Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલીઓ યર્દન નદીની પૂર્વે રણપ્રદેશમાં હતા ત્યારે મોશેએ તેમને સંબોધેલાં કથનો આ પુસ્તકમાં છે. તેઓ સૂફની સામેના યર્દનના ખીણપ્રદેશ અરાબામાં હતા. તેમની એક તરફ પારાન અને બીજી તરફ તોફેલ, લાબાન, હાસેરોથ તથા દીઝાહાબ નગરો હતાં.

2 (અદોમના પહાડી પ્રદેશને માર્ગે હોરેબ પર્વતથી કાદેશ-બાર્નિયા જતાં અગિયાર દિવસ લાગે છે).

3 પ્રભુએ ઇઝરાયલીઓને જે જે કહેવા મોશેને આજ્ઞા આપી હતી તે સર્વ મોશેએ તેમને ઇજિપ્તમાંથી નીકળ્યા પછી ચાલીસમા વર્ષના અગિયારમા મહિનાના પ્રથમ દિવસે કહી સંભળાવ્યું.

4 હેશ્બોન નગરમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોનનો અને આશ્તારોથ તથા એડ્રેઈ નગરોમાં રાજ કરનાર બાશાનના રાજા ઓગનો સંહાર કર્યા પછીનો એ બનાવ છે.

5 યર્દન નદીની પૂર્વે મોઆબના પ્રદેશમાં મોશેએ ઈશ્વરના નિયમો અને શિક્ષણ સમજાવવાની શરૂઆત કરી.

6 તેણે કહ્યું: “આપણા ઈશ્વર પ્રભુએ આપણને હોરેબ પર્વત પર કહ્યું હતું કે, ‘આ પર્વત પાસે તમે લાંબો સમય રહ્યા છો.

7 હવે અહીંથી છાવણી ઉપાડી આગેકૂચ કરો. અમોરીઓના પહાડી પ્રદેશમાં અને તેની નજીકના વિસ્તારો એટલે કે અરાબા, ઉચ્ચ પ્રદેશ, નીચાણનો પ્રદેશ, નેગેબ અને સમુદ્રકાંઠાના પ્રદેશમાં તથા કનાનીઓના પ્રદેશમાં તથા લબાનોનમાં અને છેક મહાનદી યુફ્રેટિસ સુધી જાઓ.

8 જુઓ, મેં એ બધો પ્રદેશ તમને સોંપી દીધો છે. માટે જાઓ અને મેં પ્રભુએ તમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ તથા તેમના વંશજોને જે પ્રદેશ આપવાના શપથ લીધા હતા તે કબજે કરી લો.”


ન્યાયાધીશોની નિમણૂક
( નિર્ગ. 18:13-27 )

9 તે સમયે મેં તમને કહ્યું હતું કે “હું એકલો તમારી જવાબદારી ઉપાડવાને શક્તિમાન નથી.

10 તમારા ઈશ્વર પ્રભુએ તમારી વંશવૃધિ કરી છે અને આજે તો તમે આકાશના તારાઓની જેમ અસંખ્ય થયા છો.

11 તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ તમને આપેલા વચન પ્રમાણે તમારી સંખ્યા હજારગણી વધારો અને તમને આશીર્વાદ આપો!

12 પણ તમારા દાવાઓ અને વિવાદોનો નિકાલ કરવાની જવાબદારી હું એકલો કેવી રીતે ઉપાડી શકું?

13 તેથી તમારા પ્રત્યેક કુળમાંથી શાણા, સમજુ અને પ્રતિષ્ઠિત પુરુષોને પસંદ કરો અને હું તેમની તમારા અધિકારીઓ તરીકે નિમણૂંક કરીશ.

14 ત્યારે તમે મને કહ્યું હતું કે, ‘તમે જે કરવા માગો છો તે યોગ્ય છે.’

15 તેથી તમારા કુળોમાંથી તમે પસંદ કરેલા શાણા અને પ્રતિષ્ઠિત પુરુષોને લઈને મેં તેમને તમારા અધિકારીઓ તરીકે નીમ્યા: કેટલાકને હજાર હજારના ઉપરી, કેટલાકને સો સોના ઉપરી, કેટલાકને પચાસ પચાસના ઉપરી, તો કેટલાકને દશ દશના ઉપરી ઠરાવ્યા. તમારાં કુળો માટે બીજા અધિકારીઓ પણ નીમ્યા.

16 તે સમયે મેં તમારા ન્યાયાધીશોને આ પ્રમાણે ફરમાવ્યું હતું: તમારા જાતભાઈઓમાં ઊભી થયેલી તકરારોના કેસ યાનપૂર્વક સાંભળો. દરેક તકરારનો અદ્દલ ન્યાય તોળો, પછી તમારા જાતભાઈઓની અંદરોઅંદરની બાબત હોય કે તમારી મધ્યે વસતા પરદેશી સાથેની બાબત હોય.

17 તમારા ચુકાદામાં પક્ષપાત દાખવશો નહિ; નાનામોટા સૌનું એક સરખી રીતે સાંભળો. કોઈની બીક રાખશો નહિ; કારણ, ચુકાદો ઈશ્વર તરફથી છે. જે કેસ તમને અઘરો લાગે તે મારી પાસે લાવવો અને હું તે સાંભળીશ.’

18 તમારે એ બધી બાબતો વિષે શું કરવું તે વિષે મેં તમને તે સમયે સૂચના આપી હતી.


કાદેશ-બાર્નિયાથી જાસૂસો મોકલાયા
( ગણ. 13:1-33 )

19 “આમ આપણા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે હોરેબ પર્વતથી અમોરીઓના પહાડીપ્રદેશ તરફ ઉપડયા અને જે વિશાળ અને ભયાનક રણપ્રદેશ તમે જોયો તે, પસાર કરીને આપણે કાદેશ-બાર્નિયા આવી પહોંચ્યા.

20 ત્યારે મેં તમને કહ્યું હતું કે આપણા ઈશ્વર પ્રભુ આપણને અમોરીઓનો જે પહાડી પ્રદેશ આપવાના છે ત્યાં તમે આવી પહોંચ્યા છો.

21 જુઓ, તમારા ઈશ્વર પ્રભુએ આ દેશ તમને સોંપ્યો છે માટે આગળ વધો અને તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુના કહ્યા પ્રમાણે તેને કબજે કરી લો. ગભરાશો નહિ કે નાહિંમત થશો નહિ.

22 “પણ તમે સૌએ મારી પાસે આવીને કહ્યું, ‘આપણે પ્રથમ માણસો મોકલીએ કે તેઓ જઈને આપણે માટે તે દેશની તપાસ કરે અને આપણે કયે માર્ગે આગળ જવું અને માર્ગમાં કયાં કયાં નગરો આવશે તે વિષે તેઓ પાછા આવીને આપણને માહિતી આપે.’

23 મને એ વાત યોગ્ય લાગી તેથી મેં દરેક કુળમાંથી એક એમ તમારામાંથી બાર માણસો પસંદ કર્યા.

24 તેઓ ચાલી નીકળ્યા અને પહાડીપ્રદેશમાં એશ્કોલના ખીણપ્રદેશ સુધી પહોંચ્યા અને તે દેશ વિષે માહિતી મેળવી.

25 તેઓ આપણી પાસે તે પ્રદેશનાં ફળ લેતા આવ્યા અને તેમણે આ પ્રમાણે અહેવાલ આપ્યો, ‘આપણા ઈશ્વર પ્રભુ આપણને જે દેશ આપે છે તે ફળદ્રુપ છે.’

26 “પરંતુ તમે ત્યાં જવાનો ઈનકાર કર્યો અને તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞા વિરુધ બંડ કર્યું.

27 તમે તમારા તંબૂઓમાં બડબડાટ કરતાં કહ્યું કે, ‘પ્રભુ આપણને ધિક્કારે છે અને એટલે જ અમોરીઓના કબજામાં સોંપી દઈ આપણો નાશ કરવા તે આપણને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છે.

28 આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આપણા જાતભાઈઓએ આપણને જણાવ્યું છે કે, “એ લોકો તો આપણા કરતાં કદાવર અને ઊંચા છે; તેમનાં નગરો વિશાળ અને ગગનચુંબી કોટવાળાં છે. વળી, ત્યાં અમે અનાકના વંશજો જોયા છે.” એમ કહીને તેમણે આપણને નાહિંમત કરી નાખ્યા.

29 “ત્યારે મેં તમને કહ્યું, “એ લોકોથી ગભરાશો નહિ કે ડરશો નહિ.

30 તમારા ઈશ્વર પ્રભુ તમારી મોખરે ચાલે છે અને તે તમારે માટે યુધ કરશે, અને તમારી સમક્ષ તેમણે ઇજિપ્તમાં અને રણપ્રદેશમાં જેવાં કાર્યો કર્યાં તેવાં કાર્યો તે કરશે.”

31 તમે જોયું છે કે તમે આ સ્થળે સહીસલામત આવી પહોંચ્યા ત્યાં સુધી માણસ પોતાના બાળકને ઊંચકી લે તેમ તમારા ઈશ્વર પ્રભુએ તમને તમારા પ્રવાસના આખે રસ્તે ઊંચકી લીધા.

32 આટલું બધું બન્યું છતાં તમે તમારા ઈશ્વર પ્રભુ પર વિશ્વાસ રાખ્યો નહિ.

33 જો કે પ્રભુ તો તમારે ક્યાં છાવણી નાખવી તે શોધવા અને તમારે કયે માર્ગે જવું તે બતાવવા રાત્રે અગ્નિરૂપે અને દિવસે મેઘરૂપે હંમેશા તમારી મોખરે ચાલતા હતા.


ઈશ્વર ઇઝરાયલીઓને સજા કરે છે
( ગણ. 14:20-45 )

34 “તમારો બડબડાટ સાંભળીને પ્રભુ અત્યંત રોષે ભરાયા અને તેમણે શપથ લીધા કે,

35 ‘જે સારી ભૂમિ તમારા પૂર્વજોને આપવાના મેં શપથ લીધા હતા તે આ કુટિલ પેઢીના લોકોમાંથી એક પણ જોવા પામશે નહિ.’

36 માત્ર યફુન્‍નેહનો પુત્ર કાલેબ તે જોશે; અને જે ભૂમિ પર તેના પગ પડયા છે તે ભૂમિ હું તેને તથા તેના વંશજોને આપીશ; તે મને પ્રભુને પૂરેપૂરો વફાદાર રહ્યો છે.

37 “વળી, તમારે લીધે પ્રભુએ મારા પર પણ રોષે ભરાઈને મને કહ્યું, ‘તું પણ તે દેશમાં પ્રવેશવા પામશે નહિ.

38 તારો સહાયક, નૂનનો પુત્ર યહોશુઆ તેમાં પ્રવેશ કરશે. તું તેને હિંમત આપ. કારણ, તે જ ઇઝરાયલીઓને એ દેશનો કબજો અપાવશે.’

39 તમારાં નાનાં બાળકો જેમના વિષે તમે કહેતા કે તેઓ શત્રુઓની લૂંટરૂપ થઈ પડશે તેઓ, અને તમારાં સંતાનો જેમને હજુ સારાનરસાનું ભાન નથી તેઓ તો તેમાં પ્રવેશ કરશે અને હું તેમને તે દેશ આપીશ અને તેઓ તેમનો કબજો મેળવશે.

40 પણ તમે બધા તો પાછા ફરો, અને સૂફ સમુદ્રની દિશામાં રણપ્રદેશમાં ચાલવા લાગો.

41 “ત્યારે તમે મને ઉત્તર આપ્યો, ‘અમે પ્રભુની વિરુધ પાપ કર્યું છે. હવે અમે ત્યાં ચડાઈ કરીને આપણા ઈશ્વર પ્રભુએ આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે યુધ કરીશું.” તેથી તમે સૌ પોતપોતાનાં શસ્ત્રો સજીને પહાડી પ્રદેશ પર હુમલો કરવા તૈયાર થઈ ગયા.

42 “પરંતુ પ્રભુએ મને કહ્યું, ‘તેમને કહે, કે ચડાઈ કરશો નહિ; કારણ, હું તમારી મધ્યે નથી.

43 તમે તમારા શત્રુઓથી પરાજય પામશો.’ મેં તમને એ પ્રમાણે જણાવ્યું પણ તમે મારું સાંભળ્યું નહિ. તમે પ્રભુની આજ્ઞાનો અનાદર કર્યો અને જીદપૂર્વક પહાડી પ્રદેશ પર ચડાઇ કરી.

44 ત્યારે તે પહાડી પ્રદેશમાં વસનાર અમોરી લોકો તમારી સામે લડવા નીકળી આવ્યા અને મધમાખીઓની જેમ તમારો પીછો કર્યો અને સેઈરના પહાડી પ્રદેશમાં આવેલા હોર્મા સુધી તમારો સંહાર કર્યો.

45 આથી પાછા આવીને તમે પ્રભુની સમક્ષ વિલાપ કર્યો; પણ પ્રભુએ તમારો પોકાર સાંભળ્યો નહિ કે તમને ગણકાર્યા નહિ.

46 આમ, તમારે કાદેશમાં ઘણા દિવસ રહેવું પડયું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan