Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 17 - પવિત્ર બાઇબલ C.L.

1 “તમે ખોડખાંપણવાળાં વાછરડાં કે ઘેટાં તમારા ઈશ્વર પ્રભુને બલિ તરીકે ચડાવશો નહિ. તમારા ઈશ્વર પ્રભુ તેને પણ ધિક્કારે છે.

2-3 તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલા નગરમાં કોઈ પુરુષ અથવા સ્ત્રી અન્ય દેવદેવીઓની સેવાપૂજા કરીને અથવા મેં જેમની ભક્તિની મના કરી છે તે સૂર્ય, ચંદ્ર કે તારાઓની પૂજા કરીને તમારા ઈશ્વર પ્રભુ વિરૂધ પાપ કરે અને તેમની સાથેના કરારનો ભંગ કરે;

4 અને એ વાત વિષે તમને ખબર મળે અને તમારા સાંભળવામાં આવે તો એ વિષે કાળજીપૂર્વક તપાસ કરો અને ઇઝરાયલમાં એવું અધમ કાર્ય થયું છે એ વાત સાચી અને શંકારહિત હોય,

5 તો એવું અધમ કાર્ય કરનાર પુરુષ અથવા સ્ત્રીને નગરની બહાર લાવીને તેને પથ્થર મારીને મારી નાખો.

6 પરંતુ બે કે તેથી વધારે સાક્ષીઓની જુબાનીને આધારે જ એ વ્યક્તિને દેહાંતદંડની સજા કરવામાં આવે અને માત્ર એક જ સાક્ષીની જુબાનીથી તેને દેહાંતદંડની સજા કરવી નહિ.

7 દેહાંતદંડની સજાનો અમલ કરવા સાક્ષીઓએ પ્રથમ પથ્થરો ફેંકવા અને ત્યાર પછી જ બીજા બધા લોકોએ પથ્થરો ફેંકવા. એ રીતે તમારે તમારી મધ્યેથી અધમતા દૂર કરવી.


ન્યાય ચૂકવવા વિષે સૂચના

8 “તમારા નગરમાં ખૂન, સંપત્તિના દાવા કે મારામારીના જુદા જુદા પ્રકારના એવા વિરોધાભાસી કેસ ઊભા થાય કે સ્થાનિક ન્યાયાધીશો માટે તેનો નિકાલ મુશ્કેલ જણાય, તો તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ સ્થળે જવું.

9 અને લેવીકુળના યજ્ઞકારો અને તત્કાલીન ન્યાયાધીશ પાસે જઈને તમારો કેસ રજૂ કરવો. તેઓ એ કેસનો ચુકાદો આપશે.

10 પ્રભુના પસંદ કરેલા સ્થાને તેઓ જે ચુકાદો આપે તેનો સંપૂર્ણપણે અમલ કરવો અને તેમની સુચનાઓનું કાળજીપૂર્વક પાલન કરવું.

11 તેઓ કાયદાનું જે અર્થઘટન કરે અને જે ચુકાદા આપે તે પ્રમાણે તેનું સંપૂર્ણપણે પાલન કરવું અને તેના અમલમાં જરાય ફેરફાર કરવો નહિ.

12 પણ ત્યાં તમારા ઈશ્વર પ્રભુની સેવા કરનાર યજ્ઞકાર કે તે સમયના ન્યાયાધીશના ચુકાદાનો કોઈ માણસ ઉધતાઈથી ભંગ કરે તો તે મૃત્યુદંડને પાત્ર થાય. એ રીતે તમારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.

13 સર્વ લોકો એ વિષે સાંભળીને ભય પામશે અને ફરીવાર કોઈ એવી ઉધતાઈ કરશે નહિ.


રાજા સબંધી સૂચનાઓ

14 “તમારા ઈશ્વર પ્રભુ જે દેશ તમને આપે છે તેમાં જઈને તમે તેનો કબજો લો અને તેમાં ઠરીઠામ થાઓ ત્યારે તમને થશે કે, ‘આસપાસની સર્વ પ્રજાઓની જેમ અમારે પણ અમારા ઉપર રાજાની નિમણૂક કરવી છે.’

15 તો તમારા ઈશ્વર પ્રભુ જેને પસંદ કરે તેની જ રાજા તરીકે નિમણૂક કરવી. તે તમારા પોતાના લોકોમાંનો જ હોવો જોઈએ. કોઈ પરદેશીની રાજા તરીકે નિમણૂંક કરવી નહિ.

16 પણ રાજા પોતાના લશ્કર માટે મોટી સંખ્યામાં ઘોડા એકઠા ન કરે અને ઘોડાઓની સંખ્યા વધારવા માટે લોકોને ઇજિપ્ત દેશમાં પાછા ન મોકલે; કારણ કે, પ્રભુએ તમને કહ્યું છે કે, ‘તમારે કદીયે એ માર્ગે પાછા જવું નહિ.’

17 વળી, રાજાએ પોતાને માટે ઘણી પત્નીઓ રાખવી નહિ; નહિ તો તેનું મન પ્રભુ તરફથી ભટકી જશે. તેણે પોતાને માટે મોટા જથ્થામાં સોનાચાંદીનો સંગ્રહ કરવો નહિ.

18 જ્યારે રાજાનો રાજ્યાભિષેક થાય ત્યારે તે પોતાને માટે લેવીકુળના યજ્ઞકારો પાસે આ નિયમની પ્રત તૈયાર કરાવે.

19 તેણે એ પ્રત પોતાની પાસે રાખવી અને જીવનપર્યંત તેમાંથી વાંચન કરવું, જેથી તે પ્રભુ પ્રત્યે ભક્તિભાવ રાખતાં શીખીને તે પુસ્તકમાંની સર્વ આજ્ઞાઓ અને વિધિઓનું પાલન કરે અને કરાવે;

20 પોતે પોતાના ઇઝરાયલી લોકો કરતાં મહાન છે એવો ગર્વ તેને ન થાય અને પ્રભુની કોઈ આજ્ઞાનો લેશમાત્ર ભંગ ન કરે. ત્યારે તો તે અને તેના વંશજો ઇઝરાયલમાં લાંબો સમય રાજ્ય કરશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan