પુનર્નિયમ 15 - પવિત્ર બાઇબલ C.L.ઋણમુક્તિનું સાતમું વર્ષ ( લેવી. 25:1-7 ) 1 “દર સાતમું વર્ષ ઋણમુક્તિનું વર્ષ છે. 2 તમારે આ રીતે દેવું માફ કરવું. પ્રત્યેક લેણદારે પોતાના જાતભાઈ એટલે સાથી ઇઝરાયલીને ધીરેલી રકમનું દેવું માફ કરી દેવું. તેણે એ નાણાં સાથી ઇઝરાયલી પાસેથી બળજબરીથી વસૂલ કરવા પ્રયત્ન કરવો નહિ. કારણ, પ્રભુના નામે ઋણમુક્તિ વિષે ઘોષણા કરવામાં આવી છે. 3 કોઈ પરદેશીનું દેવું હોય તો તેની પાસેથી તે વસૂલ કરવાની તમને છૂટ છે. પરંતુ તમારા જાતભાઈનું દેવું હોય તો તમારે તે વસૂલ કરવું નહિ. 4-5 “જો તમે તમારા ઈશ્વર પ્રભુની વાણી ખંતથી સાંભળશો અને હું આજે જે આજ્ઞાઓ આપું છું તે બધી કાળજીપૂર્વક પાળશો તો તમારામાંનું કોઈ ગરીબ નહિ હોય; કારણ, તમારા ઈશ્વર પ્રભુ જે દેશ વારસા તરીકે તમને આપે છે તેમાં તે તમને જરૂર આશીર્વાદિત કરશે. 6 અને તમારા ઈશ્વર પ્રભુ તમને આપેલા વચન પ્રમાણે તમને આશીર્વાદ આપવાના હોવાથી તમે ઘણી પ્રજાઓને નાણાં ધીરશો, પણ તમારે કોઈના દેવાદાર થવું પડશે નહિ; તમે ઘણી પ્રજાઓ પર સત્તા ચલાવશો, પણ તમારા પર કોઈ પ્રજા સત્તા ચલાવશે નહિ. 7 “જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને આપે છે તેમાં તમારા નગરમાં વસતો તમારો કોઈ ઇઝરાયલી ભાઇ તંગીમાં આવી પડયો હોય, તો કઠોર હૃદય રાખીને તેને મદદ કરવામાં તમારો હાથ પાછો રાખશો નહિ. 8 પણ ઉદાર હાથે તેની તંગીના પ્રમાણમાં તેને જરૂરી હોય તેટલું ઉછીનું આપો. 9 જો જો, સાવધ રહેજો કે, ઋણમુક્તિનું વર્ષ પાસે છે એમ વિચારીને તમારા મનમાં ઉછીનું નહિ આપવાનો અધમ વિચાર ન આવે; નહિ તો, તમારા ગરીબ ભાઇના સંબંધમાં તમારી દાનત બગડશે, અને તમે તેને કંઈ નહિ આપો. એથી તો તે પ્રભુની આગળ તમારી વિરુધ પોકાર કરશે અને તમે દોષિત ઠરશો. 10 એ માટે તમારે તેને ઉદારતાથી અને મન કચવાયા વગર અચૂક આપવું; કારણ, એમ કરવાથી તમારા ઈશ્વર પ્રભુ તમારા હાથનાં સર્વ કાર્યોમાં બરક્ત આપશે. 11 દેશમાં કોઈને કોઈ માણસ તો તંગીમાં હોવાનો જ, અને તેથી હું તમને આજ્ઞા આપું છું કે એવા કંગાલ ભાઈ પ્રત્યે ઉદારતાથી વર્તવું. ગુલામો પ્રતિ યોગ્ય વર્તાવ ( નિર્ગ. 21:1-11 ) 12 “જો તમારામાંથી કોઈ ઈઝરાયલી પુરુષ કે સ્ત્રી તમને વેચાયેલ હોય અને તે છ વર્ષ તમારે ત્યાં કામ કરે તો પછી સાતમે વર્ષે, તમારે તેને છુટકારો આપવો. 13 જ્યારે તમે એવાંને તમારી પાસેથી છૂટા કરો ત્યારે તમારે તેમને ખાલી હાથે મોકલવાં નહિ. 14 પરંતુ તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલ આશીર્વાદ પ્રમાણે તેમને તમારાં ઘેટાંબકરાંમાંથી, તમારાં અનાજમાંથી અને તમારાં દ્રાક્ષાસવમાંથી ઉદારતાપૂર્વક આપવું. 15 યાદ રાખો કે તમે પણ એક વેળાએ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા અને તમારા ઈશ્વર પ્રભુએ તમને મુક્ત કર્યા હતા; અને એટલે જ હું તમને આજે આ આજ્ઞા આપું છું. 16 “અને એમ થાય કે તેને તમારી સાથે અને તમારા કુટુંબ સાથે હેત હોવાથી અને તમારી સાથે તે સુખચેનમાં રહેતો હોવાથી તેને તમારી પાસેથી છૂટા થવાનું મન ન હોય, 17 તો તમારે તેને ઘરના બારણા સાથે ઊભો રાખીને તેનો કાન વીંધવો. પછી તે તમારો જીવનભરનો દાસ થશે. તમારી દાસીના સંબંધમાં પણ તમારે એ જ પ્રમાણે કરવું. 18 તમારા દાસને છૂટો કરવાનું તમને અઘરું લાગવું જોઈએ નહિ. કારણ, તેણે અર્ધા વેતનથી તમારે ત્યાં છ વર્ષ ચાકરી કરી છે, માટે એને છૂટા કરવાથી તમારા ઈશ્વર પ્રભુ તમારાં સર્વ કાર્યોમાં તમને આશીર્વાદ આપશે.” ઢોરઢાંક તથા ઘેટાંબકરાંનાં પ્રથમ જન્મેલાં બચ્ચાં વિષે 19 “તમારે તમારાં ઢોરઢાંકનાં તથા ઘેટાંબકરાંનાં પ્રથમ જન્મેલાં સર્વ નર બચ્ચાં તમારા ઈશ્વર પ્રભુને અર્પણ કરવાં. એ પ્રથમ જન્મેલા વાછરડા પાસે તમારે કોઈ કામ કરાવવું નહિ; વળી, પ્રથમ જન્મેલા ઘેટાંબકરાંનાં બચ્ચાનું ઊન કાતરવું નહિ. 20 એ બચ્ચાંઓને તમારે અલગ રાખવાં અને જે સ્થાન તમારા ઈશ્વર પ્રભુ પસંદ કરે ત્યાં પ્રભુના સાનિધ્યમાં કુટુંબ સહિત તમારે તે બચ્ચાનું માંસ ખાવું. 21 પરંતુ જો તે બચ્ચાને કંઈ ખોડ હોય એટલે કે તે આંધળું કે લંગડું હોય અથવા બીજી કંઈ ખામી હોય તો તમારે પ્રભુને તેનું બલિદાન કરવું નહિ. 22 એવાં પ્રાણીઓ તમારે ઘેર જ ખાવાં. વિધિપૂર્વક શુધ હોય કે અશુધ હોય પણ દરેક જણ હરણ કે સાબરના માંસની જેમ તે ખાઈ શકે છે. 23 પણ તેમનું લોહી તમારે ખાવું નહિ. તેને તો તમારે પાણીની જેમ જમીન પર રેડી દેવું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide