દાનિયેલ 7 - પવિત્ર બાઇબલ C.L.દાનિયેલનાં દર્શનો ( 7:1—12:13 ) ચાર પ્રાણીઓનું દર્શન 1 બેબિલોનના રાજા બેલ્શાસ્સારના અમલના પ્રથમ વર્ષે મને સ્વપ્ન આવ્યું અને તે રાત્રે મને દર્શન થયું. 2 મેં તે સ્વપ્ન લખી લીધું અને તે રાત્રે મેં જે જોયું તેનો સાર આ પ્રમાણે છે: ચારે દિશામાંથી સમુદ્ર પર જોરદાર પવનો ફૂંક્તા હતા. 3 એકબીજાથી જુદાં એવાં ચાર મોટાં પ્રાણીઓ સમુદ્રમાંથી નીકળી આવ્યાં. 4 પહેલું પ્રાણી સિંહના જેવું હતું, પણ તેને ગરુડના જેવી પાંખો હતી. હું જોતો હતો એવામાં તેની પાંખો ખેંચી કાઢવામાં આવી. એ પ્રાણીને ઊંચકીને તેને માણસની માફક ઊભું રાખવામાં આવ્યું. તે પછી તેને માનવી મન આપવામાં આવ્યું. 5 બીજું પ્રાણી પંજા પર ઊભા રહેલા રીંછના જેવું હતું. તેના મોંમાં, દાંતની વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. તેને કહેવામાં આવ્યું, ‘ઊઠ, તારાથી ખવાય એટલું માંસ ખા!’ 6 હું એ જોઈ રહ્યો હતો એવામાં ત્રીજું પ્રાણી દેખાયું. તે ચિત્તાના જેવું દેખાતું હતું, પણ તેની પીઠ પર પક્ષીની પાંખો જેવી ચાર પાંખો હતી. વળી, તેને ચાર માથાં હતાં. તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો. 7 હું જોતો હતો એવામાં ચોથું પ્રાણી દેખાયું. તે શક્તિશાળી, ખતરનાક અને ભયાનક હતું. પોતાના મોટા લોખંડી દાંતથી તે શિકારને ફાડી ખાતું અને પછી પગ તળે તેને છૂંદી નાખતું હતું. પેલાં અન્ય પ્રાણીઓથી એ જુદા પ્રકારનું હતું, કારણ, તેને દસ શિંગડાં હતાં. 8 હું શિંગડાં સામે તાકી રહ્યો હતો એવામાં તેઓ મધ્યે એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું. તેણે અગાઉનાં શિંગડાંમાંથી ત્રણને ઉખેડી નાખ્યાં. એ નાના શિંગડાને માનવી આંખો હતી અને ગર્વિષ્ઠ વાતો કરનાર મુખ હતું. પુરાતન પરમેશ્વરનું દર્શન 9 હું જોતો હતો એવામાં રાજ્યાસનો ગોઠવવામાં આવ્યાં. તેમાંના એક રાજ્યાસન પર જે પુરાતન છે તે બિરાજમાન થયા. તેમનાં વસ્ત્રો બરફના જેવાં શ્વેત હતાં અને તેમના વાળ ઊન જેવા સફેદ હતા. સળગતાં ચક્રો પર ગોઠવાયેલું તેમનું રાજ્યાસન અગ્નિથી સળગતું હતું. 10 તેમાંથી અગ્નિની જવાળાઓ નીકળતી હતી. હજારો લોકો તેમની સેવામાં હતા અને લાખો લોકો તેમની સમક્ષ ઊભેલા હતા. ન્યાયસભા શરૂ થઈ અને પુસ્તકો ખોલવામાં આવ્યાં. 11 હું જોતો હતો ત્યારે પણ પેલું નાનું શિંગડું હજુ બડાઈ હાંકતું હતું. હું જોયા કરતો હતો એવામાં ચોથા પ્રાણીને મારી નાખવામાં આવ્યું અને તેના શબને અગ્નિમાં બાળી નાખવામાં આવ્યું. 12 બીજાં પ્રાણીઓની સત્તા પણ લઈ લેવામાં આવી પણ તેમને ઠરાવેલી મુદ્દત સુધી જીવતાં રહેવા દેવામાં આવ્યાં. 13 રાત્રિના આ દર્શનમાં મેં માનવપુત્ર જેવા એકને મારી તરફ આવતો જોયો. તે વાદળોથી ઘેરાયેલો હતો. તેને જે પુરાતન છે તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો. 14 તેને સત્તા, માન અને અધિકાર આપવામાં આવ્યાં, જેથી સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાઓના લોક તેની સેવા કરે. તેની સત્તા સર્વકાળ ટકશે અને તેના રાજ્યનો કદી અંત આવશે નહિ. દર્શનનો અર્થ 15 દર્શનને લીધે હું ખૂબ વ્યગ્ર અને ભયભીત થઈ ગયો. 16 મેં ત્યાં ઊભા રહેલાઓમાંના એકની પાસે જઈને મને આ બધાનો અર્થ સમજાવવા કહ્યું. એટલે તેણે મને અર્થ જણાવ્યો. 17 તેણે કહ્યું, “આ ચાર મોટાં પ્રાણી તો પૃથ્વી પર સ્થપાનારાં ચાર સામ્રાજ્યો છે. 18 પણ સર્વોચ્ચ ઈશ્વરના લોકો રાજ્યાધિકાર મેળવશે અને તે રાજ્ય સર્વકાળ ટકી રહેશે. 19 તે પછી મારે ચોથા પ્રાણી વિષે વધારે જાણવું હતું. કેમકે એ તો બધાં પ્રાણીઓમાં ભયંકર હતું. પોતાના મોટા લોખંડી દાંતથી અને તાંબા જેવા પંજાથી તે શિકારને ફાડી નાખતું અને પછી તેને પગ તળે છૂંદી નાખતું. 20 બીજાં પ્રાણીઓ કરતાં તે જુદું જ હતું. તેના માથા પર દસ શિંગડાં હતાં. તેઓ મધ્યે એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું. તેણે અગાઉનાં શિંગડાંમાંથી ત્રણ ઉખેડી નાખ્યાં. એને માનવીના જેવી આંખો હતી અને બડાઈ હાંકનાર મોં હતું. મારે એમને વિષે પણ જાણવું હતું. 21 હું જોતો હતો ત્યારે એ નાના શિંગડાંએ ઈશ્વરના લોકોની સામે યુદ્ધ કર્યું અને તેમના પર જીત મેળવી. 22 તે પછી જે પુરાતન છે તેમણે આવીને સર્વોચ્ચ ઈશ્વરના લોકોની તરફેણમાં ચુકાદો આપ્યો. ઈશ્વરના લોકો માટે રાજ્યાધિકાર મેળવવાનો સમય આવી પહોંચ્યો હતો. 23 મને આપવામાં આવેલો ખુલાસો આ પ્રમાણે છે: ચોથું પ્રાણી તો પૃથ્વી પર ઊભું થનાર ચોથું સામ્રાજ્ય છે. તે બધાં રાજ્યો કરતાં જુદું થશે, અને સમગ્ર પૃથ્વીને કચડશે અને તેને છૂંદી નાખશે. 24 દસ શિંગડાં તે રાજ્યમાંથી ઊભા થનારા દસ રાજાઓ છે. તે પછી બીજો એક રાજા આવશે. તે અગાઉના બધા રાજાઓ કરતાં જુદો થશે અને તે ત્રણ રાજાઓને પદભ્રષ્ટ કરશે. 25 તે સર્વોચ્ચ ઈશ્વરની વિરુદ્ધ બોલશે અને ઈશ્વરના લોકો પર જુલમ ગુજારશે. તે તેમના ધાર્મિક નિયમો અને પર્વોને બદલી નાખવાનો પ્રયાસ કરશે અને સાડા ત્રણ વર્ષ સુધી ઈશ્વરના લોકો તેની સત્તા નીચે રહેશે. 26 ત્યાર પછી સ્વર્ગીય અદાલત ભરાશે, જે તેનું રાજ્ય લઈ લેશે અને તેનો સંપૂર્ણ નાશ કરશે. 27 પૃથ્વીનાં બધાં રાજ્યોની સત્તા અને મહત્તા સર્વોચ્ચ ઈશ્વરના લોકોને આપવામાં આવશે. તેમનો રાજ્યાધિકાર કાયમ રહેશે અને પૃથ્વીનાં બધાં રાજ્યો તેમને તાબે રહીને તેમની સેવા કરશે.” 28 એ જ સંદર્શનની આખર છે. હું દાનિયેલ મારા મનમાં ઘણો જ ગભરાઈ ગયો તથા ઉદાસ થઈ ગયો, પણ આ બધી વાતો મેં મનમાં રાખી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide