દાનિયેલ 6 - પવિત્ર બાઇબલ C.L.દાનિયેલ સિંહોની ગુફામાં 1 દાર્યાવેશે સમગ્ર સામ્રાજ્ય ઉપર એક્સો વીસ રાજ્યપાલો નીમવાનું નક્કી કર્યું. 2 એમના પર તેણે ત્રણ પ્રમુખ અધિકારીઓ રાખ્યા, જેથી રાજાને કંઈ નુક્સાન થાય નહિ. 3 રાજ્યપાલો અને પોતાના બે સાથી અધિકારીઓ કરતાં દાનિયેલનું કાર્ય વિશેષ સારું હતું. તે સૌથી વિશેષ કાબેલ હોવાથી રાજા તેને સમસ્ત સામ્રાજ્યનો અધિકારી બનાવવા વિચારતો હતો. 4 તેથી બીજા સાથી અધિકારીઓ અને રાજ્યપાલો દાનિયેલના રાજ્યવહીવટમાં કોઈક ભૂલ શોધવાનો પ્રયાસ કરતા હતા, પણ તેઓ શોધી શક્યા નહિ. કારણ, દાનિયેલ વિશ્વાસુ હતો અને કંઈ ખોટું કે બિનપ્રામાણિક કામ કરતો નહિ. 5 તેમણે એક બીજાને કહ્યું, “દાનિયેલ પર તેના ધર્મ સિવાયની બીજી કોઈ બાબતમાં આપણે દોષ મૂકી શકીએ તેમ નથી.” 6 તેથી તેઓ તરત જ રાજા પાસે ગયા અને તેને કહ્યું, “હે દાર્યાવેશ રાજા, આપ અમર રહો! 7 આપના રાજયના અમે વહીવટદારોએ એટલે મુખ્ય અધિકારીઓ, રાજ્યપાલો નાયબરાજ્યપાલો અને અન્ય સર્વ અધિકારીઓએ નક્કી કર્યું છે કે આપ એક ફરમાન બહાર પાડો, અને તેનું કડક રીતે પાલન કરાવો. આપ એવો વટહુકમ બહાર પાડો કે ત્રીસ દિવસ સુધી કોઈપણ વ્યક્તિ આપના સિવાય કોઈ દેવ કે માણસને અરજ ગુજારી શકે નહિ. એ હુકમનો જે કોઈ ભંગ કરે તેને સિંહોની ગુફામાં નાખી દેવામાં આવે. 8 તેથી હે રાજા, આપ એ ફરમાન બહાર પાડો અને તેના પર સહી કરો, એટલે એ અમલમાં આવશે. વળી, તે બદલી શકાય નહિ એવો માદી અને ઇરાનીઓનો કાયદો બની રહેશે.” 9 તેથી દાર્યાવેશ રાજાએ એ ફરમાન પર સહી કરી. 10 ફરમાન પર રાજાની સહી થઈ ગઈ છે એની જાણ થતાં દાનિયેલ ઘેર ગયો. તેના ઘરના ઉપલા માળે ઓરડાની બારીઓ યરુશાલેમ તરફ ખુલતી હતી. તે પહેલાં નિયમિત રીતે કરતો હતો તેમ ખુલ્લી બારીઓ આગળ ધૂંટણિયે પડીને તેણે ત્રણવાર ઈશ્વરને પ્રાર્થના કરી. 11 દાનિયેલના દુશ્મનોએ તેને ઈશ્વરને પ્રાર્થના કરતાં જોયો. 12 એટલે તેઓ સૌ સાથે મળીને દાનિયેલ પર દોષ મૂકવા રાજા પાસે તરત જ પહોંચી ગયા. તેમણે કહ્યું, “હે રાજા, ત્રીસ દિવસ સુધી કોઈપણ વ્યક્તિ આપના સિવાય કોઈ દેવ કે માણસને અરજ ગુજારી શકે નહિ, અને જે કોઈ એ ફરમાનનો ભંગ કરે તેને સિંહોની ગુફામાં નાખી દેવામાં આવે એવા ફરમાન પર આપે સહી કરી નહોતી?” રાજાએ જવાબ આપ્યો, “હા, એ સાચું છે અને માદીઓ અને ઇરાનીઓના ક્યદોઓ બદલી શક્તા નથી.” 13 ત્યારે તેમણે રાજાને કહ્યું, “યહૂદિયામાંથી લાવવામાં આવેલ કેદીઓમાંનો દાનિયેલ આપને માન આપતો નથી અને આપના ફરમાનને આધીન થતો નથી. તે દિવસમાં ત્રણવાર નિયમિત રીતે તેના ઈશ્વરની પ્રાર્થના કરે છે.” 14 એ સાંભળીને રાજા ઉદાસ થઈ ગયો. તેણે સૂર્યાસ્ત સુધી દાનિયેલને બચાવવાનો ઉપાય શોધવા પ્રયાસ કર્યો. 15 પણ પેલા માણસોએ આવીને રાજાને કહ્યું, “હે રાજા, આપ જાણો છો કે માદીઓ અને ઇરાનીઓના કાયદા પ્રમાણે રાજાએ બહાર પાડેલું કોઈ ફરમાન બદલી શક્તું નથી.” 16 તેથી રાજાએ હુકમ કર્યો એટલે તેમણે દાનિયેલને લાવીને સિંહોની ગુફામાં નાખ્યો. તે વખતે રાજાએ દાનિયેલને કહ્યું, “તારા ઈશ્વર, જેમની તું વફાદારીપૂર્વક સેવા કરે છે તે તને બચાવો!” 17 ગુફાના પ્રવેશદ્વાર પર એક મોટો પથ્થર મૂકવામાં આવ્યો અને પથ્થર પર રાજાએ પોતાની શાહી મુદ્રા તેમજ તેમના અધિકારીઓએ પણ પોતાની મુદ્રા મારી, એ માટે કે દાનિયેલને કોઈ બચાવી શકે નહિ. 18 પછી રાજા મહેલમાં પાછો ફર્યો. તેણે ન તો કંઈ ભોજન લીધું કે ન કોઈ મનોરંજનમાં ભાગ લીધો, પણ આખી રાત ઊંઘ વિના વિતાવી. 19 વહેલી સવારે ઊઠીને રાજા ઉતાવળે સિંહોની ગુફાએ પહોંચી ગયો. 20 ત્યાં જઈને ખૂબ ચિંતાપૂર્વક તેણે હાંક મારી, “હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, જેમની તું વફાદારીપૂર્વક સેવા કરે છે તે ઈશ્વર શું તને બચાવી શક્યા છે?” 21 દાનિયેલે જવાબ આપ્યો, “હે રાજા, અમર રહો! 22 સિંહો મને કંઈ ઈજા પહોંચાડે નહિ તે માટે ઈશ્વરે પોતાના દૂતને મોકલીને તેમનાં મોં બંધ કર્યાં છે, કારણ, હું તેમની દષ્ટિમાં નિર્દોષ હતો. વળી, હે રાજા, મેં આપનો પણ કંઈ ગુનો કર્યો નથી.” 23 રાજાને ખૂબ આનંદ થયો અને તેણે દાનિયેલને ગુફામાંથી બહાર ખેંચી કાઢવા હુકમ કર્યો. તેમણે તેને બહાર કાઢયો અને જોયું તો તેને કંઈ ઇજા થઈ નહોતી, કારણ, તેણે ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો. 24 પછી રાજાએ દાનિયેલ પર આરોપ મૂકનાર સૌની ધરપકડ કરવાનો હુકમ કર્યો અને તેમને તેમની પત્નીઓ અને બાળકો સહિત સિંહોની ગુફામાં નંખાવ્યાં. તેઓ ગુફાના તળિયે પહોંચે તે પહેલાં જ સિંહોએ તરાપ મારીને તેમના હાડકાંના ચૂરેચૂરા કરી નાખ્યા. 25 પછી દાર્યાવેશ રાજાએ પૃથ્વીનાં બધાં રાષ્ટ્રો, પ્રજા અને ભાષાના લોકો પર આ પ્રમાણે હુકમ લખી મોકલ્યો: 26 “સૌને શુભેચ્છા! મારા સમસ્ત સામ્રાજ્યમાં સૌ દાનિયેલના ઈશ્વરની બીક રાખે અને તેમનું સન્માન કરે એવી મારી આજ્ઞા છે. ‘તે જીવંત ઈશ્વર છે, અને તે સદાસર્વદા રાજ કરનાર છે. તેમનું રાજ્ય અવિનાશી છે. અને તેમનો રાજ્યાધિકાર અનંત છે. 27 તે બચાવે છે અને તે જ છોડાવે છે. આકાશ અને પૃથ્વી પર તે અદ્ભુત કાર્યો અને ચમત્કાર કરે છે. તેમણે દાનિયેલને સિંહોનો ભક્ષ થતાં બચાવ્યો છે.” 28 દાર્યાવેશ અને ઇરાની કોરેશના અમલ દરમ્યાન દાનિયેલ આબાદ થયો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide