દાનિયેલ 12 - પવિત્ર બાઇબલ C.L.અંતનો સમય 1 અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા દૂતે કહ્યું, “તે સમયે તારા લોકનું રક્ષણ કરનાર મહાન દૂત મિખાયેલ પ્રગટ થશે. તે વખતે, રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી કદી આવ્યો ન હોય એવો મોટા સંકટનો સમય આવશે. એ સમય આવે ત્યારે તારી પ્રજાના જે લોકનાં નામ ઈશ્વરના પુસ્તકમાં નોંધાયેલાં છે તેમનો બચાવ થશે. 2 મરી ગયેલાઓમાંના ઘણા સજીવન થશે. કેટલાક સાર્વકાલિક જીવનનો અનુભવ માણશે, તો બીજા કેટલાક સાર્વકાલિક લજ્જા ભોગવશે. 3 જ્ઞાનીઓ અંતરિક્ષમાં પૂરા પ્રકાશથી પ્રકાશશે, તો ઘણા લોકોને ન્યાયનેકીનું શિક્ષણ આપનારા તારાઓની જેમ સદાસર્વદા ઝળહળશે. 4 તેણે મને કહ્યું, “હે દાનિયેલ, હવે પુસ્તક બંધ કર અને દુનિયાના અંતના સમય સુધી તેને મુદ્રિત કર. દરમ્યાનમાં, બની રહેલા બનાવો સમજવાને ઘણાઓ વ્યર્થ પ્રયત્નો કરશે.” 5 ત્યાર પછી મેં એક નદીના દરેક કિનારે એક, એમ બે પુરુષોને ઊભેલા જોયા. 6 તેમનામાંના એક દૂતે અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરીને નદીના ઉપરવાસમાં ઊભેલા બીજા દૂતને પૂછયું, “આ અદ્ભુત બાબતોનો અંત આવતાં કેટલો સમય લાગશે?” 7 અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરીને ઊભેલા દૂતે પોતાના બન્ને હાથ આકાશ તરફ ઊંચા કરીને સાર્વકાલિક ઈશ્વરના સમ ખાઈને કહ્યું, “સાડા ત્રણ વર્ષ; ઈશ્વરના લોકની સતાવણી પૂરી થાય તે પહેલાં આ બધી બાબતો બની ચૂકી હશે.” 8 તેણે મને જે કહ્યું તે મેં સાંભળ્યું, પણ હું કંઈ સમજ્યો નહિ. તેથી મેં પૂછયું, “સાહેબ, એ બધાંનું પરિણામ શું આવશે?” 9 તેણે જવાબ આપ્યો, “હે દાનિયેલ, તું તારે હવે જા. કારણ, અંતના સમય સુધી આ વાતો ગૂઢ અને ગુપ્ત રાખવાની છે. 10 ઘણા લોકોને શુદ્ધ કરવામાં આવશે. દુષ્ટો કંઈ સમજશે નહિ, પણ વધુ ને વધુ દુષ્ટતા આચરશે; માત્ર જ્ઞાનીઓ જ આ વાતો સમજશે. 11 “દરરોજનું અર્પણ બંધ થયાના સમયથી, એટલે કે અત્યંત ધૃણાજનક વસ્તુના સમયથી એક હજાર બસો નેવું દિવસો પસાર થશે. 12 એક હજાર ત્રણસો પાંત્રીસ દિવસ પસાર થાય ત્યાં સુધી જેઓ વિશ્વાસુ રહે તેમને ધન્ય છે! 13 “અને દાનિયેલ, તું અંત સુધી વિશ્વાસુ રહે. તું મરણ તો પામીશ, પણ અંતના સમયે તારો વારસો પામવાને તું સજીવન થશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide