Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

દાનિયેલ 4 - પવિત્ર બાઇબલ C.L.


નબૂખાદનેસ્સારને આવેલું બીજું સ્વપ્ન

1 નબૂખાદનેસ્સાર રાજાએ દુનિયાના બધાં રાષ્ટ્ર, પ્રજા અને ભાષાના લોકો પર આ પ્રમાણેનો સંદેશ મોકલ્યો:

2 “તમારું કલ્યાણ થાઓ! સર્વોચ્ચ ઈશ્વરે મારા પ્રતિ જે અદ્‍ભુત કાર્યો અને ચમત્કારો કરીને મને પ્રતીતિ કરાવી છે તે વિષે સાંભળો:

3 ઈશ્વરનાં અદ્‍ભુત કાર્યો કેવાં મહાન છે! તેમના ચમત્કારો કેવા પરાક્રમી છે! ઈશ્વર તો સનાતન રાજા છે; તે યુગાનુયુગ રાજ કરશે.

4 “હું મારા રાજમહેલમાં એશઆરામથી રહેતો હતો અને ભારે વૈભવ માણતો હતો.

5 પણ મને એક ધ્રુજાવી દેનાર સ્વપ્ન આવ્યું અને ઊંઘમાં ભયાનક દર્શનો થયાં.

6 મેં બેબિલોનના સર્વ જ્ઞાનીઓને સ્વપ્નનો અર્થ સમજાવવા બોલાવ્યા.

7 એટલે બધા ભવિષ્યવેત્તાઓ, જાદુગરો, વિદ્વાનો અને જ્યોતિષો આવ્યા. મેં તેમને મારું સ્વપ્ન જણાવ્યું, પણ તેઓ તેનો ખુલાસો આપી શક્યા નહિ.

8 તે પછી દાનિયેલ આવ્યો. (મારા દેવના નામ પરથી તે બેલ્ટશાસ્સાર તરીકે પણ ઓળખાય છે.) તેનામાં પવિત્ર ઈશ્વરનો આત્મા હોવાથી મેં તેને મારું સ્વપ્ન જણાવ્યું. મેં તેને કહ્યું,

9 હે બેલ્ટશાસ્સાર, ભવિષ્યવેત્તાઓમાં મુખ્ય, હું જાણું છું કે તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા હોવાથી તને સર્વ રહસ્યો સમજાય છે. આ મારું સ્વપ્ન છે; મને તેનો અર્થ જણાવ:

10 “હું ઊંઘમાં હતો ત્યારે મને દર્શન થયું. મેં જોયું તો પૃથ્વીના મધ્યભાગમાં એક વિશાળ વૃક્ષ હતું.

11 તે વૃદ્ધિ પામતું ગયું ને છેક આકાશ સુધી ઊંચે વયું, તેથી તે દુનિયાના દરેક સ્થળેથી જોઈ શક્તું હતું.

12 તેનાં પાંદડાં સુંદર હતાં. દુનિયામાં સૌને માટે પૂરતાં થાય એટલાં ફળથી તેની ડાળીઓ લચી પડી હતી. વન્ય પ્રાણીઓ તેની છાયામાં આરામ લેતાં, પક્ષીઓ તેની ડાળ પર માળા બાંધતાં અને સર્વ સજીવો તેનાં ફળ ખાતાં.

13 “હું એ દર્શન વિષે વિચારતો હતો ત્યારે એક જાગૃત અને સાવધ રહેનાર દૂત આકાશમાંથી ઊતરી આવ્યો.

14 તેણે મોટા અવાજે જાહેરાત કરી: ‘વૃક્ષને કાપી નાખો, તેની ડાળીઓ તોડી પાડો, તેનાં પાંદડાં તોડી નાખો ને ફળ વિખેરી નાખો. તેની છાયામાં વસતાં પ્રાણીઓ અને તેની ડાળીઓમાં રહેતાં પક્ષીઓને હાંકી કાઢો.

15 પણ ઠૂંઠાને જમીનમાં રહેવા દઈ તેને લોખંડ તથા તાંબાની સાંકળથી બાંધી દો. તેને ત્યાં ઘાસમાં જ રહેવા દો. ‘હવે એ માણસ પર ઝાકળ પડવા દો. તેને પ્રાણીઓ અને ઘાસની સાથે રહેવા દો.

16 તેનું માનવી મન બદલાઈ જશે; તેને પશુનું દિલ અપાશે; એમ સાત વર્ષ વીતશે.

17 આ તો જાગૃત અને સાવધ રહેનાર દૂતોનો નિર્ણય છે; જેથી સર્વ માણસો જાણે કે સર્વોચ્ચ ઈશ્વર માનવી રાજ્યો પર સત્તા ધરાવે છે. વળી, પોતાની પસંદગી પ્રમાણે તે ચાહે તો સૌથી નીચલી પાયરીના માણસોને પણ એ રાજ્યો આપે છે.’

18 નબૂખાદનેસ્સાર રાજાએ કહ્યું, “આ મારું સ્વપ્ન છે. હે બેલ્ટશાસ્સાર, હવે મને તેનો અર્થ કહે. મારા રાજ્યનો કોઈ જ્ઞાની એનો અર્થ જણાવી શકયો નથી. પણ તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા હોવાથી તું તેનો અર્થ કહી શકીશ.”


દાનિયેલે કરેલો સ્વપ્નનો ખુલાસો

19 એ સાંભળીને દાનિયેલ જે બેલ્ટશાસ્સાર પણ કહેવાય છે, પોતાના મનના વિચારોથી એવો ગભરાઈ ગયો કે કેટલીક વાર સુધી તો તે કંઈ બોલી શકયો નહિ. રાજાએ તેને કહ્યું, “હે બેલ્ટશાસ્સાર, સ્વપ્ન કે તેનો સંદેશ જણાવતાં ગભરાઈશ નહિ.” બેલ્ટશાસ્સારે જવાબ આપ્યો, “હે રાજા, સ્વપ્ન તથા તેનો અર્થ તમને નહિ, પણ તમારા દુશ્મનોને લાગુ પડો!

20 દુનિયામાં સૌને દેખાય તેવું આકાશ સુધી ઊંચું વધેલું મોટું વૃક્ષ હતું.

21 તેનાં પાંદડાં સુંદર હતાં અને આખી દુનિયાનું પોષણ થાય એટલાં તેનાં ફળ હતાં. વન્ય પ્રાણીઓ તેની છાયામાં આરામ લેતાં અને પક્ષીઓ તેની ડાળીઓ પર પોતાના માળા બાંધતાં.

22 “હે રાજા, એ ઊંચું અને મજબૂત વૃક્ષ તો તમે જ છો. તમારી મહાનતા આકાશ સુધી પહોંચી છે અને સમગ્ર દુનિયા પર તમારી સત્તા છે.

23 તમે જોતા હતા ત્યારે આકાશમાંથી એક દૂતે આવીને કહ્યું, ‘વૃક્ષ કાપી નાખો અને તેનો નાશ કરો, પણ તેનું ઠૂંઠું જમીનમાં રહેવા દઈ તેને લોખંડ અને તાંબાની સાંકળથી બાંધી દો અને તેને ખેતરમાં ઘાસની સાથે પડી રહેવા દો. આ માણસ પર ઝાકળ પડવા દો. અને ત્યાં તેને પ્રાણીઓ સાથે સાત વર્ષ રહેવા દો.’

24 “હે રાજા, આ તો તમારા પર જે વીતવાનું છે તે તમને સર્વોચ્ચ ઈશ્વરે જણાવ્યું છે, સ્વપ્નનો અર્થ આ છે:

25 તમને માનવસમાજમાંથી હાંકી કાઢવામાં આવશે અને તમે વન્ય પ્રાણીઓ સાથે વસશો. સાત વર્ષ સુધી તમે બળદની જેમ ઘાસ ખાશો. ત્યાં તમે આકાશના ઝાકળથી પલળશો. ત્યારે તમે કબૂલ કરશો કે સર્વ માનવરાજ્યો પર સર્વોચ્ચ ઈશ્વર સત્તા ધરાવે છે.

26 દૂતે ઠૂંઠાને જમીનમાં રહેવા દેવાનો હુકમ કર્યો હતો. એનો એ અર્થ છે કે ઈશ્વર સમસ્ત દુનિયા પર રાજ કરે છે એવું તમે કબૂલ કરો તે પછી તમે ફરીથી રાજા બનશો.

27 તો હે રાજા, મારી સલાહ માનો. પાપથી પાછા ફરો, સદાચારથી વર્તો અને જુલમપીડિતો પ્રત્યે દયા દર્શાવો; જેથી તમારી સ્વસ્થતા લાંબો સમય જળવાઈ રહે.”

28 એ બધું નબૂખાદનેસ્સારના સંબંધમાં બન્યું.

29 એક વર્ષ પછી તે બેબિલોનના તેના રાજમહેલની અગાસીમાં ફરતો હતો.

30 તે વખતે તે બોલ્યો, “બેબિલોન કેવું મહાન છે! મારી સત્તા અને સામર્થ્ય તેમ જ મારું ગૌરવ તથા પ્રતાપ પ્રગટ કરવા મેં એને મારા પાટનગર તરીકે બાંધ્યું છે.”

31 હજુ તો રાજાના મુખમાં એ શબ્દો હતા તેવામાં આકાશમાંથી વાણી સંભળાઈ, “હે નબૂખાદનેસ્સાર રાજા, મારું કહેવું સાંભળ. તારી પાસેથી રાજ્યાધિકાર લઈ લેવામાં આવ્યો છે.

32 તને માનવ સમાજમાંથી હાંકી કાઢવામાં આવશે. સાત વર્ષ સુધી તું વન્ય પ્રાણીઓ મધ્યે વસશે અને બળદની જેમ ઘાસ ખાશે ત્યારે તું કબૂલ કરશે કે સર્વોચ્ચ ઈશ્વર માનવી રાજ્યો પર સત્તા ધરાવે છે અને પોતે ચાહે તેને તે આપે છે.”

33 તરત જ એ શબ્દો સાચા પડયા. નબૂખાદનેસ્સારને જનસમાજમાંથી હાંકી કાઢવામાં આવ્યો અને તેણે બળદની જેમ ઘાસ ખાધું. તેના શરીર પર ઝાકળ પડયું અને તેના વાળ ગરુડનાં પીછાં જેવા વધી ગયા અને તેના નખ પક્ષીના પંજા જેવા થઈ ગયા.

34 રાજાએ કહ્યું, “સાત વર્ષ પૂરાં થયાં ત્યારે મેં આકાશ તરફ જોયું. એટલે મારી સમજશક્તિ પાછી આવી. મેં સદાકાળ જીવનાર સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરી અને તેમને માન તથા મહિમા આપ્યાં. “તે સદાકાળ રાજ કરે છે, અને તેમનું રાજ્ય કાયમ ટકે છે.

35 તેમની દષ્ટિમાં પૃથ્વીવાસીઓ તુચ્છ છે; આકાશી દૂતો અને પૃથ્વીના લોકો તેમના નિયંત્રણ હેઠળ છે. કોઈ તેમની ઇચ્છાનો વિરોધ કરી શકતું નથી કે તેમનાં કાર્યો અંગે કોઈ પ્રશ્ર્ન ઉઠાવી શકતું નથી.

36 “મારામાં સમજશક્તિ પાછી આવી એટલે મને મારી પ્રતિષ્ઠા, મારો પ્રતાપ અને મારો રાજવૈભવ પાછાં મળ્યાં. મારા અધિકારીઓ અને પ્રધાનોએ મારો આવકાર કર્યો અને અગાઉના કરતાં વિશેષ માનથી મારો રાજ્યાધિકાર મને પાછો સોંપ્યો.

37 “હવે હું નબૂખાદનેસ્સાર આકાશના ઈશ્વરની સ્તુતિ કરું છું અને તેમને માનમહિમા આપું છું. તેમનાં કાર્યો યથાર્થ અને માર્ગો ન્યાયી છે. તે ગર્વથી વર્તનારને નીચો પાડે છે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan