Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 24 - પવિત્ર બાઇબલ C.L.


ફારગતી અને પુનર્લગ્ન

1 “જો કોઈ માણસ સ્ત્રી પરણી લાવે અને તે સ્ત્રીમાં કોઈ નિર્લજ્જ બાબત હોવાને લીધે તે તેને પસંદ ન પડે તો તે તેને ફારગતી પત્ર લખી તેના હાથમાં આપી તેને પોતાના ઘરમાંથી વિદાય કરી શકે છે.

2 પછી ધારો કે તેનાથી છૂટા થયા બાદ તે સ્ત્રી બીજા પુરુષ સાથે લગ્ન કરે,

3 અને તે માણસ પણ તેના પ્રત્યે નારાજ થાય અને તે પણ તેને ફારગતી પત્ર લખી તેના હાથમાં આપી તેને પોતાના ઘરમાંથી વિદાય કરે અથવા તે બીજો પતિ મરણ પામે,

4 તો તે સ્ત્રીનો પ્રથમ પતિ તેની સાથે પુનર્લગ્ન કરી શકે નહિ. તે સ્ત્રી તેને માટે અશુધ ગણાય. જો તે માણસ એ સ્ત્રી સાથે ફરીથી લગ્ન કરે તો એ વાત પ્રભુની દૃષ્ટિમાં ધિક્કારપાત્ર ગણાશે. જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને વારસા તરીકે આપે છે તેને તમારે અશુધ કરવો નહિ.


વિવિધ નિયમો

5 “જો કોઈ માણસ તાજેતરમાં પરણ્યો હોય તો તેને લશ્કરમાં મોકલવો નહિ. તેમજ તેને કોઈ ધંધામાં રોકવામાં ન આવે. તે એક વર્ષ સુધી બધી જવાબદારીથી મુક્ત રહી પોતાને ઘેર રહે અને પોતાની પત્નીને પ્રસન્‍ન કરે.

6 “કોઈપણ માણસે ઘંટી કે ઘંટીનું ઉપલું પડ ગીરે લેવું નહિ; નહિ તો એ માણસની આજીવિકા ગીરે લીધી ગણાશે.

7 “જો કોઈ માણસ સાથી ઇઝરાયલીનું અપહરણ કરે અને તેને ગુલામ તરીકે રાખતાં કે વેચતાં પકડાઈ જાય તો તે અપહરણકાર મૃત્યુદંડ પામે. એ પ્રમાણે તમારી વચમાંથી તમારે દુષ્ટતા દૂર કરવી.

8 “રક્તપિત્તના રોગ વિષે સાવધ રહેજો. એ રોગની બાબતમાં લેવીકુળના યજ્ઞકારોને મેં આપેલી આજ્ઞાઓ પ્રમાણે તેઓ તમને જે શિક્ષણ આપે તેનું ખંતથી પાલન કરજો.

9 તમે ઇજિપ્ત દેશમાંથી નીકળી આવ્યા ત્યારે માર્ગમાં તમારા ઈશ્વર પ્રભુએ મિર્યામને સજા કરી હતી તે યાદ રાખો.

10 “જ્યારે તમે કોઈ માણસને નાણાં ધીરો ત્યારે કોઈ વસ્તુ ગીરે લેવા માટે તેના ઘરમાં પ્રવેશ કરવો નહિ.

11 તમારે તેના ઘરની બહાર ઊભા રહેવું અને નાણાં ઉછીના લેનાર માણસ પોતે ગીરે મુકવાની વસ્તુ બહાર લાવે.

12 જો તે માણસ ગરીબ હોય અને ગીરો તરીકે તને પોતાનો ડગલો આપે તો ગીરે લીધેલી એ વસ્તુ રાખીને તેમાં સૂઈ જશો નહિ.

13 સૂર્યાસ્ત થતાં સુધીમાં તારે તેને તે ડગલો જરૂર પાછો આપવો જેથી એ પહેરીને તે સૂઈ શકે અને તે તને આશીર્વાદ આપે. તમારા ઈશ્વર પ્રભુની દૃષ્ટિમાં એ સદાચરણ ગણાશે.

14 “કોઈ ગરીબ અને ગરજવાન મજૂર, પછી તે સાથી ઇઝરાયલી હોય કે તમારા નગરમાં વસતો પરદેશી હોય, પણ તમે તેના પર જુલમ કરશો નહિ.

15 સૂર્યાસ્ત થયા પહેલાં તમે તેને તેનું દૈનિક વેતન ચૂકવી દો. તે તંગીમાં છે અને તેથી તેના પર તેનું ચિત્ત ચોંટેલું છે. જો તમે તેનું વેતન નહિ ચૂકવો તો તે પ્રભુ આગળ તમારી વિરુધ પોકાર કરશે અને તમે દોષિત ઠરશો.

16 “સંતાનના ગુનાહા માટે માબાપને મૃત્યુદંડની સજા મળે નહિ અને માબાપના અપરાધ માટે સંતાનોને મૃત્યુદંડની સજા મળે નહિ. દરેક માણસ પોતે કરેલા અપરાધ માટે જ મૃત્યુદંડ પામે.

17 “પરદેશી અથવા અનાથોને ન્યાયથી વંચિત રાખવા નહિ, વિધવાનું વસ્ત્ર ગીરે લેવું નહિ.

18 યાદ રાખો કે તમે પણ ઇજિપ્તમાં ગુલામ હતા અને તમારા ઈશ્વર પ્રભુએ તમને ત્યાંથી મુક્ત કર્યા. એ માટે જ આ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું.

19 “જ્યારે તમે કાપણી કરતા હો અને ખેતરમાં પૂળો ભૂલી જાઓ તો તે લેવા પાછા જશો નહિ. પરદેશી, અનાથ અને વિધવાઓ માટે એ રહેવા દો. એમ કરવાથી તમારા ઈશ્વર પ્રભુ તમારાં સર્વ કાર્યોમાં તમને આશીર્વાદ આપશે.

20 ઓલિવવૃક્ષ પરથી તેનાં ફળ ઝૂડી લીધા પછી ડાળીઓ પર રહી ગયેલાં ફળ ફરી વેળી લેશો નહિ; પરદેશી, અનાથ અને વિધવા માટે એ રહેવાં દેવાં.

21 જ્યારે તમારી દ્રાક્ષવાડીમાંથી દ્રાક્ષોનો પાક ઉતારો ત્યારે રહી ગયેલી દ્રાક્ષો ફરી વીણશો નહિ; પરદેશી, અનાથ અને વિધવા માટે તે રહેવા દો.

22 યાદ રાખો કે તમે પણ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા; અને એ માટે જ આ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan