પુનર્નિયમ 12 - પવિત્ર બાઇબલ C.L.ભક્તિ માટે એક જ સ્થાન 1 “તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ તમને જે દેશ વારસા તરીકે આપે છે તેમાં તમે આ પૃથ્વી પર જીવો ત્યાં સુધી તમારે આ નિયમો અને આદેશો ખંતથી પાળવા. 2 જે દેશ તમે કબજે કરવાના છો ત્યાં ઊંચા પર્વતો પર, ટેકરાઓ પર અને લીલાંછમ વૃક્ષો તળે જ્યાં જ્યાં ત્યાંની પ્રજાઓ તેમના દેવોની પૂજા કરે છે તે બધાં સ્થાનકોનો તમારે અચૂક નાશ કરવો. 3 તમારે તેમની વેદીઓ તોડી પાડવી; તેમના પવિત્ર સ્તંભો ભાંગી નાખવા અને અશેરા દેવીના પ્રતીકરૂપ લાકડાના સ્તંભો આગમાં બાળી નાખવા અને તેમના દેવોની મૂર્તિઓને કાપી નાખવી. એમ તમારે ત્યાંથી તેમનું નામનિશાન ભૂંસી નાખવું. 4 “પણ તમારે એ રીતે તમારા ઈશ્વર પ્રભુની અહીંતહીં ભક્તિ કરવી નહિ; 5 પણ સર્વ કુળોને ફાળવેલ પ્રદેશમાંથી તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ કરવા માટે અને તેમના વસવાટ માટે જે એક સ્થળ તે પસંદ કરે ત્યાં જ તમારે ભક્તિ માટે એકત્ર થવું અને ત્યાં જ તમારે જવું. 6 એ જ સ્થાને તમારે તમારાં દહનબલિ તથા તમારાં બલિદાનો, તમારા દશાંશ તથા તમારાં વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિત અર્પણ, તમારી માનતાનાં અર્પણો તથા તમારાં સ્વૈચ્છિક-અર્પણો તથા તમારા ઢોરઢાંકનાં તેમજ તમારાં ઘેટાંબકરાંનાં પ્રથમ બચ્ચાંના બલિ ચડાવવા, 7 અને ત્યાં તમારા ઈશ્વર પ્રભુના સાંનિધ્યમાં તમારે બધાંએ જમવું અને પ્રભુના આશિષને લીધે તમને તમારાં બધાં કાર્યોમાં મળેલી સફળતાને લીધે આનંદોત્સવ કરવો. 8 “ત્યારે તમારે અત્યારની જેમ વર્તવું નહિ. અત્યારે તો પ્રત્યેક માણસ પોતાને ઠીક લાગે છે તેમ વર્તે છે; 9 કારણ, તમારા ઈશ્વર પ્રભુ તમને આપવાના છે તે વિશ્રામ અને વારસાના દેશમાં તમે હજુ પહોંચ્યા નથી. 10 જ્યારે તમે યર્દનની પેલે પાર જઈને તમારા ઈશ્વર પ્રભુ તમને વારસા તરીકે આપે, એ દેશમાં જઈને વસવાટ કરો, અને તે તમને આસપાસના તમારા શત્રુઓથી સહીસલામત અને શાંતિમાં રાખે, 11 ત્યારે તમારે તમારા ઈશ્વર પ્રભુ પોતાના નામની સ્થાપના માટે જે એક સ્થાન પસંદ કરે ત્યાં તમારે હું ફરમાવું છું તે સર્વ અર્પણો લાવવાં; એટલે કે, તમારાં દહનબલિ તથા તમારાં બલિદાનો, તમારાં દશાંશ તથા તમારાં વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિત અર્પણ અને પ્રભુ પ્રત્યે માનેલી સર્વ વિશિષ્ટ માનતાઓનાં અર્પણ તમારે લાવવાં. 12 તમારે, તમારાં પુત્રપુત્રીઓએ, તમારા નોકરચાકર અને તમારી સાથે જમીનનો વારસો કે હિસ્સો મળ્યો નહિ હોવાથી તમારા નગરમાં વસતા લેવીઓએ પ્રભુના સાનિધ્યમાં આનંદોત્સવ કરવો. 13 સાવધ રહેજો અને તમારાં દહનબલિ ગમે તે સ્થાને ચડાવશો નહિ. 14 પરંતુ તમારાં કુળોના પ્રદેશમાંથી પ્રભુ જે એક સ્થાન પસંદ કરે ત્યાં જ તમારે દહનબલિ અને મેં ફરમાવેલાં અન્ય બધાં અર્પણો ચડાવવાં. 15 “તો પણ, જ્યાં કંઈ તમે વસતા હો ત્યાં પ્રભુની આશિષથી મળેલાં પ્રાણીઓમાંથી તેમનો વધ કરીને તમને માંસ ખાવાની છૂટ છે. તમે વિધિપૂર્વક શુધ હો કે અશુધ હો તો પણ તમે હરણ કે સાબર જેવાં બધાં શુધ પ્રાણીનું માંસ ખાઈ શકો છો. 16 માત્ર તમારે લોહી ખાવું નહિ. તે તો તમારે પાણીની જેમ જમીન પર રેડી દેવું. 17 પરંતુ તમે તમારાં રહેઠાણોમાં પ્રભુને અર્પિત કરેલી કોઈ પણ ખાદ્ય ચીજો જેવી કે તમારા ધાન્ય, દ્રાક્ષાસવ કે તેલનો દશાંશ, તમારાં ઢોરઢાંક કે ઘેટાંબકરાંનાં પ્રથમ જન્મેલા બચ્ચાં, પ્રભુ પ્રત્યે માનેલી માનતાનું અર્પણ તથા તમારાં સ્વૈચ્છિક અર્પણો કે તમારાં વિશિષ્ટ અર્પણો ખાઈ શકો નહિ. 18 તમારે, તમારાં પુત્રપુત્રીઓએ, તમારા નોકરચાકરો તથા તમારા નગરમાં વસતા લેવીએ આ અર્પણો તમારા ઈશ્વર પ્રભુ જે એક સ્થાન પસંદ કરે ત્યાં તેમના સાંનિધ્યમાં ખાવાં અને તમારાં કાર્યોમાં મળેલી સફળતા માટે પ્રભુ સમક્ષ આનંદોત્સવ કરવો. 19 તમે એ દેશમાં વાસ કરો ત્યાં સુધી લેવીઓનો ત્યાગ ન કરો તે માટે તમે પોતે સાવધ રહેજો. 20 “તમારા ઈશ્વર પ્રભુ તેમના વચન પ્રમાણે તમારી સીમા વિસ્તારે અને તમને માંસ ખાવાની ઇચ્છા થઈ આવી હોવાથી તમે કહો કે, ‘મારે માંસ ખાવું છે,’ ત્યારે તમને ધરાઈને માંસ ખાવાની છૂટ છે. 21 તમારા ઈશ્વર પ્રભુ પોતાના નામની સ્થાપના માટે જે સ્થાન પસંદ કરે તે તમારા રહેઠાણથી ઘણે દૂર હોય તો મેં અગાઉ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તમારે તમારા રહેઠાણમાં પ્રભુએ તમને આપેલા ઢોરઢાંક તથા ઘેટાંબકરાંમાંથી કાપીને સંતુષ્ટ થતાં સુધી માંસ ખાવું. 22 વિધિપૂર્વક શુધ હોય કે અશુધ હોય તેવો પ્રત્યેક જણ બધાં પ્રાણીનું, અરે, હરણ કે સાબરનું માંસ પણ ખાઈ શકે છે. 23 માત્ર એટલી કાળજી રાખજો કે માંસ સાથે લોહી ખાવામાં ન આવે. કારણ, લોહીમાં જીવન છે અને તમારે માંસ સાથે જીવ ખાવો નહિ. 24 તમારે લોહી ખાવું નહિ, પણ પાણીની જેમ તેને જમીન પર રેડી દેવું. 25 જો લોહી ન ખાઓ, તો એ આજ્ઞાપાલનથી પ્રભુ તમારા પર પ્રસન્ન રહેશે અને તમારું તથા તમારા વંશજોનું કલ્યાણ થશે. 26 પરંતુ તમારાં પવિત્ર અર્પણો અને તમારી માનતાઓ તો પ્રભુ જે સ્થાન પસંદ કરે ત્યાં જ લઈ જવાં. 27 ત્યાં તમારા ઈશ્વર પ્રભુની વેદી પર તમારે તમારાં દહનબલિ લોહી અને માંસ સહિત ચડાવવા; તમારાં બલિદાનોનું લોહી તમારા ઈશ્વર પ્રભુની વેદીએ રેડી દેવું, પણ તે માંસ તમારે ખાવું. 28 આ જે બધી આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તે ધ્યનથી સાંભળો; જેથી પ્રભુની દૃષ્ટિમાં સારું અને યથાર્થ વર્તન કર્યાથી તમારું અને તમારા વંશજોનું સદા સર્વદા કલ્યાણ થાય. મૂર્તિપૂજા વિષે ચેતવણી 29 “જે પ્રજાઓના પ્રદેશનો કબજો લેવા તમે જાઓ છો તેમને જ્યારે તમારા ઈશ્વર પ્રભુ તમારી આગળથી નાબૂદ કરે અને તમે તેમના દેશનું વતન પામીને ત્યાં વસવાટ કરો; 30 ત્યારે તમે તમારી આગળથી એ પ્રજાઓનો નાશ થઈ ગયા પછી તમે પોતે ફાંદામાં ફસાઇ જઈને, ‘એ લોકો તેમના દેવોની ભક્તિ કેવી રીતે કરતા હતા તે જાણી લેવા દે કે જેથી હું પણ એ પ્રમાણે કરું’ એવું કહીને તમે તપાસ ન કરો એ માટે સાવધ રહેજો. 31 તેઓ તેમનાં દેવદેવીઓની પૂજા કરે છે તે પ્રમાણે તમે તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ કરશો નહિ; કારણ, તેઓ તો તેમના દેવો માટે જે કાર્યો કરે છે તે પ્રભુની દૃષ્ટિમાં ઘૃણાસ્પદ અને તિરસ્કારપાત્ર છે. અરે, તેઓ તો તેમના દેવોની વેદીઓ પર પોતાનાં બાળકોનું અગ્નિમાં અર્પણ કરે છે! 32 હું તમને જે જે આજ્ઞાઓ આપું છું તે સર્વનું તમારે કાળજીપૂર્વક પાલન કરવું; તેમાં તમારે કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide