દાનિયેલ 2 - પવિત્ર બાઇબલ C.L.નબૂખાદનેસ્સારનું સ્વપ્ન 1 નબૂખાદનેસ્સારને પોતાના અમલના બીજા વર્ષમાં એક સ્વપ્ન આવ્યું. એથી તે એવો ચિંતાતુર બની ગયો કે તેની ઊંઘ પણ ઊડી ગઈ. 2 તેથી તેણે પોતાના ભવિષ્યવેત્તાઓ, જાદુગરો, મંત્રવિદો અને વિદ્વાનોને બોલાવ્યા કે જેથી તેઓ તેના સ્વપ્નનો અર્થ સમજાવે. તેઓ રાજા સમક્ષ હાજર થયા, 3 એટલે, રાજાએ તેમને કહ્યું, “મારા એક સ્વપ્નને લીધે હું ચિંતાતુર છું અને મારે એનો અર્થ જાણવો છે.” 4 તેમણે રાજાને અરામી ભાષામાં જવાબ આપ્યો, “હે રાજા, આપ અમર રહો! આપનું સ્વપ્ન અમને કહો એટલે અમે તેનો અર્થ બતાવીશું.” 5 રાજાએ તેમને કહ્યું, “મેં એવો નિર્ણય કર્યો છે કે તમારે માત્ર સ્વપ્નનો અર્થ જ નહિ, પણ સ્વપ્ન શું હતું તે પણ મને કહેવું. જો તમે તે નહિ કહી શકો, તો તમારા અંગેઅંગના કાપીને ટુકડા કરવામાં આવશે અને તમારાં ઘર ખંડિયેર બનાવી દેવાશે. 6 પણ જો તમે સ્વપ્ન તથા તેનો અર્થ કહેશો તો હું તમને ઉત્તમ બક્ષિસો આપીશ અને તમારું બહુમાન કરીશ. તેથી હવે મને સ્વપ્ન તથા તેનો અર્થ જણાવો.” 7 તેમણે રાજાને પ્રત્યુત્તર આપ્યો, “હે રાજા, આપ અમને આપનું સ્વપ્ન જણાવો તો જ અમે તેનો અર્થ કહી શકીએ.” 8 એ સાંભળીને રાજાએ કહ્યું, “હું ચોક્કસ જાણું છું કે તમે સમય મેળવવાનો પ્રયાસ કરો છો, કારણ, તમને મારા નિર્ણયની ખબર પડી ગઈ છે, 9 એટલે કે, તમે મને સ્વપ્ન ન જણાવો તો તમને સૌને એક્સરખી સજા થવાની છે. સમય વીત્યે પરિસ્થિતિ પલટાશે એવી આશાએ મને જુઠ્ઠી વાતો કહેવા તમે અંદરોઅંદર મસલત કરી છે. મારું સ્વપ્ન મને જણાવો એટલે તમે મને તેનો અર્થ પણ કહી શકશો કે નહિ તેની મને ખબર પડે.” 10 જ્યોતિર્વિદોએ જવાબ આપ્યો, “હે રાજા, આપ જે જાણવા માગો છો તે કહેવાને પૃથ્વીના પટ પર કોઈ સમર્થ નથી. અરે, સૌથી મહાન અને પરાક્રમી રાજાએ પણ આવી વાત પોતાના જ્યોતિષો, જાદુગરો કે મંત્રવિદોને કદી પૂછી નથી. 11 આપ નામદાર જે જાણવા માગો છો તે તો દેવો સિવાય કોઈ કહી શકે તેમ નથી, અને તેઓ કંઈ માણસો મધ્યે વસતા નથી.” 12 એ સાંભળીને રાજાનો ક્રોધ ભભૂકી ઊઠયો અને તેણે બેબિલોનના સર્વ શાહી સલાહકારોનો વધ કરવાનો હુકમ કર્યો. 13 તેથી બધા જ્ઞાનીઓને મારી નાખવાનો હુકમ પ્રગટ કરવામાં આવ્યો, અને એમાં દાનિયેલ તથા તેના ત્રણ મિત્રોનો પણ સમાવેશ થતો હતો. ઈશ્વરે દાનિયેલને સ્વપ્નનો અર્થ સમજાવ્યો 14 ત્યારે દાનિયેલ રાજાના અંગરક્ષકોના અધિકારી આર્યોખ પાસે ગયો. આર્યોખે જ્ઞાનીઓની ક્તલ કરવાના હુકમનો અમલ કરવાનો હતો. 15 બુદ્ધિપૂર્વક વાત કરતાં દાનિયેલે આર્યોખને પૂછયું, “રાજાએ આવો સખત હુકમ કેમ કર્યો છે?” તેથી આર્યોખે જે બન્યું હતું તે બધું દાનિયેલને કહી જણાવ્યું. 16 દાનિયેલ તરત રાજા પાસે ગયો અને પોતે સ્વપ્નનો અર્થ જણાવી શકે માટે વધુ સમયની પરવાનગી માગી. 17 પછી દાનિયેલે ઘેર જઈને પોતાના મિત્રો હનાન્યા, મિશાએલ અને અઝાર્યાને બનેલી સર્વ વાતથી વાકેફ કર્યા. 18 તેણે તેમને કહ્યું કે આકાશના ઈશ્વરને પ્રાર્થના કરો કે તે દયા કરીને તેમની સમક્ષ સ્વપ્નનો અર્થ પ્રગટ કરે, કે જેથી બેબિલોનના અન્ય જ્ઞાનીઓ સાથે તેઓ પણ માર્યા ન જાય. 19 એ જ રાત્રે દાનિયેલને સંદર્શનમાં એ રહસ્ય પ્રગટ કરવામાં આવ્યું, એટલે તેણે આકાશના ઈશ્વરની સ્તુતિ કરી: 20 “ઈશ્વર જ્ઞાની અને પરાક્રમી છે, તેમની સદાસર્વદા સ્તુતિ થાઓ. 21 તે સમય અને ઋતુઓનું નિયમન કરે છે; તે જ રાજાઓને ગાદીએ બેસાડે છે અને તેમને પદભ્રષ્ટ પણ કરે છે. તે જ જ્ઞાન અને સમજશક્તિ આપે છે. 22 તે ગહન અને માર્મિક વાતો પ્રગટ કરે છે; અંધકારમાં છુપાયેલી બાબતો પણ તે જાણે છે. તેમની આસપાસ પ્રકાશ હોય છે. 23 હે મારા પૂર્વજોના ઈશ્વર, હું તમારી સ્તુતિ અને તમારું સન્માન કરું છું. તમે મને જ્ઞાન ને સામર્થ્ય બક્ષ્યાં છે; તમે મારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપ્યો છે અને રાજાને શું કહેવું તે તમે અમને બતાવ્યું છે.” દાનિયેલે કહેલો રાજાના સ્વપ્નનો અર્થ 24 રાજ્યના જ્ઞાનીઓનો નાશ કરવા માટે રાજાએ જેને નીમ્યો હતો તે આર્યોખ પાસે જઈને દાનિયેલે કહ્યું. “તેમને મારી નાખીશ નહિ. મને રાજા પાસે લઈ જા એટલે હું રાજાના સ્વપ્નનો અર્થ કહી બતાવીશ.” 25 તરત જ આર્યોખ દાનિયેલને નબૂખાદનેસ્સાર રાજા પાસે લઈ ગયો અને રાજાને કહ્યું, “હે રાજા, મને યહૂદી બંદીવાનોમાંથી એક માણસ મળી આવ્યો છે જે આપને આપના સ્વપ્નનો અર્થ કહી બતાવશે.” 26 રાજાએ દાનિયેલ એટલે બેલ્ટશાસ્સારને કહ્યું, “શું તું મને મારું સ્વપ્ન તેમજ તેનો અર્થ કહી શકીશ?” 27 દાનિયેલે જવાબ આપ્યો, “હે રાજા, કોઈપણ વિદ્વાન જાદુગર, ભવિષ્યવેત્તા કે જ્યોતિર્વિદ આપના સ્વપ્નનો ગૂઢ અર્થ કહી શકે તેમ નથી. 28 પણ આકાશમાં એક ઈશ્વર છે જે રહસ્યો ખોલે છે. ભવિષ્યમાં જે બનવાનું છે તે તેમણે આપને જણાવ્યું છે. તમે નિદ્રાધીન હતા ત્યારે સ્વપ્નમાં તમને જે દર્શન થયેલું તે હવે હું તમને કહીશ. 29 “હે રાજા, આપ નિદ્રામાં હતા ત્યારે તમને ભવિષ્યનું સ્વપ્ન આવ્યું; અને રહસ્ય પ્રગટ કરનાર ઈશ્વરે તમને હવે પછી શું બનવાનું છે તે જણાવ્યું છે. 30 હવે હું બીજા બધા કરતાં વધારે જ્ઞાની છું એટલા માટે નહિ, પણ તમે તમારા દયના વિચારો અને સ્વપ્ન સમજી શકો માટે મને તેનો અર્થ બતાવવામાં આવ્યો છે. 31 “હે રાજા, સ્વપ્નમાં આપે આપની સમક્ષ એક પ્રચંડ અને ઝગઝગાટ મૂર્તિ જોઈ હતી. તેનું સ્વરૂપ ભયાનક હતું. 32 તેનું માથું શુદ્ધ સોનાનું, છાતી અને હાથ ચાંદીના, પેટ અને સાથળ તાંબાનાં, 33 પગ લોખંડના અને પગના પંજાનો થોડો ભાગ લોખંડ તથા થોડો ભાગ પકવેલી માટીનો હતો. 34 તમે તે જોઈ રહ્યા હતા એટલામાં તો કોઈના પણ સ્પર્શ વિના પર્વતમાંથી છૂટા પડેલા એક મોટા પથ્થરે મૂર્તિના લોખંડ અને પકવેલી માટીના બનેલા પગના પંજા પર પ્રહાર કરી તેના ચૂરેચૂરા કરી નાખ્યા. 35 તરત જ લોખંડ, માટી, તાંબુ, ચાંદી અને સોનું ભાંગીને ભૂકો થઈ ગયાં અને ઉનાળામાં ખળાની ધૂળ જેવા બની ગયાં. પવનથી એ બધું એવું ઊડી ગયું કે એનું નામનિશાન રહ્યું નહિ. પણ પેલો પથ્થર મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ. 36 “એ સ્વપ્ન હતું. હે રાજા, હવે હું તેનો અર્થ જણાવીશ. 37 નામદાર, આપ રાજાઓમાં સૌથી મહાન છો. આકાશના ઈશ્વરે તમને સામ્રાજ્ય, સત્તા, સામર્થ્ય અને સન્માન આપ્યાં છે. 38 તેમણે તમને પૃથ્વીના સર્વ રહેવાસીઓ પર તથા બધાં પ્રાણીઓ તથા પક્ષીઓ પર અધિકાર આપ્યો છે. તમે જ પેલું સોનાનું માથું છો. 39 આપના પછી આપના સામ્રાજ્ય કરતાં ઊતરતું એવું સામ્રાજ્ય આવશે. તે પછી ત્રીજું સામ્રાજ્ય તાંબાનું આવશે, જે સમગ્ર પૃથ્વી પર શાસન ચલાવશે. 40 તે પછી ચોથું લોખંડના જેવું મજબૂત સામ્રાજ્ય આવશે. લોખંડ જેમ બધાનો ભાંગીને ભૂકો કરે છે છે તેમ તે અગાઉનાં બધાં સામ્રાજ્યોનો ભૂકો બોલાવશે અને તેમને કચડી નાખશે. 41 આપે જોયું હતું કે પગના પંજાનો અને આંગળાંનો ભાગ થોડો પકવેલી માટીનો અને થોડો લોખંડનો હતો. એનો અર્થ એ છે કે એ સામ્રાજ્ય વિભાજિત હશે. માટીની સાથે લોખંડનું મિશ્રણ હોવાથી તેમાં થોડી લોખંડી તાક્ત પણ હશે. 42 પગનાં આંગળાંનો કેટલોક ભાગ માટીનો તો કેટલોક લોખંડનો હતો. અર્થાત્ સામ્રાજ્યનો કેટલોક ભાગ બળવાન તો કેટલોક ભાગ નબળો હશે. આપે જોયું હતું કે લોખંડ માટીમાં ભળેલું હતું. 43 એનો અર્થ એ છે કે એ સામ્રાજ્યના શાસકો અંદરોઅંદરનાં લગ્નોથી તેમનાં કુટુંબોને એક કરવાનો પ્રયાસ કરશે; પણ જેમ લોખંડ માટી સાથે એક થતું નથી તેમ તેઓ એક થઈ શકશે નહિ. 44 એ શાસકોના સમયમાં આકાશના ઈશ્વર એક રાજયની સ્થાપના કરશે જેનો કદી અંત આવશે નહિ. તેના પર કોઈ જીત મેળવી શકશે નહિ, પણ તે બધાં રાજયોનો વિનાશ કરશે અને તે સદા સર્વદા કાયમ રહેશે. 45 કોઈના પણ સ્પર્શ વિના પર્વતમાંથી છૂટા પડી ગયેલા પથ્થરે પેલી લોખંડ, તાંબુ, માટી, ચાંદી, અને સોનાની મૂર્તિનો ભાંગીને ભૂક્કો કર્યો તે આપે જોયું હતું. મહાન ઈશ્વરે ભવિષ્યમાં જે બનવાનું છે તે આપ નામદારને બતાવ્યું છે. આપને આવેલું સ્વપ્ન ચોક્કસ અને તેનો અર્થ સાચો છે.” રાજાએ દાનિયેલને આપેલી બક્ષિસ 46 ત્યારે નબૂખાદનેસ્સાર રાજા દાનિયેલને પગે પડયો અને તેણે દાનિયેલ આગળ અર્પણો અને સુગંધી ધૂપ ચઢાવવાની આજ્ઞા કરી. 47 રાજાએ કહ્યું, “તેં મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવ્યો તે પરથી હું જાણું છું કે તારા ઈશ્વર સર્વ દેવો કરતાં મહાન છે, તે રાજાઓના પ્રભુ છે. વળી, તે રહસ્યો ખોલનાર છે.” 48 ત્યાર પછી રાજાએ દાનિયેલને ઉચ્ચ હોદ્દો અને ઘણી ભવ્ય બક્ષિસો આપ્યાં. તેણે દાનિયેલને બેબિલોન પ્રાંતનો અધિકારી તથા રાજ્યના બધા જ્ઞાનીઓનો મુખ્ય અધિકારી બનાવ્યો. 49 દાનિયેલની વિનંતીથી રાજાએ શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને બેબિલોન પ્રાંતના વહીવટર્ક્તા બનાવ્યા. પણ દાનિયેલ તો રાજદરબારમાં રહ્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide