પુનર્નિયમ 10 - પવિત્ર બાઇબલ C.L.શિલાપાટીઓની નવપ્રાપ્તિ ( નિર્ગ. 34:1-10 ) 1 “તે સમયે પ્રભુએ મને કહ્યું, ‘તું પહેલાની જેવી બીજી બે શિલાપાટીઓ ઘડ અને તેમને લઈને મારી પાસે પર્વત પર આવ. તે પાટીઓ મૂકવા માટે લાકડાની એક કરારપેટી પણ બનાવ. 2 તેં ભાંગી નાખેલી પ્રથમ પાટીઓ પર જે લખાણ હતું તે હું આ નવી પાટીઓ પર લખીશ; પછી તું તેમને કરારપેટીમાં મૂકજે.’ 3 “તેથી મેં બાવળના લાકડાની એક પેટી બનાવી અને પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડી અને એ બે શિલાપાટીઓ મારા હાથમાં લઈ હું પર્વત પર ચડયો. 4 જે દશ આજ્ઞાઓ પ્રભુએ તમે એકત્ર થયા તે દિવસે પર્વત ઉપર અગ્નિ મધ્યેથી કહી હતી તે તેમણે પાટીઓ પર પહેલા લખાણ પ્રમાણે લખી અને પ્રભુએ તે પાટીઓ મને આપી. 5 પછી હું પર્વત પરથી પાછો ઊતર્યો, અને પ્રભુના ફરમાવ્યા પ્રમાણે તે પાટીઓ મેં બનાવેલી પેટીમાં મૂકી અને ત્યારથી તે તેમાં છે. 6 “ઇઝરાયલીઓ યાકાનીઓના કૂવાઓ પાસેથી નીકળીને મોસેરા આવી પહોંચ્યા. ત્યાં આરોન મૃત્યુ પામ્યો અને ત્યાં તેનું દફન થયું; અને તેની જગ્યાએ તેના પુત્ર એલાઝારે યજ્ઞકારપદની સેવા સંભાળી. 7 ત્યાંથી નીકળીને તેઓ ગુદગોદા તરફ ગયા, અને ગુદગોદાથી નીકળીને તેઓ યોટાબામાં ગયા; જ્યાં પાણીના ઘણાં ઝરણાં હતાં. 8 તે સમયે પ્રભુએ લેવીના વંશજોને પ્રભુના કરારની પેટી ઊંચકવા, પ્રભુની સમક્ષ યજ્ઞકારો તરીકે સેવા બજાવવા અને પ્રભુને નામે આશીર્વચન ઉચ્ચારવા નીમ્યા; અને આજે પણ તેઓ તેમની એ ફરજો બજાવે છે. 9 પોતાના જાતબધુંઓની સાથે લેવીના વંશજોને જમીનમાં કંઈ ભાગ કે વારસો મળ્યો નહિ; પણ, પ્રભુએ તેમને કહ્યું, ‘હું પોતે જ તમારા વારસાનો હિસ્સો છું.’ 10 “અને પહેલાંની જેમ હું ચાલીસ દિવસ અને ચાલીસ રાત પર્વત પર રોક્યો અને એ વખતે પણ પ્રભુએ મારી પ્રાર્થના સાંભળીને તમારો વિનાશ કર્યો નહિ. 11 પછી પ્રભુએ મને કહ્યું, ‘જા, લોકોની આગળ જા, જેથી જે દેશ આપવાના મેં તેમના પૂર્વજો આગળ શપથ લીધા હતા તેમાં પ્રવેશીને તેઓ તેનો કબજો લે.’ પ્રભુની અપેક્ષા 12-13 “હવે હે ઇઝરાયલીઓ, તમારા ઈશ્વર પ્રભુ તમારી પાસે શી અપેક્ષા રાખે છે? એ જ કે તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે ભક્તિભાવ દાખવો, સર્વ બાબતમાં તેમના ચીંધેલા માર્ગે ચાલો, તેમના પર પ્રેમ રાખો અને તમારા પૂરા દયથી અને પૂરા જીવથી તમારા ઈશ્વર પ્રભુની સેવા કરો, અને પ્રભુની જે આજ્ઞાઓ અને આદેશો તમારા હિતાર્થે હું આજે તમને ફરમાવું તેનું પાલન કરો. 14 જો કે આકાશ અને સર્વોચ્ચ આકાશ અને પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તમારા ઈશ્વર પ્રભુનાં છે, 15 તો પણ પ્રભુને તમારા પૂર્વજો સાથે પ્રેમની લગની લાગી, એટલે અન્ય બધી પ્રજાઓ કરતાં તેમણે તેમના વંશજો તરીકે તમને પસંદ કર્યા; અને એવું આજે પણ છે. 16 તેથી તમારાં હૃદયોની સુન્નત કરો અને તમારી હઠીલાઇ છોડી દો. 17 તમારા ઈશ્વર પ્રભુ દેવાધિદેવ અને પ્રભુઓના પ્રભુ, મહાન, પરાક્રમી અને ભયાવહ પરમેશ્વર છે. 18 તે કદી પક્ષપાત કરતા નથી કે લાંચ લેતા નથી; વળી, તે અનાથ અને વિધવાના હક્કની હિમાયત કરે છે અને પરદેશી પર પ્રેમ રાખીને તેમને અન્નવસ્ત્ર પૂરાં પાડે છે. 19 માટે તમે પણ પરદેશી પર પ્રેમ રાખજો; કારણ, તમે પણ ઇજિપ્તમાં પરદેશી હતા. 20 “તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે ભક્તિભાવ દાખવો અને માત્ર તેમની જ ભક્તિ કરો અને તેમને દૃઢતાથી વળગી રહો અને તેમને નામે જ શપથ લો. 21 તમે તેમની જ પ્રશંસા કરો; કારણ તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા દેખતાં તમારે માટે મહાન અને આશ્ર્વર્યકારક કાર્યો કર્યાં છે. 22 તમારા પૂર્વજો ઇજિપ્તમાં ગયા ત્યારે તેઓ માત્ર સિત્તેર જણ હતાં, પરંતુ તમારા ઈશ્વર પ્રભુએ તમને આકાશના તારા જેટલા અસંખ્ય બનાવ્યા છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide