Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 25 - પવિત્ર બાઇબલ C.L.

1 “જો બે માણસો તેમની વચ્ચેની તકરાર માટે ન્યાયપંચ પાસે જાય તો ન્યાયાધીશોએ અદલ ન્યાયચુકાદો આપવો: તેમણે નિર્દોષ વ્યક્તિને નિર્દોષ જાહેર કરવી, પણ ગુનેગારને સજા કરવી.

2 જો દોષિત વ્યક્તિ ફટકાની સજાને પાત્ર હોય તો ન્યાયાધીશ તેને ઊંધે માથે સુવડાવે અને પોતાની હાજરીમાં જ ફટકા મરાવે. ફટકાની સંખ્યા ગુનાના પ્રમાણમાં હોવી જોઈએ.

3 તે માણસને ચાલીસ ફટકા મારી શકાય, પણ તેથી વધારે નહિ. એ કરતાં વધારે ફટકા મારવામાં આવે તો સાથી ઇઝરાયલીની જાહેરમાં નામોશી કરવા જેવું ગણાશે.

4 “તમે અનાજ છૂટું પાડવા માટે બળદને કણસલા પર ફેરવતા હો ત્યારે તેને મોંઢે જાળી બાંધવી નહિ.


દિયરવટું

5 “બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમનાંમાંનો એક મૃત્યુ પામે પણ તેને પુત્ર ન હોય તો મરનારની વિધવા કુટુંબની બહાર કોઈ અજાણ્યા પુરુષ સાથે લગ્ન ન કરે. પણ તેનો દિયર તેની સાથે લગ્ન કરે અને તે સ્ત્રી પ્રત્યે દિયર તરીકેની પોતાની ફરજ બજાવે અને ભાઈ માટે સંતતિ ઉપજાવે.

6 તેનાથી એ સ્ત્રીને પ્રથમ પુત્ર જન્મે તે મરનાર ભાઈનો પુત્ર ગણાય; જેથી તે ભાઇનું નામ ઇઝરાયલમાંથી નાબૂદ ન થાય.

7 પરંતુ જો તે માણસ પોતાના ભાઇની વિધવા સાથે લગ્ન કરવા ન ચાહે તો તે સ્ત્રી નગરના વડીલો સમક્ષ જાય અને કહે, ‘મારો દિયર મારા પ્રત્યે દિયર તરીકેની ફરજ બજાવવા ચાહતો નથી અને ઇઝરાયલમાં પોતાના ભાઇનો વંશ ચાલુ રાખવા માગતો નથી.’

8 ત્યારે તેના નગરના વડીલો તે માણસને બોલાવીને તેને સમજાવે. તે પછી પણ જો તે માણસ હઠાગ્રહી બનીને તેની ભાભી સાથે લગ્ન કરવાનો ઈન્કાર કરે,

9 તો તે સ્ત્રી નગરના વડીલોની હાજરીમાં તે માણસ પાસે જઈને તેનું પગરખું કાઢી નાખે અને તેના મોંઢા પર થૂંકે અને આમ બોલે, ‘પોતાના ભાઈનો વંશવેલો ચાલુ રાખવાનો ઈનકાર કરનાર માણસ આ રીતે ધિક્કારપાત્ર બનો.’

10 પછી તે માણસનું કુટુંબ ઇઝરાયલમાં ‘પગરખું કાઢવામાં આવેલ માણસનું કુટુંબ’ એ રીતે ઓળખાશે.


અન્ય નિયમો

11 “બે માણસો લડતા હોય ત્યારે તેમનામાંથી એક માણસની પત્ની પોતાના પતિને મારનાર માણસની પકડમાંથી છોડાવવા મદદે જાય અને હાથ લાંબો કરી પેલા માણસના ગુહ્યાંગને કચડી નાખે;

12 તો તમારે તે સ્ત્રીની હથેલી કાપી નાખવી અને તેના પ્રત્યે લેશમાત્ર દયા દાખવવી નહિ.

13 “તમારી ઝોળીમાં એક જ વજન દર્શાવતાં એક ભારે અને એક હલકું એમ બે કાટલાં ન રાખવાં.

14 એ જ પ્રમાણે તમારા ઘરમાં એક જ પ્રમાણ દર્શાવતાં પણ એક મોટું અને એક નાનું એમ બે માપ ન રાખવાં.

15 પરંતુ તમારે સાચાં અને અદલ કાટલાં અને માપ રાખવાં; જેથી જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને આપે છે તેમાં તમે દીર્ઘ સમય વાસ કરો.

16 જેઓ જુદાં જુદાં કાટલાં અને માપ વાપરીને લોકોને છેતરે છે તેમને તમારા ઈશ્વર પ્રભુ ધિક્કારે છે.


અમાલેકના સંહાર વિષે સૂચના

17 “જ્યારે તમે ઇજિપ્ત દેશમાંથી નીકળીને આવતા હતા ત્યારે અમાલેકીઓએ તમારા પ્રત્યે કેવો વર્તાવ કર્યો તે યાદ રાખો.

18 તેમને ઈશ્વરનો પણ ભય નહોતો, અને તેથી જ્યારે તમે થાકીને નિર્ગત થઈ ગયા હતા, ત્યારે તમારી પાછળના ભાગમાં ધીમેધીમે ચાલનાર નિર્બળ લોકો પર આક્રમણ કરીને તેમણે તેમનો સંહાર કર્યો હતો.

19 તેથી તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ વારસામાં આપે છે, તેમાં જ્યારે તમારી આસપાસના સર્વ શત્રુઓથી તે તમને સહીસલામતી બક્ષે ત્યારે તમારે સર્વ અમાલેકીઓનો સંહાર કરવો; અને આકાશ તળેથી તેમનું નામનિશાન ભૂંસી નાખવું; એ તમે ભૂલશો નહિ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan