પુનર્નિયમ 19 - પવિત્ર બાઇબલ C.L.આશ્રયનગરો ( ગણ. 35:9-28 ; યહો. 20:1-9 ) 1 “જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તેમાંની પ્રજાઓનો વિનાશ કર્યા પછી તમને આપે છે તેનો તમે કબજો લો અને તેમનાં નગરોમાં અને તેમનાં ઘરોમાં વસવાટ કરો; 2-3 ત્યારે તમારા ઈશ્વર પ્રભુ તમને જે ભૂમિ વારસા તરીકે આપે છે તેના ત્રણ ભાગ પાડો. પ્રત્યેક વિભાગમાં એક એમ ત્રણ નગર અલગ કરો અને ત્યાં સહેલાઈથી પહોંચી શકાય તે માટે રસ્તા તૈયાર કરો; જેથી કોઈ પણ મનુષ્યઘાતક ત્યાં નાસી જઈ શકે. 4 કોઈ માણસને બીજા માણસ પર અગાઉથી વેર ન હોય અને આકસ્મિક રીતે તેની હત્યા કરી બેસે તો તે માણસ ત્યાં નાસી જઈને રક્ષણ પ્રાપ્ત કરે. 5 દાખલા તરીકે, એક માણસ બીજા માણસ સાથે લાકડાં કાપવા જંગલમાં જાય અને વૃક્ષ કાપવા માટે કુહાડીનો ઘા મારતાં કુહાડી તેના હાથામાંથી છટકીને પેલા બીજા માણસને વાગે અને તે માણસ મૃત્યુ પામે, તો પેલો પહેલો માણસ પેલાં ત્રણમાંથી કોઈ એક નગરમાં નાસી જઈને રક્ષણ પ્રાપ્ત કરે. 6 જો નગરે પહોંચવાનો રસ્તો લાંબો હોય તો ખૂનનો બદલે લેનાર સગો પેલા માણસને રસ્તામાં પકડી પાડશે અને અગાઉથી વેર ન હોવાથી તે માણસ મૃત્યુદંડને પાત્ર ન હોવા છતાં તે તેને ક્રોધના આવેશમાં મારી નાખશે. 7 એટલે જ હું તમને આજ્ઞા આપું છું કે તમારે આશ્રય માટે ત્રણ નગરો જુદાં પાડવાં. 8-9 “તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખીને અને તેમણે ચીંધેલા માર્ગે અનુસરીને મેં આપેલી સર્વ આજ્ઞાઓનું તમે ખંતથી પાલન કરો અને તેથી તમારા ઈશ્વર પ્રભુએ તમારા પૂર્વજોને આપેલા વચન પ્રમાણે તમારી સીમા વિસ્તારે અને તમારા પૂર્વજોને આપવાનું કહ્યું હતું તે બધો પ્રદેશ તમને આપે તો તમારે બીજાં ત્રણ નગરો પણ આશ્રય માટે અલગ કરવાં. 10 એમ કરવાથી નિર્દોષજનોના ખૂનનો દોષ લાગશે નહિ. 11 “પરંતુ જો કોઈ માણસ બીજા માણસ પર વૈરભાવ હોવાથી અને સંતાઈ રહીને લાગ મળતાં એ માણસ પર હુમલો કરી તેની હત્યા કરે અને પછી આશ્રય માટેના કોઈ નગરમાં નાસી છૂટે, 12 તો તે ખૂની માણસના નગરના વડીલો કોઈને મોકલીને તેને ત્યાંથી બોલાવી લે અને ખૂનનો બદલે લેનાર સગાના હાથમાં તેને સોંપે અને એમ તે માર્યો જાય. 13 તમારે ખૂની માણસ પ્રત્યે દયા દાખવવી નહિ; એમ તમારે ઇઝરાયલમાંથી નિર્દોષના ખૂનનો દોષ દૂર કરવો, જેથી તમારું કલ્યાણ થાય. જમીનની હદ બદલવી નહિ 14 “તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશનો કબજો આપે છે તેમાં તમને જમીનનો વારસો મળે ત્યારે અસલના સમયમાં તમારા પૂર્વજોએ નક્કી કર્યા પ્રમાણેની તમારા પડોશીના જમીનની હદનો જૂના સમયનો પથ્થર તમારે ખસેડવો નહિ. સાક્ષીઓ વિષે નિયમ 15 “એક જ સાક્ષીની જુબાનીથી કોઈને દોષિત ઠરાવી શકાય નહિ. બે અથવા ત્રણ સાક્ષીઓની જુબાનીને આધારે જ કોઈ માણસ પરનો આરોપ પુરવાર થવો જોઈએ. 16 જો કોઈ માણસ બીજા માણસને હાનિ પહોંચાડવા તેના પર ગુનાનો જૂઠો આરોપ મૂકે, 17 તો એ બન્ને પક્ષકારોએ પ્રભુની સમક્ષ તે સમયે પદ ધરાવવતા યજ્ઞકારો અને ન્યાયાધીશો પાસે હાજર થવું. 18 ન્યાયાધીશો એ તકરાર વિષે ચોક્સાઈપૂર્વક તપાસ કરશે અને જો તે માણસે સાથી ઇઝરાયલી પર જૂઠો આરોપ મૂક્યો હોય, 19 તો જે સજા આરોપીને થઈ હોત તે જ સજા જૂઠો આરોપ મૂકનારને કરવી. એ રીતે તમારે તમારી વચમાંથી દુષ્ટતા દૂર કરવી. 20 બીજા લોકો એ વિષે સાંભળીને ભય પામશે અને તમારી વચમાં એવું દુષ્ટ કાર્ય ફરી કોઈ કરશે નહિ. 21 એ પ્રસંગે તમારે લેશમાત્ર દયા દાખવવી નહિ; પણ જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ અને પગને બદલે પગ એમ સજા કરવી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide