Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

દાનિયેલ 9 - પવિત્ર બાઇબલ C.L.


દાનિયેલની પ્રાર્થના

1 અહાશ્વેરોશનો પુત્ર માદી દાર્યાવેશ બેબિલોન પર રાજ કરતો હતો.

2 તેના રાજ્યકાળના પ્રથમ વર્ષે હું ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરતો હતો અને પ્રભુએ યર્મિયા સંદેશવાહકને જણાવ્યું હતું તે પ્રમાણે યરુશાલેમ સિત્તેર વર્ષ સુધી ખંડિયેર હાલતમાં રહેશે એ વિષે વિચારતો હતો.

3 મેં ઉપવાસ સહિત તાટ પહેરીને અને રાખમાં બેસીને પ્રભુ ઈશ્વરને આગ્રહપૂર્વક વિનંતી કરી.

4 મેં પ્રભુ મારા ઈશ્વરને પ્રાર્થના કરી અને મારા લોકનાં પાપની કબૂલાત કરી. મેં કહ્યું, “હે પ્રભુ ઈશ્વર, તમે મહાન છો અને અમે તમારું સન્માન કરીએ છીએ. તમે તમારા કરાર વિષે વિશ્વાસુ છો અને તમારા પર પ્રેમ કરનાર અને તમારી આજ્ઞાઓનું પાલન કરનાર સૌ પર તમારો અખંડ પ્રેમ દર્શાવો છો.

5 “અમે તો પાપ કર્યું છે અને દુષ્ટતા આચરી છે. અમે ભૂંડાઈ કરી છે. અમે તમારી આજ્ઞાનો અનાદર કર્યો છે અને તમે દર્શાવેલા સત્યથી વિમુખ થયા છીએ.

6 અમારા રાજાઓ, શાસકો, પૂર્વજો અને સમગ્ર પ્રજાને તમારે નામે બોધ કરનાર તમારા સેવકો એટલે સંદેશવાહકોનું અમે સાંભળ્યું નથી.

7 હે પ્રભુ, તમે હમેશા સાચું જ કરો છો, પણ અમે હમેશા અમારી જાતને કલંક લગાડયું છે. યહૂદિયા અને યરુશાલેમમાં વસનારા તેમ જ તમારા પ્રત્યેના અવિશ્વાસુપણાને લીધે દૂરના કે નજીકના દેશોમાં વિખેરી નંખાયેલા સર્વ ઈઝરાયલીઓ વિષે એ સાચું છે.

8 હે પ્રભુ, અમારા રાજાઓ, શાસકો અને પૂર્વજોએ શરમજનક કૃત્યો કરીને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.

9 અમે તમારી વિરુદ્ધ બળવો પોકાર્યો હોવા છતાં તમે દયાળુ અને ક્ષમાશીલ છો.

10 હે પ્રભુ, અમારા ઈશ્વર, તમારા સેવકો સંદેશવાહકો મારફતે તમે આપેલા નિયમો પ્રમાણે અમારે જીવવું જોઈએ એવું જાણ્યા છતાં અમે તમારું સાંભળ્યું નથી.

11 સર્વ ઇઝરાયલીઓએ તમારા નિયમનો ભંગ કર્યો છે. અને તેઓ તમારા કહેવા પ્રમાણે વર્ત્યા નથી. અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું હોવાથી જ તમારા સેવક મોશેના નિયમશાસ્ત્રમાં લખેલા શાપ અમારા પર ઊતર્યા છે.

12 અમારા પર મોટી આફત લાવીને અમારી અને અમારા શાસકોની સામે તમે તમારી ઉચ્ચારેલી વાણી સાચી પાડી છે. પૃથ્વીનાં બધાં શહેરો કરતાં તમે યરુશાલેમને વધુ સખત સજા કરી છે.

13 મોશેના નિયમશાસ્ત્રમાં લખ્યા મુજબની જ શિક્ષા અમને થઈ છે. તેમ છતાં હે પ્રભુ, અમારા ઈશ્વર, અમે હજુ સુધી અમારાં પાપથી વિમુખ થઈને અને તમારા સત્યને અનુસરીને તમને પ્રસન્‍ન કર્યા નથી.

14 હે પ્રભુ, અમારા ઈશ્વર, તમે હમેશા ન્યાયથી વર્તો છો. અમે તમારું માન્યું નથી તેથી અમને સજા કરવાની તમે તૈયારી રાખી હતી અને યોગ્ય સમયે અમને સજા પણ કરી છે.

15 “હે પ્રભુ, અમારા ઈશ્વર, તમે ઇજિપ્તમાંથી તમારા લોકને છોડાવીને તમારું સામર્થ્ય પ્રગટ કર્યું હતું અને હજુ પણ અમે તેને યાદ કરીએ છીએ. અમે પાપ કર્યું છે અને દુષ્ટતા આચરી છે.

16 તમે ભૂતકાળમાં અમારું રક્ષણ કર્યું છે, એટલે હવે યરુશાલેમ પર તમારો ક્રોધ જારી રાખશો નહિ. તે તો તમારું શહેર, તમારો પવિત્ર પર્વત છે. અમારા પાપને લીધે અને અમારા પૂર્વજોની દુષ્ટતાને લીધે આસપાસના દેશોના લોકો યરુશાલેમ તથા તમારા લોકો તરફ તિરસ્કારપૂર્વક જુએ છે.

17 હે ઈશ્વર, મારી પ્રાર્થના અને મારી આજીજી સાંભળો. તમે જ ઈશ્વર છો એવું સૌ કોઈ જાણે માટે તમારા પાડી નંખાયેલા મંદિરનો પુનરોદ્ધાર કરો.

18 હે ઈશ્વર, અમારું સાંભળો. અમારા તરફ દષ્ટિ કરો અને અમારું દુ:ખ તેમજ તમારા નામથી ઓળખાતા શહેરની દુર્દશા જુઓ. અમારાં કોઈ સત્કર્મોને લીધે નહિ, પણ તમારી દયાને આધારે અમે તમને વિનંતી કરીએ છીએ.

19 હે પ્રભુ, અમારું સાંભળો, હે પ્રભુ, અમને ક્ષમા કરો. હે પ્રભુ, અમારી વિનંતી પર લક્ષ આપો અને તેને માન્ય કરો, વિલંબ કરશો નહિ, એટલા માટે કે સૌ કોઈ જાણે કે તમે ઈશ્વર છો અને આ શહેર તથા આ લોક તમારાં છે.”


ગાબ્રિયેલે સમજાવેલી ભવિષ્યવાણી

20 હું પ્રાર્થના કરતો હતો અને મારાં તથા મારા લોક ઇઝરાયલીઓનાં પાપ કબૂલ કરતો હતો. વળી, પ્રભુ મારા ઈશ્વરને તેમના પવિત્ર મંદિરના પુનરોદ્ધાર માટે વિનંતી કરતો હતો.

21 હું પ્રાર્થના કરતો હતો તેવામાં ગાબ્રિયેલ જેને મેં અગાઉના સંદર્શનમાં જોયો હતો, તે ઝડપથી ઊડીને મારી પાસે આવ્યો. એ તો સાંજનું અર્પણ ચડાવવાનો સમય હતો.

22 તેણે કહ્યું, “દાનિયેલ, હું તને ભવિષ્યવચન સમજાવવા માટે આવ્યો છું.

23 ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે. તું ઈશ્વરને પ્રિય હોવાથી હું તેનો જવાબ લઈને આવ્યો છું. હવે હું તને દર્શન સમજાવીશ; તું તે ધ્યનથી સાંભળ.

24 “તારા લોક તથા તારા પવિત્ર શહેરને પાપ અને દુષ્ટતાથી દૂર કરવાની ઈશ્વરની મુદ્દત સાતગણા સિત્તેર વર્ષની છે. પાપ માફ કરવામાં આવશે અને સાર્વકાલિક ન્યાય સ્થાપન કરાશે એટલે દર્શન અને ભવિષ્યકથન સાચાં પડશે અને પવિત્ર મંદિરની પુન:સ્થાપના કરાશે.

25 તેથી આની નોંધ કરી લે અને સમજ: યરુશાલેમને ફરીથી બાંધવાનો હુકમ થાય ત્યારથી ઈશ્વરનો અભિષિક્ત આગેવાન આવે ત્યાં સુધી સાતગણા સાત વર્ષ લાગશે. યરુશાલેમ તેના રસ્તાઓ અને મજબૂત કિલ્લાઓ સહિત ફરીથી બંધાશે અને તે સાતગણા બાસઠ વર્ષ સુધી તે ટકી રહેશે. પણ એ તો સંકટનો સમય હશે.

26 એ સમયને અંતે ઈશ્વરના અભિષિક્ત આગેવાનને અન્યાયથી મારી નાખવામાં આવશે. તે પછી એક પરાક્રમી રાજાના આક્રમક સૈન્યથી શહેરનો અને મંદિરનો નાશ થશે. રેલની જેમ અંત આવશે અને તે ઈશ્વરે નક્કી કર્યા મુજબ યુદ્ધ અને વિનાશ લાવશે.

27 એ રાજા ઘણા લોકો સાથે એક સપ્તાહ સુધી પાકો કરાર કરશે અને સપ્તાહની અધવચ્ચે બલિદાનો અને અર્પણો બંધ કરાવશે. મંદિરની ટોચે અત્યંત ધૃણાજનક વસ્તુ મૂકાશે અને તેને ત્યાં મૂકનારને માટે ઈશ્વરે નક્કી કરેલા અંત સુધી એ ધૃણાસ્પદ વસ્તુ ત્યાં રહેશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan