Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 21 - પવિત્ર બાઇબલ C.L.


ખૂની શોધાયો ન હોય એવા ખૂન વિષે નિયમ

1 “તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશનો કબજો સોંપે છે તેમાં જો કોઈની લાશ ખેતરમાં પડેલી મળી આવે અને તેને કોણે માર્યો એ કોઈ જાણતું ન હોય,

2 તો તમારા વડીલો અને તમારા ન્યાયાધીશો ત્યાં જઈને લાશ જ્યાં પડી હતી તેની નજીકનાં નગરોનું અંતર માપે.

3 પછી લાશ જ્યાં પડી હતી તે સ્થળથી સૌથી નજીકના નગરના વડીલોએ જેનો ઉપયોગ થયો ન હોય અને કદી જોતરાઈ ન હોય એવી વાછરડી લેવી.

4 અને તે નગરના વડીલોએ જ્યાં કદી ખેડાણ કે વાવેતર થયું ન હોય એવા વહેતા ઝરણાના ખીણપ્રદેશમાં તે વાછરડીની ડોક ભાંગી નાખવી.

5 લેવીકુળના યજ્ઞકારોએ પણ ત્યાં જવું; કારણ, તમારા ઈશ્વર પ્રભુએ તેમને તેમની સેવા કરવા માટે અને પ્રભુને નામે આશીર્વાદ ઉચ્ચારવા પસંદ કર્યા છે, અને હરેક વિવાદ અને હરેક હિંસાનો નીવેડો તેમના કહેવા પ્રમાણે કરવાનો છે.

6 લાશથી સૌથી નજીકમાં આવેલા નગરના વડીલો પેલી વાછરડી પર પોતાના હાથ ધોઈ નાખે.

7 અને નગર વતી તેઓ કહે કે, ‘અમે આ હત્યા કરી નથી કે અમે એ હત્યાનો બનાવ જોયો નથી.

8 હે પ્રભુ, તમારા ઇઝરાયલી લોકો જેમને તમે ઇજિપ્તમાંથી મુક્ત કર્યા તેમને તમે ક્ષમા કરો. તમારા ઇઝરાયલી લોક મધ્યે નિર્દોષ વ્યક્તિના ખૂનનો દોષ લાગવા ન દો.’ ત્યારે તેમને ખૂનના દોષની ક્ષમા મળશે.

9 એ પ્રમાણે પ્રભુની દૃષ્ટિમાં યથાયોગ્ય કાર્ય કરીને તમારી મધ્યેથી તમારે નિર્દોષ વ્યક્તિના ખૂનના દોષનું વિમોચન કરવું.


સ્ત્રી કેદીઓ પ્રત્યેનો વર્તાવ

10 “જ્યારે તમે યુધમાં જાઓ અને તમારા ઈશ્વર પ્રભુ તમને યુધમાં વિજય અપાવે અને તમે યુધમાં કેદીઓને પકડો,

11 અને એ કેદીઓમાં કોઈ સુંદર સ્ત્રી જોઈને તમારામાંનો કોઈ તેના પર મોહિત થાય અને તેની સાથે લગ્ન કરવા ઇચ્છે તો તેણે તેને પોતાને ઘેર લાવવી.

12 ત્યાં તે સ્ત્રી પોતાનું માથું મૂંડાવે અને પોતાના નખ કપાવે;

13 અને કેદમાં પકડાઈ તે વેળાનાં તેનાં વસ્ત્રો બદલી નાખે. તે સ્ત્રી તેના ઘરમાં રહે અને એક મહિના માટે પોતાના માબાપને માટે શોક કરે તે પછી જ તે પુરુષ તેની સાથે લગ્ન કરી શકે અને તે તેનો પતિ થાય અને તે સ્ત્રી તેની પત્ની થાય.

14 ત્યાર પછી તેના પરથી તેનું મન ઊઠી જાય તો તે સ્ત્રીને તેની મરજીમાં આવે ત્યાં જવા દેવી; પણ તેને નાણાં લઈને વેચવી નહિ. તે કોઈ ગુલામડી હોય એમ વેચાણની વસ્તુ તરીકે તેની સાથે વર્તવું નહિ; કારણ, તેણે તેની સાથે સમાગમ કર્યો છે.


પ્રથમજનિત પુત્રનો વારસો

15 “જો કોઈ માણસને બે પત્ની હોય, એક માનીતી અને બીજી અણમાનીતી, અને એ બન્‍નેને સંતાન થયા હોય, પણ અણમાનીતી પત્નીનો પુત્ર પ્રથમજનિત હોય,

16 તો જ્યારે તે માણસ પોતાના પુત્રોને મિલક્તનો વારસો વહેંચી આપે ત્યારે અણમાનીતીના પ્રથમજનિત પુત્રને બદલે માનીતી સ્ત્રીના પુત્રનો પક્ષ લઈને તેને પ્રથમજનિત પુત્રનો હિસ્સો ફાળવે નહિ.

17 પરંતુ તેણે અણમાનીતીના પુત્રને જ પ્રથમજનિત પુત્ર તરીકે માન્ય રાખી તેને સર્વ મિલક્તમાંથી બમણો હિસ્સો આપવો. કારણ, તે તેના પૌરુષત્વનું પ્રથમ ફળ છે અને નિયમ પ્રમાણે જયેષ્ઠપુત્રનો હક્ક તેનો જ છે.


હઠીલા અને ઉધત પુત્રને સજા

18 “જો કોઈ માણસને હઠીલો અને ઉધત પુત્ર હોય અને તે પોતાના માતાપિતાનું કહેવું માનતો ન હોય અને તેમની શિસ્તની અવગણના કરતો હોય,

19 તો તેનાં માબાપ તેને નગરના વડીલો સમક્ષ ન્યાયચુકાદો આપવાના સ્થળે લાવે.

20 અને તેઓ તેમને કહે, ‘આ અમારો પુત્ર હઠીલો અને ઉધત છે અને અમારું કહ્યું માનતો નથી. વળી, તે ઉડાઉ અને નશાબાજ છે.’

21 ત્યારે તે નગરના સર્વ પુરુષો તેને પથ્થરો મારીને મારી નાખે. એ રીતે તમારે તમારી વચમાંથી દુષ્ટતા દૂર કરવી. ઇઝરાયલના સૌ કોઈ તે વિષે સાંભળશે અને ભય પામશે.”


વિવિધ પ્રકારના નિયમો

22 “જો કોઈ માણસે મૃત્યુદંડ યોગ્ય પાપ કર્યું હોય અને તેને કોઈ વૃક્ષ પર ફાંસીએ ચડાવી દેવામાં આવે;

23 તો તેની લાશ આખી રાત વૃક્ષ પર રહેવી ન જોઈએ. વૃક્ષ પર ટંગાયેલ દરેક વ્યક્તિ ઈશ્વરથી શાપિત છે. તેથી તે જ દિવસે તે લાશ દફનાવી દેવી. જેથી તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ વારસા તરીકે આપે છે તે અશુધ ન થાય.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan