Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

દાનિયેલ 3 - પવિત્ર બાઇબલ C.L.


સુવર્ણમૂર્તિની પૂજા કરવાનું શાહી ફરમાન

1 નબૂખાદનેસ્સાર રાજાએ આશરે સત્તાવીસ મીટર ઊંચી અને ત્રણ મીટર પહોળી એવી સુવર્ણમૂર્તિ બનાવડાવી અને તેને બેબિલોન પ્રાંતના દૂરાના મેદાનમાં ઊભી કરાવી.

2 પછી નબૂખાદનેસ્સાર રાજાએ ઊભી કરાવેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરવા માટે તેણે રાજકુંવરો, રાજ્યપાલો, નાયબ રાજ્યપાલો, દરબારીઓ, ખજાનચીઓ, અમલદારો, ન્યાયાધીશો અને પ્રાંતોના બાકીના સર્વ અધિકારીઓને એકત્ર થવાનો હુકમ કર્યો.

3 બધા અધિકારીઓ મૂર્તિની પ્રતિષ્ઠા કરવા એકત્ર થયા અને મૂર્તિની સમક્ષ ઊભા રહ્યા.

4 ત્યારે છડી પોકારનારે મોટે અવાજે કહ્યું, “હે સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાના લોકો,

5 તમે રણશિંગડાંના નાદ પછી વાંસળી, વીણા, સિતાર, સારંગી, મોરલી વિગેરે સર્વ પ્રકારનાં વાંજિત્રોનો નાદ સાંભળો કે તરત તમારે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને નબૂખાદનેસ્સાર રાજાએ બનાવેલી મૂર્તિની પૂજા કરવી.

6 જે કોઈ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને તેની પૂજા નહિ કરે, તેને તે જ પળે ભડભડતી અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે.

7 તેથી રણશિંગડાંના અવાજ પછી વાંસળી, વીણા, સિતાર, સારંગી, મોરલી વિગેરે સર્વ પ્રકારનાં વાંજિત્રોનો નાદ સાંભળતાની સાથે જ સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાના લોકોએ નબૂખાદનેસ્સાર રાજાએ પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિની સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને પૂજા કરી.


દાનિયેલના ત્રણ મિત્રો પર ફરમાનભંગનો આરોપ

8 એ જ વખતે કેટલાક બેબિલોન- વાસીઓએ યહૂદીઓ પર આક્ષેપ મૂકવાની તક ઝડપી લીધી.

9 તેમણે નબૂખાદનેસ્સાર રાજાને કહ્યું, “હે રાજા, અમર રહો.

10 આપનો હુકમ છે કે વાજિંત્રો વાગે ત્યારે બધાએ સુવર્ણમૂર્તિની સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને પૂજા કરવી,

11 અને તે પ્રમાણે નહિ કરનારને અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે.

12 આપે બેબિલોન પ્રાંત પર નીમેલા યહૂદી અધિકારીઓ એટલે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો આપના હુકમનો અનાદર કરે છે. તેઓ આપના દેવની કે આપે પ્રતિષ્ઠિત કરેલી સુવર્ણમૂર્તિની પૂજા કરતા નથી.”

13 એ સાંભળીને રાજા ક્રોધથી ભભૂકી ઊઠયો અને એ ત્રણે માણસોને પોતાની સમક્ષ હાજર કરવાનો હુકમ કર્યો.

14 તેણે તેમને કહ્યું, “હે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો, શું તમે ઇરાદાપૂર્વક મારા દેવની કે મેં પ્રતિષ્ઠિત કરેલી સુવર્ણમૂર્તિની સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને પૂજા કરતા નથી?

15 તો હવે જ્યારે તમે રણશિંગડાના અવાજ પછી વાંસળી, વીણા, સિતાર, મોરલી વિગેરે સર્વ વાજિંત્રો વાગતાં સાંભળો ત્યારે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને મારી સ્થાપેલી મૂર્તિની પૂજા કરજો. જો તમે તેમ નહિ કરો તો તમને તરત જ અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. શું તમે એમ માનો છો કે મારા હાથમાંથી તમને બચાવી શકે એવો કોઈ દેવ છે?”

16 શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોએ જવાબ આપ્યો. “હે રાજા, અમે અમારા બચાવપક્ષે કંઈ કહેવા માગતા નથી.

17 જેની ઉપાસના અમે કરીએ છીએ એ અમારા ઈશ્વર અમને અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાંથી અને તમારા હાથમાંથી પણ બચાવવાને સમર્થ છે, અને તે બચાવશે પણ ખરા.

18 છતાં જો તે ન બચાવે તો પણ હે રાજા, આપ જાણી લો કે અમે આપના દેવની કે આપે સ્થાપેલી સુવર્ણમૂર્તિની સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને પૂજા કરવાના નથી.”


દાનિયેલના ત્રણ મિત્રોને મોતની સજા

19 ત્યારે નબૂખાદનેસ્સારને રોમેરોમ ગુસ્સો વ્યાપી ગયો અને શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો પરના ક્રોધથી તેનો ચહેરો લાલચોળ બની ગયો. તેણે ભઠ્ઠીને હમેશ કરતાં સાત ગણી વધારે તપાવવાનો હુકમ કર્યો.

20 વળી, પોતાના સૈન્યમાંના સૌથી બળવાન માણસોને આજ્ઞા કરી કે તેઓ એ ત્રણે જણને બાંધીને અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાં નાખે.

21 તેથી તેમણે તેમને લેંઘા, ઝભ્ભા, પાઘડી અને બીજા બધાં વસ્ત્રો સહિત બાંધીને ભઠ્ઠીમાં નાખ્યા.

22 રાજાએ સખત આજ્ઞા કરી ભઠ્ઠીને અતિશય તપાવડાવી હતી એટલે તેમને ભઠ્ઠીમાં નાખનાર સૈનિકો જ અગ્નિની જવાળોથી સળગી મર્યા.

23 શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો બાંધેલી હાલતમાં જ ભઠ્ઠીની વચ્ચોવચ્ચ પડયા.

24 નબૂખાદનેસ્સાર આશ્ર્વર્યચકિત થઈને એકદમ ઊભો થઈ ગયો. તેણે પોતાના અધિકારીઓને પૂછયું, “શું આપણે ત્રણને જ અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યા નહોતા?” તેમણે જવાબ આપ્યો, “હે રાજા, એ સાચું છે.”

25 તેણે પૂછયું, “તો પછી હું ભઠ્ઠીમાં ચાર જણને ફરતા કેમ જોઉં છું? તેઓ બાંધેલા નથી કે નથી તેમને કંઈ ઈજા થઈ. વળી, ચોથાનું સ્વરૂપ તો ઈશ્વરપુત્ર જેવું લાગે છે.”


દાનિયેલના ત્રણ મિત્રોને મળેલી બઢતી

26 તેથી નબૂખાદનેસ્સારે ભઠ્ઠીના પ્રવેશદ્વાર પાસે જઈને બૂમ પાડી, “હે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો, સર્વોચ્ચ ઈશ્વરના સેવકો, બહાર આવો.” તેથી તેઓ તરત બહાર આવ્યા.

27 રાજાના બધા રાજકુંવરો, રાજ્યપાલો, નાયબ રાજ્યપાલો અને બીજા અધિકારીઓ એ ત્રણેને જોવા એકત્ર થઈ ગયા. તેમને અગ્નિથી કંઈ ઇજા થઈ નહોતી. ન તો તેમના વાળ કે વસ્ત્રો બળ્યાં હતાં કે ન તો તેમના શરીર પર ધૂમાડાની કંઈ વાસ હતી.

28 રાજાએ કહ્યું, “શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોના ઈશ્વરની સ્તુતિ કરો. તેઓ તેમના પર ભરોસો રાખી તેમની સેવા કરે છે એટલે ઈશ્વરે દૂત મોકલીને તેમને બચાવ્યા છે. પોતાના ઈશ્વર સિવાય અન્ય દેવોની આગળ નમન કરીને આરાધના કરવા કરતાં તેમણે મારા આદેશનો અનાદર કરીને પોતાના જીવ જોખમમાં નાખ્યા.

29 “હવે મારું ફરમાન છે કે કોઈપણ રાષ્ટ્ર, પ્રજા કે ભાષાનો માણસ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોના ઈશ્વર વિરુદ્ધ બોલશે તો તેના અંગેઅંગના ટુકડેટુકડા કરવામાં આવશે અને તેનું ઘર ખંડિયેર બનાવી દેવાશે. આ રીતે બચાવી શકે એવો બીજો કોઈ ઈશ્વર છે જ નહિ.”

30 તે પછી રાજાએ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને બેબિલોન પ્રાંતમાં ઉચ્ચ પદવી પર બઢતી આપી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan