દાનિયેલ 5 - પવિત્ર બાઇબલ C.L.બેલ્શાસ્સારનો ભોજનસમારંભ 1 એક રાત્રે બેલ્શાસ્સાર રાજાએ પોતાના હજાર ઉમરાવોને ભોજન સમારંભમાં આમંત્રણ આપ્યું, અને તેમણે સાથે મળીને દ્રાક્ષાસવ પીધો. 2 તેઓ દ્રાક્ષાસવ પી રહ્યા હતા ત્યારે બેલ્શાસ્સારે તેના પિતા નબૂખાદનેસ્સારે યરુશાલેમના મંદિરમાંથી લૂંટી લાવેલા સોનારૂપાના પ્યાલા અને વાટકાઓ લઈ આવવા આજ્ઞા કરી. રાજા પોતે, તેના ઉમરાવો, તેની પત્નીઓ અને ઉપપત્નીઓ તેમાં દ્રાક્ષાસવ પીએ માટે તે મંગાવ્યા. 3 સોનાના પ્યાલા અને વાટકાઓ તરત જ લાવવામાં આવ્યા અને તેમણે તેમાં દ્રાક્ષાસવ પીધો. 4 વળી, તે પછી તેમણે સોનું, ચાંદી, તાંબું, લોખંડ, લાકડું અને પથ્થરમાંથી ઘડેલા દેવદેવીઓની સ્તુતિ કરી. 5 એકાએક માણસના હાથનો પંજો દેખાયો અને તેણે દીપવૃક્ષની પાસેની રાજમહેલની દીવાલ પર જવલંત પ્રકાશમાં લખવા માંડયું. રાજાએ લેખ લખતા હાથનો પંજો જોયો. 6 રાજાનો ચહેરો ઉદાસ થઈ ગયો. અને તે એટલો ગભરાયો કે તેના ધૂંટણો ધ્રૂજવા લાગ્યા. 7 તેણે બૂમ પાડી કે જાદુગરો, વિદ્વાનો અને જ્યોતિષોને અંદર બોલાવો. તેઓ અંદર આવ્યા એટલે રાજાએ તેમને કહ્યું, “જે કોઈ આ લેખ વાંચશે અને મને તેનો અર્થ કહેશે તેને હું જાંબુઆ વસ્ત્ર અને ગળામાં સોનાનો હાર પહેરાવીશ અને તે રાજ્યમાં ત્રીજું સ્થાન ભોગવશે.” 8 રાજ્યના જ્ઞાનીઓ આગળ આવ્યા પણ તેમાંનો કોઈ ન તો લેખ વાંચી શકયો કે ન તો રાજાને તેનો અર્થ કહી શકયો. 9 ત્યારે બેલ્શાસ્સાર રાજા ખૂબ ગભરાયો અને વધારે ઉદાસ થઈ ગયો, અને તેના ઉમરાવોને શું કરવું તેની સમજ પડી નહિ. 10 રાજા અને તેના ઉમરાવોનો કોલાહલ સાંભળીને રાજમાતા ભોજનખંડમાં આવી પહોંચી. તેણે કહ્યું, “હે રાજા, અમર રહો! વિહ્વળ કે ઉદાસ બનશો નહિ. 11 તમારા રાજ્યમાં એક વ્યક્તિ છે જેનામાં પવિત્ર દેવનો આત્મા વસે છે. તમારા પિતાના અમલ દરમ્યાન તેનામાં બુદ્ધિ, સમજશક્તિ અને દૈવી જ્ઞાન માલૂમ પડયાં હતાં. તમારા પિતા નબૂખાદનેસ્સાર રાજાએ તેને ભવિષ્યવેત્તાઓ, જાદુગરો, વિદ્વાનો અને જ્યોતિષોમાં મુખ્ય બનાવ્યો હતો. 12 તેનામાં અસાધારણ આવડત છે અને સ્વપ્નોનું અર્થઘટન કરવામાં, કોયડાઓ ઉકેલવામાં અને રહસ્યોનો ખુલાસો કરવામાં તે જ્ઞાની અને પારંગત છે. તેથી એ માણસ દાનિયેલ, જેનું રાજાએ બેલ્ટશાસ્સાર એવું નામ પાડયું હતું, તેને બોલાવડાવો અને તે તમને આ બધાનો ખુલાસો કરશે. દાનિયેલે કરેલો લેખનો ખુલાસો 13 તરત જ દાનિયેલને રાજાની સમક્ષ લાવવામાં આવ્યો. રાજાએ તેને પૂછયું, “મારા પિતા યહૂદિયામાંથી જે કેદીઓને પકડી લાવ્યા હતા તેમાંનો દાનિયેલ તે તું છે? 14 મેં સાંભળ્યું છે કે તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા વસે છે અને તારામાં આવડત, જ્ઞાન અને બુદ્ધિશક્તિ છે. 15 મેં વિદ્વાનો અને જાદુગરોને લેખ વાંચી તેનો અર્થ જણાવવા બોલાવ્યા હતા, પણ તેઓ મને તેનો અર્થ બતાવી શક્યા નથી. 16 મેં સાંભળ્યું છે કે તું રહસ્યોનો ખુલાસો કરી શકે છે. તેથી જો તું આ લેખ વાંચીને મને તેનો અર્થ જણાવીશ તો તને જાંબુઆ વસ્ત્ર અને ગળામાં સોનાનો હાર પહેરાવવામાં આવશે અને રાજ્યમાં તને ત્રીજું સ્થાન અપાશે.” 17 દાનિયેલે જવાબ આપ્યો, “આપની બક્ષિસો આપની પાસે જ રહેવા દો અથવા તે કોઈ બીજાને આપો. તેમ છતાં હે રાજા, હું લેખ વાંચીને તમને તેનો અર્થ જણાવીશ. 18 સર્વોચ્ચ ઈશ્વરે આપના પિતા નબૂખાદનેસ્સારને રાજ્ય, મહત્તા, મહિમા તથા પ્રતાપ આપ્યાં હતાં. 19 તેમની મહત્તા એવી હતી કે સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાઓ બોલનાર લોકો તેમનાથી ગભરાતા અને કાંપતા. તે ચાહે તેને મારતા અને ચાહે તેને જીવાડતા. ચાહે તેને માન આપતા અને ચાહે તેનું અપમાન કરતા. 20 પણ તે ગર્વિષ્ઠ, જિદ્દી અને ક્રૂર બન્યા એટલે તેમને રાજગાદી પરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા અને તેમણે પોતાનું સન્માનનીય સ્થાન ગુમાવ્યું. 21 તેમને માનવસમાજમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેમનું દિલ પશુના દિલ જેવું થઈ ગયું. તે વન્ય ગધેડાઓ મધ્યે વસ્યા અને તેમણે બળદની જેમ ઘાસ ખાધું. તે જમીન પર ખુલ્લામાં સૂઈ જતા અને તેમના પર ઝાકળ પડયું. છેવટે તેમણે કબૂલ કર્યું કે બધાં માનવી રાજ્યો પર સર્વોચ્ચ ઈશ્વરની સત્તા છે અને તે ચાહે તેને તે આપે છે. 22 “પણ આ બધું જાણતા હોવા છતાં તમે તેમના પુત્ર નમ્ર બન્યા નથી. 23 તમે આકાશના પ્રભુની વિરુદ્ધ વર્ત્યા છો. તેમના મંદિરમાંથી લાવવામાં આવેલા પ્યાલા અને વાટકાઓમાં તમે, તમારા ઉમરાવોએ, તમારી પત્નીઓ અને ઉપપત્નીઓએ દ્રાક્ષાસવ પીધો છે, અને જોઈ શકે નહિ, સાંભળી શકે નહિ કે કંઈ સમજી શકે નહિ એવાં સોના, ચાંદી, તાંબુ, લોખંડ, લાકડું અને પથ્થરમાંથી ઘડેલાં દેવદેવીઓની સ્તુતિ કરી છે. પણ જેમના હાથમાં તમારા જીવન-મરણનો નિર્ણય છે અને જે તમારાં સર્વ કાર્યોનું નિયંત્રણ કરે છે એવા ઈશ્વરને તમે માન આપ્યું નથી. 24 એટલા જ માટે ઈશ્વરે આ લેખ લખવા પેલા પંજાને મોકલ્યો છે. 25 “લેખ આ પ્રમાણે છે: મેને, મેને, તકેલ, ઉફાર્સીન.” 26 તેનો અર્થ આ પ્રમાણે છે: મેને એટલે ગણતરી. ઈશ્વરે તમારા રાજ્યના દિવસોની ગણતરી કરી છે અને તેનો અંત આણ્યો છે. 27 તકેલ એટલે વજન. તમે ત્રાજવામાં તોળાયા છો અને તોલમાં તમે બહુ હલકા જણાયા છો. 28 પેરેસ એટલે ભાગલા. તમારા રાજ્યના વિભાગ પાડી દેવામાં આવ્યા છે અને તે માદીઓ અને ઇરાનીઓને આપવામાં આવ્યા છે.” 29 બેલ્શાસ્સારે તરત જ હુકમ કર્યો કે દાનિયેલને જાંબુઆ વસ્ત્ર પહેરાવવામાં આવે અને ગળામાં સોનાનો હાર પહેરાવી તેનું સન્માન કરવામાં આવે. વળી, રાજાએ તેને રાજ્યમાં ત્રીજું સ્થાન આપ્યું. 30 તે જ રાત્રે બેબિલોનનો રાજા બેલ્શાસ્સાર માર્યો ગયો. 31 તેની જગ્યાએ બાસઠ વર્ષના માદી દાર્યાવેશે રાજ્યાધિકાર ધારણ કર્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide