પુનર્નિયમ 16 - પવિત્ર બાઇબલ C.L.પાસ્ખાપર્વ ( નિર્ગ. 12:1-20 ) 1 “આબીબ માસમાં તમારા ઈશ્વર પ્રભુના સન્માનમાં પાસ્ખાપર્વ પાળવાનું અચૂક યાદ રાખો. કારણ કે આબીબ માસમાં એક રાત્રે તમારા ઈશ્વર પ્રભુએ તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા હતા. 2 પ્રભુએ તેમને નામે ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થળે જઈને તમારા ઈશ્વર પ્રભુના સન્માર્થે ત્યાં પાસ્ખાપર્વ પાળવા ઢોરઢાંક અથવા ઘેટાંબકરાંમાંથી એક પ્રાણીનો વધ કરવો. 3 જ્યારે તમે પાસ્ખાપર્વના એ પ્રાણીનું માંસ ખાઓ ત્યારે તેની સાથે તમારે ખમીરવાળી રોટલી ખાવી નહિ. સાત દિવસ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવાની છે. એ તો દુ:ખની રોટલી છે; કારણ, ઇજિપ્ત દેશમાંથી તમારે બહુ ઉતાવળથી નીકળવું પડયું હતું. 4 આમ, ઇજિપ્તમાંથી નીકળી આવવાનો દિવસ તમને જીવનભર યાદ રહેશે. સાત દિવસ સુધી આખા દેશમાં કોઈપણ ઘરમાં ખમીર હોવું જોઈએ નહિ. પ્રથમ દિવસની સાંજે વધ કરાયેલા પ્રાણીનું માંસ તે જ રાત્રે પૂરેપૂરું ખાઇ જવું અને એમાંથી સવાર પડતાં સુધી કંઈ રાખી મૂકવું નહિ. 5-6 “તમારા ઈશ્વર પ્રભુએ આપેલાં બીજાં કોઈ નગરમાં નહિ, પણ પ્રભુને નામે ભક્તિ કરવા માટે પસંદ કરાયેલ એકમાત્ર સ્થળે તમારા પાસ્ખાપર્વના પ્રાણીનો વધ કરવો. તમે ઇજિપ્ત દેશમાંથી નીકળ્યા તે સમયે એટલે સાંજે સૂર્યાસ્ત વેળાએ પ્રાણીનો વધ કરીને પાસ્ખાપર્વ પાળવું. 7 તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ સ્થાને જ તમારે તે માંસ બાફીને ખાવું અને બીજે દિવસે સવારે પોતાના તંબૂએ પાછા જવું. 8 તે પછીના છ દિવસ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવી અને સાતમે દિવસે તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ માટે પવિત્ર સંમેલન ભરવું અને તે દરમ્યાન તમારે અન્ય રોજિંદું કામ કરવું નહિ. કાપણીનું પર્વ ( નિર્ગ. 34:22 ; લેવી. 23:15-21 ) 9 “તમે પાકેલા ધાન્યની કાપણીની શરૂઆત કરો ત્યારથી માંડીને તમે સાત સપ્તાહ ગણો. 10 તે પછી તમારા ઈશ્વર પ્રભુના સન્માર્થે કાપણીના સપ્તાહોનું પર્વ પાળો અને તેમણે તમને આપેલા આશીર્વાદના પ્રમાણમાં તમારે હાથે તેમને સ્વૈચ્છિક અર્પણ ચડાવજો. 11 તમારા ઈશ્વર પ્રભુએ તેમને નામે ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થાને તમારે પ્રભુના સાંનિધ્યમાં, તમારે તમારાં સંતાનો, નોકરચાકરો, તમારા નગરમાં વસતા લેવીઓ, પરદેશીઓ, અનાથ અને વિધવાઓ સહિત આનંદોત્સવ કરવો. 12 યાદ રાખો કે તમે ઇજિપ્ત દેશમાં ગુલામ હતા, અને આ સર્વ આજ્ઞાઓ અને વિધિઓ તમે ખંતથી પાળજો. માંડવાપર્વ ( લેવી. 23:33-43 ) 13 “તમારા ખળામાંથી અનાજ ઝૂડીને અને દ્રાક્ષકુંડમાં દ્રાક્ષ પીલીને તમે અનાજ અને દ્રાક્ષાસવનો ઘરમાં સંગ્રહ કરો તે પછી સાત દિવસ સુધી તમારે માંડવાપર્વ પાળવું. 14 તે પર્વમાં તમારે તમારાં સંતાનો, તમારાં નોકરચાકરો તેમજ તમારા નગરમાં વસતા લેવીઓ, પરદેશીઓ, અનાથો તથા વિધવાઓ સહિત આનંદોત્સવ કરવો.” 15 તમારા ઈશ્વર પ્રભુના સન્માર્થે તેમણે પસંદ કરેલા એક સ્થાને સાત દિવસ સુધી તમારે તે પર્વ પાળવું. તમારા ઈશ્વર પ્રભુએ તમારી ઊપજમાં તથા તમારા હાથનાં સર્વ કાર્યોમાં આશીર્વાદ આપ્યો હોવાથી આનંદોત્સવ કરજો. 16 “એક વર્ષમાં ત્રણ વાર, એટલે પાસ્ખાપર્વ, કાપણીનું પર્વ અને માંડવાપર્વ માટે તમારા દેશના બધા પુરુષોએ તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ એક સ્થાને ભક્તિ માટે એકત્ર થવું. પ્રત્યેક માણસે પોતપોતાની ભેટ લાવવી. 17 એટલે, દરેકે પોતાની શક્તિ પ્રમાણે પ્રભુએ તેને આપેલા આશીર્વાદના પ્રમાણમાં ભેટ આપવી. ન્યાયાધીશોની નિમણૂક 18 “તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલાં સર્વ નગરોમાં તમારાં કુળો પ્રમાણે ન્યાયાધીશોની તથા બીજા અધિકારીઓની નિમણૂક કરજો. તેમણે પક્ષપાત વગર લોકોનો ન્યાય કરવાનો છે. 19 તેમના ચુકાદાઓમાં તેમણે કાયદાઓનો અવળો અર્થ કરવો નહિ. તેમણે આંખની શરમ રાખી પક્ષપાત ન કરવો. તેમણે લાંચ ન લેવી. કારણ, લાંચ જ્ઞાની અને પ્રામાણિક માણસોની આંખોને પણ આંધળી કરે છે અને તેમને જૂઠા ચુકાદાઓ આપવા પ્રેરે છે. 20 તમે જીવતા રહો અને તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ આપે છે તેનો પૂરેપૂરો કબજો લો તે માટે અદલ ન્યાયને અનુસરો. ભક્તિમાં સાવચેતી 21 “જ્યારે તમે તમારા ઈશ્વર પ્રભુ માટે વેદી બનાવો ત્યારે તેની બાજુમાં અશેરા દેવીના પ્રતીકરૂપ સ્તંભ ઊભો કરવો નહિ. 22 એમ જ મૂર્તિપૂજા માટે શિલાસ્તંભ પણ ઊભો કરશો નહિ. કારણ, પ્રભુ તેમને ધિક્કારે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide