પુનર્નિયમ 14 - પવિત્ર બાઇબલ C.L.મના કરાયેલ શોકવિધિ 1 “તમે તમારા ઈશ્વર પ્રભુનાં સંતાન છો. તેથી મરેલાં માટે શોક પાળવામાં તમે તમારા અંગ પર ઘા કરો નહિ, કે તમારા માથાનો અગ્રભાગ મૂંડાવો નહિ. 2 કારણ, તમે તમારા ઈશ્વર પ્રભુની પવિત્ર પ્રજા છો અને પૃથ્વીના પટ પરની સર્વ પ્રજાઓમાંથી પ્રભુએ તમને પોતાના વિશિષ્ટ લોક થવા પસંદ કર્યા છે. શુધ અને અશુધ પ્રાણીઓ ( લેવી. 11:1-47 ) 3 “પ્રભુએ અશુધ ઠરાવેલી કોઈ ચીજ તમારે ખાવી નહિ. 4 તમને આ પ્રાણીઓનું માંસ ખાવાની છૂટ છે: ઢોરઢાંક, ઘેટાંબકરાં, 5 સાબર તથા હરણ, કાળિયાર અને જંગલી બકરાં; પહાડી હરણ, છીંકારા તથા પહાડી ઘેટાં. 6 બે ભાગમાં હોય એવી ફાટવાળી ખરીવાળાં અને વાગોળનારાં બધાં પ્રાણી તમને ખાવાની છૂટ છે. 7 પરંતુ માત્ર ફાટેલી ખરીવાળાં જ હોય અથવા માત્ર ખોરાક વાગોળનાર જ હોય એવાં પ્રાણી ખાવાની છૂટ નથી. ઊંટ, સસલાં તથા ઘોરખોદિયું તમારે ન ખાવાં. કારણ, તેઓ વાગોળે છે ખરાં, પણ તેમની ખરી ફાટેલી હોતી નથી. એ તમારે માટે અશુધ છે. 8 તમારે ડુક્કરનું માંસ પણ ખાવું નહિ. કારણ, તેમની ખરી ફાટેલી છે ખરી, પણ તે વાગોળનાર પ્રાણી નથી તેથી તે તમારે માટે અશુધ છે. આ પ્રાણીઓનું માંસ તમારે ખાવું નહિ કે તેમનાં મુડદાંનો તમારે સ્પર્શ કરવો નહિ. 9 “જળચર પ્રાણીઓમાંથી જેમને ભીંગડા હોય તે બધાં તમે ખાઈ શકો છો. 10 પણ જળચર પ્રાણીઓ પૈકી જે ભીંગડાં વગરનાં હોય તે ખાવાની મના છે. એ તમારે માટે અશુધ છે. 11-12 “સર્વ શુધ પક્ષીઓ ખાવાની છૂટ છે. પરંતુ તમને આ પક્ષીઓ ખાવાની છૂટ નથી: 13-18 ગરૂડ, દાઢીવાળો ગીધ, કાળું ગીધ, સમડી, બાજ, કલીલની પ્રત્યેક જાત, દરેક જાતના કાગડા, શાહમૃગ, રાતશકરી, શાખાફ, શકરાની પ્રત્યેક જાત, ચીબરી, ધુવડ, રાજહંસ, ઢીંચ, કરઢોક, બગલા, હંસ, ભોંયખોદિયું અને વાગોળ. 19 “સર્વ પાંખવાળા જીવજંતુ તમારે માટે અશુધ છે તે ખાશો નહિ. 20 પણ સર્વ શુધ પક્ષી ખાવાની તમને છૂટ છે. 21 “કુદરતી રીતે મરી ગયેલા પ્રાણીનું મુડદાલ માંસ તમારે ખાવું નહિ. તમારી વચમાં વસતા પરદેશીને તમે તે ખાવા આપી શકો છો અથવા બીજા પરદેશીઓને તે મુડદાલ વેચી શકો છો પરંતુ તમારે તે ખાવું નહિ; કારણ, તમે તો તમારા ઈશ્વર પ્રભુની પવિત્ર પ્રજા છો. “બકરીના કે ઘેટાના બચ્ચાને તેની માના દૂધમાં તમે બાફશો નહિ. દશાંશ આપવા વિષે નિયમ 22 “તમારા ખેતરમાં દર વર્ષે થતી સઘળી પેદાશનો દશમો ભાગ તમારે અલગ કાઢવો. 23 પછી તમારા ઈશ્વર પ્રભુ તેમના નામની સ્થાપના માટે જે સ્થાન પસંદ કરે ત્યાં તમારે જવું અને ત્યાં પ્રભુના સાનિધ્યમાં તમારા ધાન્યનો, તમારા દ્રાક્ષાસવનો તથા તમારા ઓલિવ તેલનો દશાંશ, તેમજ તમારાં ઢોરઢાંકનાં તથા ઘેટાબકરાંનાં પ્રથમ જન્મેલાં બચ્ચાંનું માંસ તમારે ખાવાં. 24 જેથી તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે હરહંમેશ ભક્તિભાવ દર્શાવતાં શીખો. પ્રભુએ તેમને નામે ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થળ તમારા રહેઠાણથી ઘણે દૂર હોય અને રસ્તાનું અંતર વધારે હોવાથી પ્રભુના આશીર્વાદથી પ્રાપ્ત થયેલ ઉપજનો દશાંશ તમે ત્યાં લઈ જઈ શકો તેમ ન હોય તો આમ કરજો. 25 તમારે દશાંશનો ભાગ વેચી નાખવો અને તેમાંથી ઉપજેલાં નાણાંની કોથળી તમારા હાથમાં લઈ તમારા ઈશ્વર પ્રભુ જે સ્થાન પસંદ કરે ત્યાં જવું. 26 અને ત્યાં તમારું મન ચાહે તે ખરીદવું, એટલે કે, વાછરડા, ઘેટાં કે બકરાં, દ્રાક્ષાસવ કે જલદ આસવ માટે તમારે તે નાણાં ખરચવાં અને ત્યાં તમારા ઈશ્વર પ્રભુના સાનિધ્યમાં તેમનો ઉપભોગ કરીને તમારે તમારા કુટુંબ સહિત આનંદોત્સવ કરવો. 27 “તમારાં નગરોમાં વસતા લેવીઓને તમારે પડતા ન મૂકવા. કારણ, તમારી સાથે તેમને કંઈ હિસ્સો કે વારસો મળ્યો નથી. 28 દર ત્રણ વર્ષને અંતે, તમારી તે વર્ષની ઊપજનો દશાંશ જુદો કાઢીને તમારાં નગરોમાં તેનો સંગ્રહ કરવો. 29 જેમને તમારી સાથે જમીનનો કંઈ હિસ્સો કે વારસો મળ્યો નથી એવા તમારા નગરમાં વસતા લેવીઓ તથા પરદેશી, અનાથ અને વિધવાઓ આવીને એમાંથી ખાઈને તૃપ્ત થશે. તમે આવું કરશો તો તમારા ઈશ્વર પ્રભુ તમને તમારાં સર્વ કાર્યોમાં આશીર્વાદ આપશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide