Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

દાનિયેલ 8 - પવિત્ર બાઇબલ C.L.


ઘેટા અને બકરાનું દર્શન

1 બેલ્શાસ્સારના અમલને ત્રીજે વર્ષે મને બીજું એક દર્શન થયું.

2 દર્શનમાં હું એકાએક એલામ પ્રાંતના સુસાના મહેલમાં આવી ગયેલો જણાયો. હું ઉલાય નદીને કિનારે ઊભો હતો.

3 ત્યાં નદીની પાસે મેં એક ઘેટો જોયો. તેને બે લાંબાં શિંગડાં હતાં. તેમાંનું એક શિંગડું વધુ લાંબું અને બીજાં કરતાં નવું લાગતું હતું.

4 મેં ઘેટાને પશ્ર્વિમ, ઉત્તર અને દક્ષિણ તરફ શિંગડાં મારતો જોયો. તેને કોઈ પ્રાણી રોકી શકાયું નહિ કે તેની તાક્તનો મુકાબલો કરી શકાયું નહિ. પોતાને ફાવે તેમ તે કરી શક્તો હતો અને તેથી તે ઘમંડી બની ગયો.

5 એનો શો અર્થ હશે તે વિષે હું વિમાસણમાં હતો તેવામાં પશ્ર્વિમમાંથી એક બકરો ખૂબ ઝડપથી ધસી આવ્યો. તેની ઝડપ એટલી હતી કે તેના પગ જમીનને સ્પર્શતા પણ નહોતા. તેની બે આંખો વચ્ચે એક વિશિષ્ટ શિંગડું હતું.

6 નદીની પાસે ઊભેલા પેલા ઘેટા પર તે જોસભેર ત્રાટકયો.

7 મેં તેને ઘેટા પર આક્રમણ કરતો જોયો. બકરો એટલો ગુસ્સે ભરાયેલો હતો કે તેણે ઘેટા પર પ્રહાર કરી તેનાં બન્‍ને શિંગડાં તોડી નાખ્યાં. ઘેટામાં તો સામનો કરવાની કંઈ તાક્ત નહોતી. બકરાએ ઘેટાને જમીન પર પછાડયો અને કચડી નાખ્યો અને ઘેટાને બચાવી શકે એવું કોઈ નહોતું.

8 બકરાનો ઘમંડ વધતો ગયો. પણ તેની ચરમ સત્તાના સમયમાં તેનું શિંગડું ભાગી ગયું, અને તેને સ્થાને ચાર દિશા તરફ ચાર વિશિષ્ટ શિંગડાં ફૂટી નીકળ્યાં.

9 ચારમાંના એક શિંગડામાંથી એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું. તેની સત્તા દક્ષિણ તરફ પૂર્વ તરફ અને વચનના દેશ તરફ વિસ્તાર પામી.

10 તે એટલું શક્તિશાળી બન્યું કે તેણે આકાશના તારાઓ, એટલે આકાશના સૈન્ય પર આક્રમણ કર્યું અને તેમાંના કેટલાકને જમીન પર પાડી નાખીને તેમને કચડી નાખ્યા.

11 તેણે આકાશના સૈન્યના અધિપતિનો પણ તિરસ્કાર કર્યો અને તેમને ચડાવતાં રોજિંદાં બલિદાન બંધ કરાવ્યાં અને મંદિરને ભ્રષ્ટ કર્યું.

12 દરરોજનાં નિયત અર્પણો ચડાવવાને બદલે લોકોએ તે જગાએ પાપાચાર કર્યો અને સતધર્મને જમીનદોસ્ત કરી દીધો. પોતાને ફાવે તેમ વર્તવામાં શિંગડું સફળ થયું.

13 ત્યારે મેં એક દૂતને બીજા દૂતને પૂછતાં સાંભળ્યો, “દર્શનમાં જે જે જોયું તે ક્યાં સુધી ચાલુ રહેશે? દરરોજનાં બલિદાનોને બદલે પાપાચાર ક્યાં સુધી ચાલશે? અને આકાશી સૈન્ય અને મંદિરને પગ તળે છૂંદવાનું ક્યાં સુધી ચાલશે?”

14 બીજા દૂતને મેં જવાબ આપતાં સાંભળ્યો, “ત્રેવીસો સવાર અને સાંજ સુધી એ પ્રમાણે ચાલશે. તે પછી મંદિરનું પુન:સ્થાપન થશે.”


ગાબ્રિયેલ દૂતે સમજાવેલો દર્શનનો અર્થ

15 હું એ દર્શન સમજવાની કોશિષ કરતો હતો એવામાં એકાએક કોઈ મારી સામે આવી ઊભું રહ્યું.

16 મેં ઉલાય નદી તરફથી એક વાણી પોકારતી સાંભળી. “હે ગાબ્રિયેલ, દાનિયેલે જે જોયું છે તેનો તેને અર્થ સમજાવ.”

17 તેથી ગાબ્રિયેલ મારી પાસે આવીને ઊભો રહ્યો. હું એટલો ગભરાઈ ગયો કે જમીન પર પટકાઈ પડયો. તેણે મને કહ્યું, “હે મર્ત્ય માનવ, તેનો અર્થ સમજી લે. દર્શન તો દુનિયાના અંતના સમયનું છે.”

18 તે વાત કરી રહ્યો હતો તેવામાં હું બેભાન બની જમીન પર ઢળી પડયો. પણ તેણે મને પકડીને મારા પગ પર ઊભો કર્યો.

19 તેણે કહ્યું, “ઈશ્વરના કોપનું કેવું પરિણામ આવશે તે હું તને બતાવું છું. દર્શન તો અંતના સમયનું છે.

20 “તેં જોયેલો બે શિંગડાંવાળો ઘેટો તો માદી અને ઇરાનીઓનું રાજ્ય દર્શાવે છે.

21 બકરો ગ્રીસનું રાજ્ય દર્શાવે છે. તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું તે તેનો પ્રથમ રાજા છે.

22 એ શિંગડું ભાંગી ગયા પછી જે ચાર શિંગડાં ફૂટી નીકળ્યાં તે તો એક રાજ્યમાંથી ઊભાં થનાર ચાર રાજ્યો દર્શાવે છે. આ ચાર રાજ્યો પેલા પ્રથમના રાજ્ય જેટલાં ક્યારેય બળવાન થશે નહિ.

23 “એ ચાર રાજ્યોના અંતના સમયે અને જ્યારે તેમની દુષ્ટતાને લીધે તેમને શિક્ષા થશે ત્યારે ગર્વિષ્ઠ, ડરામણો અને કપટી રાજા ઊભો થશે.

24 તે ખૂબ જ બળવાન થશે, પણ તે પોતાની સત્તાથી નહિ. તે ભયંકર વિનાશ કરશે અને પોતાની ઇચ્છા પ્રમાણે વર્તીને સફળ થશે. તે સામર્થ્યવાન લોકો તેમ જ ઈશ્વરના લોકોનો વિનાશ કરશે.

25 ચાલાક હોવાથી તે છળકપટમાં સફળ થશે. પોતે ગર્વિષ્ઠ હોવાથી અગાઉથી ચેતવણી આપ્યા વિના જ ઘણાને મારી નાખશે. વળી, તે સૌથી મહાનમાં મહાન રાજાનો પણ તિરસ્કાર કરશે, પણ માનવ તાક્તના ઉપયોગ વિના તેનો નાશ કરવામાં આવશે.

26 સાંજ અને સવારનાં અર્પણો વિષેનું આ દર્શન તને સમજાવ્યા પ્રમાણે સાચું પડશે. પણ હમણાં તેને ગુપ્ત રાખ, કારણ, તે દર્શન ઘણા લાંબા સમય પછી પૂર્ણ થવાનું છે.”

27 હું હતાશ થઈ ગયો અને ઘણા દિવસો સુધી બીમાર રહ્યો. તે પછી હું ઊઠીને રાજાએ સોંપેલું કામ કરવા લાગ્યો, પણ દર્શનથી હું વિમાસણમાં પડી ગયો હતો અને હું તેને સમજી શકયો નહિ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan