પુનર્નિયમ 11 - પવિત્ર બાઇબલ C.L.1 “એ માટે તમે તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખો અને તેમનાં ફરમાનો, હુકમો, આદેશો તથા આજ્ઞાઓનું હરહંમેશ પાલન કરો. 2 વળી, પ્રભુ તેમનાં કાર્યો દ્વારા તમને જે પાઠ શીખવવા માગતા હતા તે લક્ષમાં લો. કારણ, તમારા સંતાનોએ નહિ, પણ તમે પોતે બધું જોયું અને જાણ્યું છે. પ્રભુની મહત્તા તેમજ પોતાનો ભૂજ લંબાવીને પ્રચંડ બાહુબળથી તેમણે તમારો છુટકારો કર્યો તે તમે જોયાં છે. 3 ઇજિપ્તમાં ત્યાંના રાજા ફેરો અને તેના સમગ્ર દેશ વિરુધના તેમના ચમત્કારો અને અદભુત કાર્યો તમે જોયાં. 4 ઇજિપ્તના સૈન્યે તમારો પીછો કર્યો ત્યારે તેમના પર સૂફ સમુદ્રનાં પાણી ફેરવી વાળીને તેમની, તેમના ઘોડાઓની અને તેમના રથોની કેવી દુર્દશા કરી તે તમે જોયું. છેક આજ સુધી પ્રભુએ તેમનો સંહાર કર્યા કર્યો તે પણ તમે જોયું. 5 તમે અહીં આવી પહોંચ્યા ત્યાં સુધી તેમણે તમારે માટે રણપ્રદેશમાં કરેલાં સર્વ કાર્યો પણ તમે જોયાં. 6 એ ઉપરાંત રૂબેનકુળના એલિયાબના પુત્રો દાથાન અને અબિરામની તેમણે કેવી દુર્દશા કરી એટલે કે સર્વ ઇઝરાયલીઓના દેખતાં પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેમને, તેમના પરિવારોને, તેમના નોકરચાકરને અને ઢોરઢાંકને ગળી ગઈ એ પણ તમે જોયું.’ 7 પ્રભુનાં એ બધાં મહાન કાર્યો તમે નજરોનજર જોયાં છે. વચનના દેશમાંના આશીર્વાદો 8 “માટે જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તેમનું પાલન કરો કે જેથી યર્દનની સામે પાર જઈને તમે જે દેશ વારસા તરીકે મેળવવા માગો છો તેને કબજે કરવાનું તમને બળ પ્રાપ્ત થાય. 9 અને દૂધમધની રેલમછેલવાળા જે દેશ વિષે પ્રભુએ તમારા પૂર્વજો આગળ શપથ લીધા હતા કે પ્રભુ તે તેમને અને તેમના પછી તેમના વંશજોને આપશે તેમાં તમે લાંબો સમય વસો. 10 જે દેશમાં પ્રવેશીને તમે તેનો કબજો લેવાના છો તે દેશ તમે જ્યાંથી નીકળી આવ્યા તે ઇજિપ્ત દેશ જેવો નથી. ત્યાં તો તમે અનાજ વાવતા ત્યારે તમારા પગના પરિશ્રમથી શાકભાજીની વાડીની જેમ ખેતરોને પાણી પાતા. 11 પરંતુ જે દેશનો તમે કબજો લેવા જઈ રહ્યા છો, તે તો પહાડો અને ખીણોનો પ્રદેશ છે અને વરસાદના પાણીથી સિંચાય છે. 12 તમારા ઈશ્વર પ્રભુ તે દેશની કાળજી રાખે છે; અને આરંભથી અંત સુધી આખા વર્ષ પર્યંત તમારા ઈશ્વર તેની સતત દેખભાળ કરે છે. 13 “જુઓ, આજે હું તમને મારી જે આજ્ઞાઓ ફરમાવું છું તે ધ્યનથી સાંભળીને તમે તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખશો, અને તમારા સાચા દયથી અને પૂરા મનથી તેમની ભક્તિ કરશો તો, 14 પ્રભુ ઋતુ પ્રમાણે આગલો તથા પાછલો વરસાદ મોકલશે; જેથી તમે તમારાં ધાન્ય, દ્રાક્ષાસવ અને તેલનો સંગ્રહ કરી શકો. 15 તે તમારાં ઢોરઢાંક માટે ખેતરોમાં ઘાસ પણ ઉગાવશે. તમે ખાઈને તૃપ્તિ પામો, 16 ત્યારે સાવધ રહેજો કે તમારું મન લલચાઈ ન જાય અને તમે ભટકી જઈને અન્ય દેવદેવીઓની સેવાપૂજા કરવા ન લાગો. 17 નહિ તો પ્રભુનો કોપ તમારી વિરુધ ભભૂકી ઊઠશે. તે આકાશને બંધ કરી દેશે અને વરસાદ પડશે નહિ અને જમીનમાંથી કશું ઉપજશે નહિ અને જે ફળદ્રુપ દેશ પ્રભુ તમને આપવાના છે તેમાં તમારો જલદીથી નાશ થઈ જશે! 18 “માટે આ આજ્ઞાઓ તમારા દયપટ પર લખી રાખો અને તમે તેમને યાદગીરી તરીકે તમારાં હાથ પર બાંધો અને તમારા કપાળની વચ્ચે તેમને આભૂષણ તરીકે પહેરો. 19 તમારાં સંતાનોને તે ખંતથી શીખવો; તમે ઘરમાં બેઠા હો કે મુસાફરીએ હો; આરામ લેતા હો કે કામ કરતા હો, પણ તમે હંમેશા તેમનું રટણ કરો. 20 વળી, તમે તેમને તમારાં મકાનોની બારસાખો ઉપર તથા નગરના દરવાજાઓ ઉપર લખો. 21 જેથી જે દેશ તમારા પૂર્વજોને આપવા વિષે પ્રભુએ શપથ લીધા તેમાં તમે અને તમારાં સંતાનો આકાશ હયાત રહે ત્યાં સુધી પૃથ્વી પર દીર્ઘ સમય વાસ કરો. 22 “આ જે સર્વ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તેમનું તમે ખંતથી પાલન કરશો અને ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખશો, તેમના સર્વ માર્ગમાં ચાલશો અને તેમને દૃઢતાથી વળગી રહેશો; 23 તો તમે જેમ જેમ આગળ વધો તેમ તેમ પ્રભુ આ બધી પ્રજાઓને હાંકી કાઢશે અને તમારા કરતાં મોટી અને બળવાન પ્રજાઓની ભૂમિનો તમે કબજો લેશો. 24 તમે જ્યાં જ્યાં કૂચ કરશો તે બધી જમીન તમારી પોતાની થશે. દક્ષિણે રણપ્રદેશથી ઉત્તરે લબાનોન પર્વત સુધી અને પૂર્વમાં યુફ્રેટિસ નદીથી પશ્ર્વિમે ભૂમધ્ય સમુદ્ર સુધી તમારી સરહદ વિસ્તરશે. 25 તમારા ઈશ્વર પ્રભુ તેમના વચન પ્રમાણે સમગ્ર વિસ્તારમાં તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં ત્યાં તે લોકોમાં તમારો ભય અને ધાક બેસાડશે અને તમારી સામે કોઈ માણસ ટકી શકશે નહિ. 26 “જુઓ, હું આજે તમને આશિષ અને શાપ વચ્ચે પસંદગીની તક આપું છું. 27 તમારા ઈશ્વર પ્રભુની મેં ફરમાવેલી આજ્ઞાઓનું તમે પાલન કરશો તો તમે આશિષ પામશો. 28 પરંતુ તમે તમારા ઈશ્વર પ્રભુની મેં ફરમાવેલી આજ્ઞાઓ તોડીને જેમનો તમને અનુભવ નથી એવા દેવદેવીઓની પાછળ ભટકી જશો તો તમે શાપ પામશો. 29 “જે દેશનો કબજો લેવા તમે જાઓ છો તેમાં તમને તમારા ઈશ્વર પ્રભુ લઈ જાય ત્યારે તમે ગરીઝીમ પર્વત પરથી આશીર્વાદ ઉચ્ચારજો અને એબાલ પર્વત પરથી શાપ ઉચ્ચારજો. 30 (આ બે પર્વતો યર્દન નદીની પેલે પાર પશ્ર્વિમ તરફના રસ્તા તરફ, મોરેના પવિત્ર એલોન વૃક્ષોની નજીક ગિલ્ગાલની સામેના કનાનીઓના વસવાટના વિસ્તાર અરાબાના પ્રદેશમાં આવેલા છે.) 31 તમે યર્દન નદી પાર કરવાના છો અને જે દેશ તમારા ઈશ્વર પ્રભુ સોંપે છે તેનો કબજો લેવાના છો. જ્યારે તમે એ દેશનો કબજો લો અને ત્યાં વાસ કરો, 32 ત્યારે જે સર્વ આજ્ઞાઓ અને આદેશો હું આજે તમને આપું છું તેમનું ખંતથી પાલન કરજો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide