Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 22 - પવિત્ર બાઇબલ C.L.

1 “જો તમે તમારા કોઈ સાથી ઇઝરાયલીનો બળદ કે તેનું ઘેટું રઝળતાં જુઓ તો તેની ઉપેક્ષા નહિ કરતાં તમારે તે પ્રાણીને તેના માલિકને પહોંચતું કરવું.

2 પણ જો તમારો સાથીભાઈ તમારાથી ઘણે દૂર રહેતો હોય અથવા તે પ્રાણી કોનું છે તે તમે જાણતા ન હો તો તમારે તેને તમારે ઘેર લઇ જવું અને તમારે ત્યાં રાખવું અને જ્યારે તેનો માલિક તેને શોધતો શોધતો તમારે ઘેર આવે ત્યારે તમારે તેને તે પાછું આપવું.

3 “જો ગધેડું, વસ્ત્ર કે તમારા સાથી ઇઝરાયલીની બીજી કોઈ પણ ખોવાયેલી વસ્તુ તમને મળી આવે તો એ બધા વિષે તમારે એમ જ કરવું. તમારે તેમની ઉપેક્ષા કરવી નહિ.

4 “વળી, તમારા સાથી ઇઝાયલીનું ગધેડું કે તેનો બળદ રસ્તા પર પડી ગયેલો જુઓ તો તેની પણ ઉપેક્ષા કરશો નહિ. તમારે તે પ્રાણીને પાછા ઊભા થવામાં મદદ કરવી.

5 “સ્ત્રીએ પુરુષનાં વસ્ત્રો પહેરવાં નહિ અને પુરુષે સ્ત્રીનાં વસ્ત્રો પહેરવાં નહિ; કારણ, એવાં અધમ કાર્યો કરનારને તમારા ઈશ્વર પ્રભુ ધિક્કારે છે.

6 “જો તમને વૃક્ષ પર અથવા જમીન પર પક્ષીનો માળો મળી આવે, અને જો માદા ઇંડા પર બેસી તેમને સેવતી હોય કે બચ્ચાં સાથે બેઠી હોય તો તમારે તે માદાને પકડવી નહિ.

7 બચ્ચાંને લેવા હોય તો લઇ શકો છો, પણ માદાને તમારે જરૂર છોડી દેવી. એમ કરવાથી તમારું કલ્યાણ થશે અને તમને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થશે.

8 “જ્યારે તમે નવું ઘર બાંધો ત્યારે ધાબાને ફરતે કઠેરો બાંધવો. એ માટે કે કોઈ માણસ ઉપરથી પડીને મૃત્યુ પામવાથી તમારા પર ખૂનનો દોષ ન આવે.

9 “તમારી દ્રાક્ષવાડીમાં દ્રાક્ષવેલા સાથે બીજી જાતનાં બી ન વાવશો; નહિ તો તમે દ્રાક્ષવેલાની ઊપજ અને બીજા બીનો પાક એ બન્‍ને ગુમાવશો.

10 “ખેતરને ખેડવા માટે તમારે બળદ સાથે ગધેડાને જોતરવો નહિ.

11 “ઊન અને અળસી રેસા એમ બે પ્રકારના રેસા સાથે વણ્યા હોય એવા કાપડનાં વસ્ત્રો તમારે પહેરવાં નહિ.

12 “તમારે તમારા ડગલાને ચારે ખૂણે ઝાલર મૂકવી.


યુવાન પત્ની પર સંદેહ

13 “જો કોઈ માણસ લગ્ન કરે અને પત્ની સાથે સમાગમ કર્યા પછી તેના પ્રત્યે તિરસ્કાર પેદા થાય,

14 અને તેને બદનામ કરવા તેના પર જૂઠો આક્ષેપ મૂક્તાં તેને કહે કે, ‘મેં આ સ્ત્રી સાથે લગ્ન કર્યું અને જ્યારે મેં તેની સાથે સમાગમ કર્યો ત્યારે તે કુંવારી છે તેવો કોઈ પુરાવો મને મળ્યો નથી;’

15 તો તે કન્યાના માબાપ તે કન્યાનો કુંવારાપણાનો પુરાવો લઈને નગરના વડીલોની પાસે ચોકમાં જાય.

16 અને કન્યાનો પિતા વડીલોને કહે, ‘મેં મારી પુત્રી આ પુરુષ સાથે પરણાવી પણ તે હવે તેનો તિરસ્કાર કરે છે. તે તેને પરણ્યો ત્યારે તે કુંવારી નહોતી એવો જૂઠો આક્ષેપ તેના પર મૂકે છે.

17 પણ આ રહ્યો મારી પુત્રીના કુંવારાપણાનો પુરાવો!’ પછી તે નગરના વડીલો સામે તે ચાદર પાથરે.

18 ત્યારે નગરના વડીલો પેલા પુરુષને પકડીને ફટકારે.

19 વળી, તેઓ તેને સો ચાંદીના સિક્કાનો દંડ કરે અને તે રકમ કન્યાના પિતાને આપે. કારણ, એ માણસે ઇઝરાયલની એક નિર્દોષ કન્યાને બદનામ કરી છે; અને તે કન્યા તેની પત્ની તરીકે કાયમ રહે અને તેના આખા જીવન દરમ્યાન તે તેને છૂટાછેડા આપી શકે નહિ.

20 “પણ જો આરોપ સાચો હોય અને કન્યા કુંવારી હતી એવો પુરાવો મળી ન આવે.

21 તો તે વડીલો તે કન્યાને તેના પિતાના ઘર આગળ લાવે અને ત્યાં નગરના પુરુષો તે સ્ત્રીને પથ્થરે મારીને મારી નાખે. કારણ, તે સ્ત્રીએ પિતાના ઘરમાં હતી તે દરમ્યાન વેશ્યાગીરી કરવાની મૂર્ખાઈ કરી છે. એ રીતે તમારે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.


વ્યભિચાર અને છિનાળા વિષે નિયમો

22 “જો કોઈ પુરુષ કોઈ પરણેલી સ્ત્રી સાથે વ્યભિચાર કરતાં પકડાય તો વ્યભિચાર કરનાર એ પુરુષ અને સ્ત્રી બન્‍નેને મારી નાખવાં; એવી રીતે તમારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.

23 “જો કોઈ સગપણ થયેલી કુંવારી કન્યા સાથે અન્ય પુરુષ નગરમાં સમાગમ કરે;

24 તો તમારે તે બન્‍નેને નગરના દરવાજા પાસે લાવીને પથ્થરે મારીને મારી નાખવાં; કન્યાને એટલા માટે કે તે નગરમાં હોવા છતાં તેણે મદદ માટે બૂમ પાડી નહિ; અને પુરુષને એટલા માટે કે તેણે પોતાના સાથી ઇઝરાયલીને સગપણમાં અપાયેલી સ્ત્રી સાથે સમાગમ કર્યો. એ રીતે તમારે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.

25 “પરંતુ જો કોઈ સગપણ થયેલી કુંવારી કન્યા ઉપર અન્ય પુરુષ ખેતરમાં બળાત્કાર કરે, તો બળાત્કાર કરનાર પુરુષ એકલો જ માર્યો જાય.

26 પણ કન્યાને કંઈ સજા થાય નહિ; કારણ, તેણે મૃત્યુદંડને પાત્ર કોઈ પાપ કર્યું નથી. આ તો એક માણસ હુમલો કરીને બીજાને મારી નાખે તેના જેવી વાત છે.

27 એ પુરુષે તે કન્યા પર ખેતરમાં બળાત્કાર કર્યો ત્યારે તેણે બૂમો તો પાડી હશે પણ ત્યાં છોડાવનાર કોઈ નહોતું.

28 “જો કોઈ પુરુષ સગાઈ ન થઈ હોય એવી કુંવારી કન્યા પર બળાત્કાર કરતાં પકડાય.

29 તો તે પુરુષ તે કન્યાના પિતાને ચાંદીના પચાસ સિક્કા કન્યાવિક્રય તરીકે આપે અને તે તેની પત્ની થાય. તે માણસે તે કન્યા સાથે બળજબરીથી સમાગમ કર્યો તેથી તે તેના આખા જીવનભર તેને છૂટાછેડા આપી શકે નહિ.

30 “કોઈ પુરુષે પોતાના પિતાની પત્ની સાથે સમાગમ કરીને તેના પિતાની આબરૂ કાઢવી નહિ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan