમે તેમના વિશિષ્ટ લોક છો અને તમારે તેમની સર્વ આજ્ઞાઓનું પાલન કરવું. 19 અને પોતે ઉત્પન્ન કરેલી સર્વ પ્રજાઓ કરતાં તમને વિશેષ પ્રશંસા, કીર્તિ અને સન્માન આપવાનું પ્રભુએ જણાવ્યું છે અને તેમના વચન પ્રમાણે તમે તમારા ઈશ્વર પ્રભુની પવિત્ર પ્રજા થશો.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide