પુનર્નિયમ 2 - પવિત્ર બાઇબલ C.L.રણમાં રખડામણ 1 “પછી પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે પાછા ફરીને સૂફ સમુદ્રની દિશામાં રણપ્રદેશમાં ચાલી નીકળ્યા અને ઘણા દિવસ સુધી સેઈર પર્વતની આસપાસ ફરતા રહ્યા. 2-3 “પછી પ્રભુએ મને કહ્યું, ‘તમે આ પર્વતની આસપાસ ઘણો સમય ફરતા રહ્યા છો; હવે તમે ઉત્તર તરફ કૂચ કરો. 4 તારા લોકોને તું આવો આદેશ આપ: તમારે હવે સેઈરમાં વસતા કુટુંબીજનો એસાવના વંશજોની સરહદમાં થઈને પસાર થવાનું છે. તેઓ તમારાથી બીશે. 5 છતાં સાવચેત રહેજો, અને તેમની સાથે લડશો નહિ; કારણ, તેમની ભૂમિમાંથી એક ડગલું જમીન પણ હું તમને આપવાનો નથી. સેઈરનો એ પહાડીપ્રદેશ તો મેં એસાવના વંશજોને વારસા તરીકે આપ્યો છે. 6 તમે તમારો ખોરાક તેમની પાસેથી વેચાતો લઈને ખાજો; વળી, તમારું પાણી પણ તેમની પાસેથી પૈસા ચૂકવીને પીજો. 7 કારણ, તમારા ઈશ્વર પ્રભુએ તમારા હાથનાં સર્વ કાર્યો પર આશીર્વાદ આપ્યો છે અને આ વિશાળ રણપ્રદેશમાં તમારા રઝળપાટ દરમ્યાન તેમણે તમારી સંભાળ લીધી છે અને ચાલીસ વર્ષ સુધી તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે રહ્યા છે અને તમને કશાની ખોટ પડી નથી.’ 8 “તેથી એલાહ તથા એસ્યોન ગેબેર નગરોથી અરાબા તરફ જતો રસ્તો પડતો મૂકીને આપણે સેઈરના પહાડીપ્રદેશમાં આપણાં કુટુંબીજનો એસાવના વંશજોની હદ બહારથી પસાર થયા અને મોઆબના રણપ્રદેશની તરફ પ્રયાણ કર્યું. 9 પ્રભુએ મને કહ્યું, ‘મોઆબના લોકોને રંજાડશો નહિ કે તેમની સાથે યુધ કરશો નહિ; તેમના પ્રદેશમાંથી હું તમને કોઈ ભાગ આપવાનો નથી. કારણ, આર નગરનો પ્રદેશ મેં લોતના વંશજોને વારસામાં આપ્યો છે.’ 10 “(આર નગરમાં અગાઉ એમી જાતિના ઘણા લોક વસતા હતા. તેઓ અનાકીઓની જેમ બળવાન અને કદાવર હતા. 11 અનાકીઓની જેમ તેઓ પણ રફાઈઓ તરીકે જાણીતા હતા. પરંતુ મોઆબી લોકો તેમને એમીઓ કહેતા હતા. 12 હોરી જાતિના લોકો પણ અગાઉ સેઈરમાં વસતા હતા, પણ પ્રભુએ જેમ ઇઝરાયલીઓને આપેલી ભૂમિમાંથી બીજા લોકોને હાંકી કાઢયા હતા તે જ પ્રમાણે એસાવના વંશજોએ ત્યાંથી હોરીઓને હાંકી કાઢયા; હોરી પ્રજાનો વિનાશ કરીને તેઓ તેમની જગ્યાએ વસ્યા.) 13 પ્રભુએ કહ્યું, ‘હવે ઊઠો અને ઝેરેદ વહેળો ઓળંગો!’ “તેથી આપણે ઝેરેદ વહેળો ઓળંગ્યો. 14 આપણે કાદેશ-બાર્નિયાથી નીકળ્યા ત્યારથી ઝેરેદ વહેળો ઓળંગ્યો ત્યાં સુધીમાં આડત્રીસ વર્ષનો સમય વીત્યો. તે સમય દરમ્યાન પ્રભુએ શપથ લીધા હતા તે પ્રમાણે યોધાઓની આખી પેઢી છાવણીમાંથી નાશ પામી; 15 બલ્કે, છાવણીમાંથી એ બધાનો નાશ થાય ત્યાં સુધી પ્રભુનો હાથ તેમની વિરુધ રહ્યો. 16-18 “હવે લોકમાંના સર્વ યોધાઓ મરી પરવાર્યા તે પછી પ્રભુએ મને કહ્યું, ‘આજે તમે આર નગરની નજીક મોઆબની સરહદ ઓળંગવાના છો. 19 તે પછી તમે આમ્મોની લોકોના પ્રદેશમાં પહોંચો, ત્યારે તમે તેમને રંજાડશો નહિ કે તેમની સાથે યુધ કરશો નહિ. કારણ, આમ્મોનીઓના પ્રદેશનો કોઈ ભાગ હું તમને આપવાનો નથી. એ તો મેં લોતના વંશજોને વારસામાં આપ્યો છે. 20 (તે પ્રદેશ અગાઉ રફાઈ લોકોનો ગણાતો હતો. રફાઈઓ ત્યાં વસતા હતા. આમ્મોનીઓ તેમને ઝામઝૂમીઓ કહેતા હતા. 21 અનાકીઓની જેમ રફાઈઓ પણ બળવાન અને કદાવર તેમજ સંખ્યાબંધ હતા. પણ પ્રભુએ આમ્મોનીઓ સામે તેમનો વિનાશ કર્યો અને એમ આમ્મોનીઓએ તેમનો પ્રદેશ કબજે કરીને ત્યાં વસવાટ કર્યો. 22 પ્રભુએ હોરીઓનો વિનાશ કરી સેઈરમાં વસતા એસાવના વંશજ અદોમીઓ માટે પણ એવું જ કર્યું હતું; અદોમીઓએ હોરીઓનો પ્રદેશ કબજે કરીને ત્યાં વસવાટ કર્યો. આજે પણ તેઓ એ અદોમના પહાડીપ્રદેશમાં વસે છે. 23 એમજ આવ્વી લોકો પહેલાં ભૂમધ્ય સમુદ્રના કાંઠા પાસેના પ્રદેશમાં દક્ષિણે છેક ગાઝા નગર સુધી વસતા હતા. પણ ક્રીત ટાપુથી આવેલા કાફતોરી લોકોએ તેમનો વિનાશ કર્યો અને તેમનો પ્રદેશ કબજે કરીને ત્યાં વસવાટ કર્યો.) 24 “આપણે મોઆબ દેશની હદ પસાર કર્યા પછી પ્રભુએ આપણને કહ્યું, ‘હવે ઊઠો અને અહીંથી આગળ વધો અને આર્નોન નદી ઓળંગો! જુઓ, હેશ્બોનના રાજા અમોરી સિહોનને તથા તેના દેશને પ્રભુએ તમારે હવાલે કર્યાં છે. તેના પર આક્રમણ કરો અને તેનો પ્રદેશ કબજે કરવા લાગો. 25 આજથી હું સર્વત્ર બધી પ્રજાઓમાં તમારો એવો ડર અને ધાક બેસાડીશ કે તેઓ તમારાં નામ માત્રથી ધ્રૂજી ઊઠશે અને ત્રાસ પામશે. સિહોન રાજાનો પરાજય ( ગણ. 21:21-30 ) 26 “પછી કદેમોથના પ્રદેશમાંથી મેં હેશ્બોનના રાજા સિહોન પાસે માણસો મોકલીને સુલેહશાંતિનો સંદેશો પાઠવતાં કહેવડાવ્યું કે, 27 ‘તમારા દેશમાં થઈને અમને જવા દો. અમે ધોરી માર્ગે જ ચાલીશું અને જમણી કે ડાબી તરફ ફંટાઈશું નહિ. 28 અમારો ખોરાક અમે તમારી પાસેથી વેચાતો લઈને જ ખાઈશું; અરે, પાણી પણ અમે તમારી પાસેથી વેચાતું લઈને જ પીશું. તમારા દેશમાંથી અમને માત્ર પગપાળા પસાર થવા દો. 29 જેથી અમે યર્દન ઊતરીને અમારા પ્રભુ અમને જે દેશ આપવાના છે તેમાં પ્રવેશ કરીએ. સેઈરમાં વસતા એસાવના વંશજોએ અને આરમાં વસતા મોઆબીઓએ અમને તેમની હદમાંથી પસાર થવા દીધા હતા તેમ તમે પણ અમને જવા દો.’ 30 “પણ હેશ્બોનના રાજા સિહોને તેના દેશમાં થઈને આપણને પસાર થવા મના કરી. કારણ, આપણા ઈશ્વર પ્રભુએ તેને હઠીલા મનનો અને દુરાગ્રહી દયનો બનાવ્યો હતો; જેથી આપણે તેને હરાવીને તેનો પ્રદેશ કબજે કરી લઈએ. આજે પણ એ પ્રદેશ આપણા કબજામાં છે. 31 “ત્યારે પ્રભુએ મને કહ્યું હતું, ‘જુઓ, સિહોન અને તેના પ્રદેશને મેં તમારે તાબે કરી દેવા માંડયા છે. તેથી તેના પ્રદેશનો કબજો લેવા માંડો.’ 32 ત્યારે સિંહોન જાતે પોતાના માણસોને લઈને યાહાસ નગર નજીક આપણી સામે યુધ કરવા નીકળી આવ્યો, 33 પણ આપણા ઈશ્વર પ્રભુએ તેને આપણા હાથમાં સોંપી દીધો અને આપણે તેનો, તેના પુત્રોનો તથા તેના સર્વ લોકોનો પરાજય કર્યો. 34 તે સમયે આપણે તેનાં સર્વ નગરો જીતી લીધાં અને તે બધાં નગરોના પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સુધાં સૌનો સંહાર કર્યો અને કોઈનેય જીવતું જવા દીધું નહિ. 35 જે નગરો આપણે જીતી લીધાં હતાં તેમાંથી લૂંટ તરીકે માત્ર પશુપ્રાણી અને સરસામાન જ રાખી લીધાં. 36 આર્નોનની ખીણપ્રદેશની સરહદે આવેલા અરોએર નગર અને તે ખીણપ્રદેશના મધ્યમાં આવેલા નગરથી છેક ગિલ્યાદ સુધીનાં સર્વ નગરો આપણા ઈશ્વર પ્રભુએ આપણે હવાલે કર્યાં. કોઈ નગરની કિલ્લેબંધી એવી મજબૂત નહોતી કે જે આપણે જીતી ન શકીએ. 37 આપણા ઈશ્વર પ્રભુએ આપણને મના કરી હતી તે પ્રમાણે આમ્મોનીઓની સરહદ અથવા યાબ્બોકના વહેળાના ઉપરવાસમાં કે પહાડી પ્રદેશનાં નગરો પર કે અન્ય સ્થળો પર આક્રમણ કરવા આપણે ગયા નહિ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide