પુનર્નિયમ 23 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુના લોકમાં સમાવેશ 1 “જેનાં વૃષણ કચડી નાખવામાં આવ્યાં હોય કે જેનાં ગૃહ્યાંગ કાપી નાખવામાં આવ્યાં હોય તેવા માણસને પ્રભુના લોકના સમાજમાં દાખલ કરવો નહિ. 2 “વ્યભિચારથી જન્મેલ કોઈ વ્યક્તિ અને તેની દશમી પેઢી સુધીના તેના વંશજો પ્રભુના લોકના સમાજમાં જોડાઈ શકે નહિ.” 3 “કોઈ આમ્મોની અથવા મોઆબી અથવા તેમની દશમી પેઢી સુધીના તેમના વંશજો પ્રભુના લોકના સમાજમાં જોડાઈ શકે નહિ. 4 કારણ, જ્યારે તમે ઇજિપ્ત દેશમાંથી નીકળી આવ્યા ત્યારે તે મુસાફરી દરમ્યાન તેમણે તમને આવકાર્યા નહિ અને ખોરાકપાણી પૂરાં પાડવાનો ઈન્કાર કર્યો. એથી વિશેષ, અરામ-નાહરાઈમના પયોર નગરથી બયોરના પુત્ર બલામને તમને શાપ આપવાને નાણાં આપીને રોક્યો હતો. 5 જો કે તમારા ઈશ્વર પ્રભુએ તો બલામની વિનંતી સાંભળી જ નહિ. એને બદલે, તમારા ઈશ્વર પ્રભુએ શાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો. કારણ, તમારા ઈશ્વર પ્રભુ તમારા પર પ્રેમ રાખે છે. 6 તમારે તમારા જીવનભર એ લોકોનાં કલ્યાણ કે આબાદી માટે કશું કરવું નહિ. 7 “તમારે અદોમી લોકોનો તિરસ્કાર ન કરવો. કારણ, એ તમારા સગા છે. એ જ પ્રમાણે તમારે ઇજિપ્તીઓનો તિરસ્કાર ન કરવો. કારણ, તમે તેમના દેશમાં વસવાટ કર્યો હતો. 8 તેમની ત્રીજી પેઢીનાં સંતાન પ્રભુના લોકના સમાજમાં જોડાઈ શકે. છાવણીની સ્વચ્છતા વિષે નિયમ 9 “જ્યારે તમે શત્રુઓ સામે યુધ કરવા છાવણીમાં હો ત્યારે તમને અશુધ કરનાર સર્વ બાબતોથી તમારે પોતાને અલગ રાખવા. 10 તમારામાંના કોઈને રાત્રે સ્વપ્નદોષ થયો હોય તો તે માણસે છાવણી બહાર જવું અને ત્યાં જ રહેવું. 11 પછી ઢળતી સાંજે તેણે સ્નાન કરવું અને સૂર્યાસ્ત થયા પછી તેણે છાવણીમાં પાછા આવવું. 12 “તમારે મળત્યાગ માટે છાવણી બહાર એક જગા નિયત કરવી અને મળત્યાગ માટે ત્યાં જ જવું. 13 તમારાં સાધનોમાં એક પાવડો રાખવો. જ્યારે તમે મળત્યાગ માટે જાઓ ત્યારે પાવડાથી માટી ખોદીને તમારો મળ ઢાંકી દેવો. 14 એમ તમારી છાવણીને શુધ રાખજો; કારણ, તમારું રક્ષણ કરવાને અને તમારા શત્રુઓ ઉપર વિજય અપાવાને તમારા ઈશ્વર પ્રભુ તમારી છાવણીમાં વિચરે છે. તમારી છાવણીમાં કોઈ અશુધ બાબત તમારા ઈશ્વરની નજરે પડે નહિ; નહિ તો તે તમારાથી વિમુખ થઈ જશે. વિવિધ નિયમો 15 “જો કોઈ ગુલામ તેના માલિક પાસેથી નાસી છૂટીને તમારે શરણે આવે તો તમારે તેને તેના માલિકને પાછો સોંપવો નહિ. 16 તમારાં નગરોમાંથી તેને જે નગર પસંદ પડે ત્યાં તેને ફાવે ત્યાં રહેવા દેવો અને તેના પર તમારે જુલમ કરવો નહિ. 17 “કોઈપણ ઇઝરાયલી સ્ત્રી કે પુરુષે વિધર્મી મંદિરમાં વેશ્યા બનવું નહિ. 18 એ જ પ્રમાણે એવી સ્ત્રી વેશ્યાની કે પુરુષ વેશ્યાની કમાણી તમારે તમારી માનતા પૂરી કરવા માટે તમારા ઈશ્વર પ્રભુના મંદિરમાં લાવવી નહિ. કારણ, તમારા ઈશ્વર પ્રભુ એ બન્નેની કમાણીને ધિક્કારે છે. 19 “તમે તમારા સાથી ઇઝરાયલીને નાણાં ધીરો ત્યારે વ્યાજ લેશો નહિ. તમારે તેમની પાસેથી નાણાંનું, અનાજનું કે ધીરેલી બીજી કોઈ વસ્તુનું વ્યાજ લેવું નહિ. 20 તમને પરદેશી પાસેથી વ્યાજ લેવાની પરવાનગી છે, પરંતુ તમારા સાથી ઇઝરાયલીને વ્યાજે ધીરશો નહિ. એથી જે દેશનો કબજો તમને મળવાનો છે તેમાં તમારા હાથનાં સર્વ કાર્યો પર તમારા ઈશ્વર પ્રભુ તમને આશીર્વાદ આપશે. 21 “જ્યારે તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે માનતા માનો ત્યારે તે પૂર્ણ કરવામાં ઢીલ કરશો નહિ; કારણ, તમારા ઈશ્વર પ્રભુ તે માનતા માટે તમને જવાબદાર ગણશે, અને માનતા પૂર્ણ ન કરવી એ પાપ છે. 22 પ્રભુ પ્રત્યે માનતા ન માનવી એ પાપ નથી. 23 તમે તમારે મુખે માનતા માટે જે કંઈ બોલ્યા હતા તે પ્રમાણે કરો. તમે તમારા ઈશ્વર, પ્રભુને સ્વેચ્છાથી સ્વૈચ્છિક અર્પણ ચડાવવાની માનતા લીધી હોય તે પ્રમાણે જ કરો. 24 “જ્યારે તમે કોઈની દ્રાક્ષાવાડીમાંથી પસાર થતા હો ત્યારે તમે ધરાઈને દ્રાક્ષ ખાઈ શકો છો, પણ તમારે દ્રાક્ષ કોઈ પાત્રમાં ભરીને લઈ જવી નહિ. 25 તમે કોઈના ખેતરના ઊભા પાક પાસેથી પસાર થતા હો ત્યારે તમારા હાથથી કણસલા તોડીને તમને ખાવાની છૂટ છે, પણ દાતરડું લગાવીને કણસલા લણી લેવાની છૂટ નથી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide