પુનર્નિયમ 20 - પવિત્ર બાઇબલ C.L.યુધ અને સૈનિકો વિષે નિયમ 1 “જ્યારે તમે તમારા શત્રુઓ સામે લડવા જાઓ અને તમે ઘોડાઓને, રથોને અને તમારા લશ્કર કરતાં વિશાળ લશ્કરને જુઓ, ત્યારે તેમનાથી ડરી જશો નહિ; કારણ, તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કરનાર તમારા ઇશ્વર પ્રભુ તમારી સાથે છે. 2 તમે રણભૂમિ પર પહોંચીને યુધ શરૂ કરો તે પહેલાં યજ્ઞકાર લશ્કરને આ રીતે સંબોધન કરે: 3 ‘હે ઇઝરાયલના માણસો, સાંભળો! આજે તમે તમારા શત્રુઓની સામે યુધ કરવા આવ્યા છો. તો તમારા શત્રુઓથી નાહિંમત થશો નહિ કે ડરશો નહિ; તેમનાથી ધ્રૂજી જશો નહિ કે ભયભીત થશો નહિ. 4 તમારા પક્ષે રહીને તમારા શત્રુઓ સામે યુધ કરવા તમારી સાથે જનાર અને તમને વિજય અપાવનાર તો તમારા ઈશ્વર પ્રભુ છે!’ 5 “ત્યાર પછી અધિકારીઓ લોકોને સંબોધીને કહે: ‘નવું ઘર બાંધ્યું હોય પણ તેની પ્રતિષ્ઠા કરી ન હોય એવો કોઈ છે? જો હોય તો તેને ઘેર જવાની પરવાનગી છે. નહિ તો તે કદાચ યુધમાં માર્યો જાય અને બીજા માણસે તેના ઘરની પ્રતિષ્ઠા કરવી પડે. 6 વળી, દ્રાક્ષવાડી રોપી હોય પણ તેનું ફળ ચાખવા પામ્યો ન હોય એવો કોઈ છે? જો હોય તો તેને ઘેર જવાની છૂટ છે. નહિ તો કદાચ તે યુધમાં માર્યો જાય અને બીજો માણસ તેનું ફળ ખાય. 7 સ્ત્રી સાથે સગાઈ થઈ હોય એવો કોઈ છે? જો હોય તો તેને ઘેર જવાની પરવાનગી છે. નહિ તો, કદાચ તે યુધમાં માર્યો જાય અને તે સ્ત્રી બીજાની પત્ની થાય.’ 8 “અધિકારીઓ વિશેષમાં એમ પણ કહે કે, ‘હિંમત ઓસરી ગઈ હોય અને ડરી ગયા હોય એવા કોઈ છે? જો હોય તો તેમને ઘેર જવાની પરવાનગી છે. નહિ તો, એવા માણસો બીજાઓને નાહિંમત કરી દેશે.’ 9 લશ્કરી અધિકારીઓનું સંબોધન પૂરું થાય એ પછી તેમણે લશ્કરની સર્વ ટુકડીઓ માટે સેનાધિકારીઓની નિમણૂક કરવી. 10 “જ્યારે તમે કોઈ નગર પર આક્રમણ કરવા માટે જાઓ ત્યારે તમારે તેમને સંધિની શરતો મોકલી આપવી. 11 જો તેઓ તમારી સુલેહની શરતો સ્વીકારે અને નગરના દરવાજા ખોલી નાખીને શરણાગતિ સ્વીકારે તો એ નગરના લોકો વેઠિયા મજૂર તરીકે તમારી સેવા કરે. 12 પણ જો તે નગરના લોકો તમારી સાથે સુલેહ ન કરે અને તમારી સામે યુધે ચડે તો તમારે તેને ઘેરો ઘાલવો. 13 પછી જ્યારે તમારા ઈશ્વર પ્રભુ તે નગરને સર કરવા દે ત્યારે તમારે તેમાંના દરેક પુરુષને તલવારથી મારી નાખવો. 14 પરંતુ સ્ત્રીઓ, બાળકો, ઢોરઢાંક તેમજ નગરમાંનું સર્વસ્વ તમારે તમારી લૂંટ તરીકે રાખી લેવાં. તમારા ઈશ્વર પ્રભુએ તમને તમારા શત્રુઓ પાસેથી આપેલી લૂંટનો તમારે ઉપભોગ કરવો. 15 જે પ્રજાઓના દેશમાં તમે વસવાના છો તે પ્રજાઓનાં ન હોય એવાં દૂરનાં નગરોના સંબંધમાં પણ તમારે એ જ પ્રમાણે કરવું. 16 “પરંતુ જે દેશનાં નગરો પ્રભુ તમને વારસા તરીકે આપે છે તેમને તમે સર કરો ત્યારે તેમાં કોઈને પણ જીવતું રહેવા દેવું નહિ. 17 તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે તમારે હિત્તીઓનો, અમોરીઓનો, કનાનીઓનો, પરિઝ્ઝીઓનો, હિવ્વીઓનો તથા યબૂસીઓનો પૂરેપૂરો વિનાશ કરવો; 18 નહિ તો જે સર્વ અધમ કાર્યો તેમણે તેમનાં દેવદેવીઓની પૂજામાં આચર્યાં છે તે પ્રમાણે કરવાનું શીખવીને તેઓ તમારા ઈશ્વર પ્રભુની વિરુધ તમારી પાસે પાપ કરાવશે. 19 “જ્યારે યુધ દરમ્યાન કોઈ નગરને સર કરવા માટે લાંબો સમય ઘેરો ઘાલવો પડે, ત્યારે તેનાં વૃક્ષોને કુહાડીથી કાપી નાખશો નહિ. તમે તે વૃક્ષોનાં ફળ ખાઇ શકો છો, પણ તેમને કાપી નાખશો નહિ. માણસોની જેમ વૃક્ષો કંઈ તમારા શત્રુ નથી કે તમારે તેમને પણ ઘેરો ઘાલવો પડે! 20 ફળ નહિ આપનારાં વૃક્ષોને કાપીને તમારો સામનો કરનાર નગરનો પરાજય કરવાને મોરચા બાંધવા તમે તેમનો ઉપયોગ કરી શકો છો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide