પુનર્નિયમ 18 - પવિત્ર બાઇબલ C.L.યજ્ઞકારોનો હિસ્સો 1 “લેવીકુળના યજ્ઞકારો સહિત લેવીકુળના સમગ્ર લોકોને ઇઝરાયલમાં જમીનનો હિસ્સો કે વારસો મળશે નહિ; એને બદલે, તેમણે પ્રભુને અર્પાયેલાં અગ્નિબલિ અને તેમના હિસ્સામાંથી ગુજરાન ચલાવવું. 2 તેમને તેમના જાતભાઈઓની જેમ જમીન વારસામાં મળશે નહિ, તેમ તેઓ જમીનની માલિકી ધરાવશે નહિ. પ્રભુએ તેમને આપેલા વચન પ્રમાણે તો પ્રભુ પોતે જ તેમનો વારસો છે. 3 “જ્યારે લોકો ઢોરઢાંકમાંથી કે ઘેટાંબકરાંમાંથી પ્રાણીનું બલિદાન ચડાવે ત્યારે તેમણે યજ્ઞકારોને તેમના હિસ્સા તરીકે બાવડું, ગલોફાં અને હોજરી આપવાં. 4 એ ઉપરાંત તમારાં અનાજ, દ્રાક્ષાસવ, તેલ અને ઊનની પેદાશનો પ્રથમ હિસ્સો પણ તમારે તેમને આપવો. 5 કારણ કે, તમારાં સર્વ કુળોમાંથી તમારા ઈશ્વર પ્રભુએ લેવીકુળના વંશજોને પ્રભુ સમક્ષ યજ્ઞકારો તરીકે સેવા બજાવવા હંમેશને માટે પસંદ કર્યા છે. 6 “સમસ્ત ઇઝરાયલના કોઈપણ નગરમાં વસતો કોઈ લેવી વંશજ સ્વેચ્છાપૂર્વક તે નગરમાંથી નીકળીને પ્રભુ જે સ્થળ પસંદ કરવાના છે ત્યાં જાય, 7 તો ત્યાં પ્રભુની સમક્ષ યજ્ઞકારો તરીકે સેવા બજાવતા લેવીકુળના તેના કુળભાઈઓની જેમ તે પણ તેના ઈશ્વર પ્રભુની સેવા બજાવી શકે છે. 8 તેને વડીલોપાર્જિત મિલક્તના વેચાણમાંથી થયેલી આવક હોય તો પણ બીજા યજ્ઞકારોની જેમ તેને પણ ખોરાકમાંથી સરખો હિસ્સો મળે. વિધર્મી વિધિઓ વિષે ચેતવણી 9 “તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ આપે તેમાં તમે આવો ત્યારે ત્યાં વસતી પ્રજાઓના ઘૃણાજનક વિધિઓનું અનુકરણ કરશો નહિ. 10 તમારામાં કોઈએ પોતાના બાળકોને વેદીના અગ્નિમાં બલિ તરીકે ચડાવવાં નહિ. 11 તમારામાંથી કોઈ જોષ જોનાર, શુકન જોનાર, ધંતરમંતર કરનાર, જાદુ કરનાર, મોહિની લગાડનાર, ભૂતપ્રેતની સાધના કરનાર કે મૃતાત્માઓનો સંપર્ક સાધનાર હોવો જોઈએ નહિ. 12 કારણ, એવાં ઘૃણાસ્પદ કાર્યો કરનારને પ્રભુ ધિક્કારે છે અને તેમનાં એવાં ઘૃણાસ્પદ કાર્યોને લીધે તો તમારા ઈશ્વર પ્રભુ તેમને તમારી આગળથી હાંકી કાઢે છે. 13 પણ તમે તમારા ઈશ્વર પ્રભુને પૂરેપૂરા નિષ્ઠાવાન રહો.” સંદેશવાહક વિષે વચન 14 પછી મોશેએ કહ્યું, “જે દેશનો તમે કબજો લેવાના છો ત્યાંની પ્રજાઓ તો જોષ જોનાર તથા શુકન જોનારાઓની સલાહ પ્રમાણે વર્તે છે; પરંતુ તમારા ઈશ્વર પ્રભુ તમને તેમ કરવાની પરવાનગી આપતા નથી. 15 એને બદલે, તમારા ઈશ્વર પ્રભુ તમારી મધ્યે તમારા લોકોમાંથી જ તમારે માટે મારા જેવો સંદેશવાહક ઊભો કરશે; તમારે તેનું જ સાંભળવું. 16 તમે હોરેબ પર્વત પાસે એકત્ર થયા હતા ત્યારે તમે એવી માગણી કરી કે તમારે ફરીથી તમારા ઈશ્વર પ્રભુની વાણી સીધેસીધી સાંભળવી નથી અને તેમની ઉપસ્થિતિનો મહાન અગ્નિ પણ જોવો નથી; કારણ, તમને માર્યા જવાનો ભય હતો. 17 પ્રભુએ પણ મને કહ્યું હતું કે, ‘તેમની માગણી વાજબી છે. 18 હું તેમને માટે તેમના લોકોમાંથી જ તારા જેવો સંદેશવાહક ઊભો કરીશ. હું તેના મુખમાં મારો સંદેશ મૂકીશ અને હું તેને ફરમાવું તે સંદેશ તે લોકને આપશે. 19 કોઈ સંદેશવાહક મારે નામે સંદેશ પ્રગટ કરે, ત્યારે જે કોઈ તેના સંદેશની અવગણના કરશે તેને હું સજા કરીશ. 20 પણ જો કોઈ સંદેશવાહક ગર્વિષ્ઠ થઈને મેં આજ્ઞા ન કરી હોય છતાં મારે નામે સંદેશ પ્રગટ કરવાની ધૃષ્ટતા કરશે, અથવા અન્ય દેવોને નામે સંદેશ પ્રગટ કરશે તો તે સંદેશવાહક માર્યો જશે. 21 “તમને મનમાં એવો પ્રશ્ર્ન થાય કે, ‘કોઈ સંદેશ પ્રભુ તરફથી મળ્યો નથી એ અમે કેવી રીતે જાણી શકીએ?’ 22 જો કોઈ સંદેશવાહક પ્રભુને નામે સંદેશ પ્રગટ કરે અને જો તે પ્રમાણે ન બને કે તે આગાહી પૂર્ણ ન થાય તો એ સંદેશ પ્રભુ તરફથી નથી એમ જાણવું. તે સંદેશવાહક માત્ર પોતાના તરફથી બડાઈપૂર્વક બોલ્યો છે, અને તમારે તેનાથી ડરવું નહિ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide