દાનિયેલ 11 - પવિત્ર બાઇબલ C.L.1 મારી મદદ અને મારું રક્ષણ કરવાની જવાબદારી તેની છે. 2 હવે હું તને જે કહેવાનો છું તે સત્ય છે.” દૂતે કહ્યું, “ઇરાન પર બીજા ત્રણ રાજાઓ રાજ કરશે, તેમના પછી ચોથો રાજા આવશે, જે બાકીના બધા કરતાં ધનવાન થશે. પોતાની સત્તા અને સમૃદ્ધિના શિખરે પહોંચતાં તે ગ્રીસના રાજ્યને પડકારશે. ઇજિપ્ત અને અરામનાં રાજ્યો 3 “ત્યાર પછી એક શક્તિશાળી રાજા ઊભો થશે તે મોટા સામ્રાજ્ય પર રાજ કરશે અને પોતાની ઇચ્છા પ્રમાણે વર્તશે. 4 પણ તેના રાજ્યની સમૃદ્ધિની પરાક્ષ્ટા પછી રાજ્યના ચાર ભાગલા પડી જશે. તેના વંશજો ન હોય એવા રાજાઓ તેના સ્થાને આવશે, પણ તેમની પાસે તેના જેવો રાજ્યાધિકાર નહિ હોય. 5 “ઇજિપ્તનો રાજા બળવાન થશે. પણ તેનો એક સેનાપતિ વિશેષ બળવાન બનીને તેના કરતાં પણ મોટા રાજ્ય પર રાજ કરશે. 6 થોડાં વર્ષો પછી ઇજિપ્તનો રાજા પોતાની પુત્રી અરામના રાજા સાથે પરણાવી તેની સાથે રાજસંબંધ બાંધશે. પણ એ સંબંધ ટકશે નહિ, અને એ પુત્રી, તેનો પતિ, તેનું બાળક અને તેના નોકરોને મારી નાખવામાં આવશે. 7 થોડા જ વખત પછી એ પુત્રીનો સંબંધી રાજા બનશે. તે અરામના રાજાના લશ્કરની વિરુદ્ધ લડાઈ કરશે. કિલ્લાઓ તોડી પાડશે અને તેને હરાવશે. 8 તેમના દેવોની મૂર્તિઓ અને દેવોને અર્પણ કરેલાં સોનારૂપાનાં પાત્રો તે પાછાં ઇજિપ્ત લઈ જશે. થોડાંએક વર્ષો શાંતિમાં પસાર થશે. 9 તે પછી અરામનો રાજા ઇજિપ્ત પર આક્રમણ કરશે, પણ તેને પીછેહઠ કરવી પડશે. 10 “અરામના રાજાના પુત્રો મોટું સેન્ય એકત્ર કરીને યુદ્ધની તૈયારી કરશે. તેઓમાંનો એક પૂરની માફક ધસી આવશે અને શત્રુના એક કિલ્લા પર આક્રમણ કરશે. 11 ઇજિપ્તનો રાજા રોષે ભરાઈને તેની વિરુદ્ધ યુદ્ધે ચઢશે અને અરામના મોટા સૈન્ય પર કબજો જમાવશે. 12 વિજયને લીધે અને પોતે મારી નાખેલા સૈનિકોને લીધે તે ગર્વિષ્ઠ બનશે, પણ તેનો વિજય ઝાઝો ટકશે નહિ. 13 “અરામનો રાજા પાછો જઈને અગાઉના કરતાં પણ મોટું લશ્કર તૈયાર કરશે. તે પછી યોગ્ય સમયે તે શસ્ત્રસજિત મોટું સૈન્ય લઈને પાછો આવશે. 14 ત્યારે ઇજિપ્તના રાજા વિરુદ્ધ ઘણા લોકો બળવો પોકારશે. હે દાનિયેલ, તારી પ્રજાના લોકોમાંથી પણ કેટલાક બંડખોર માણસો દર્શન પૂર્ણ કરવા માટે તેમાં જોડાશે, પણ તેમની હાર થશે. 15 અરામનો રાજા એક કિલ્લેબંધીવાળા નગરને ઘેરો ઘાલી તેને જીતી લેશે. ઇજિપ્તના સૈનિકો લડવાનું ચાલુ રાખી શકશે નહિ; તેમના શ્રેષ્ઠ સૈનિકોમાં પણ લડવાની તાક્ત રહી નહિ હોય. 16 અરામનો રાજા તેમની સાથે ફાવે તેમ વર્તશે. કોઈપણ જાતના વિરોધ વિના તે વચનના દેશમાં ઊભો રહેશે અને તે દેશ પર પોતાની સંપૂર્ણ સત્તા જમાવશે. 17 “અરામનો રાજા પોતાના સમગ્ર સૈન્ય સહિત ચઢાઈનું આયોજન કરશે. દુશ્મનના રાજ્યનો નાશ કરવા માટે તે તેની સાથે રાજકીય સંબંધ બાંધશે અને તેની સાથે પોતાની પુત્રીનું લગ્ન કરાવવાની તૈયારી બતાવશે; પણ તેની યોજના પાર પડશે નહિ. 18 ત્યારપછી તે સમુદ્રકાંઠાનાં રાજ્યો પર આક્રમણ કરશે અને તેમાંનાં ઘણાને જીતી લેશે. પણ એક પરદેશી રાજા તેનો પરાજ્ય કરશે, તેનો ગર્વ ઉતારી પાડશે અને તેનું અપમાન તેને પાછું વાળી આપશે. 19 ત્યાર પછી રાજા પોતાના દેશના કિલ્લાઓમાં પાછો ફરશે, પણ ત્યાં તેની હાર થશે, અને તેનો અંત આવશે. 20 “તેના પછી બીજો એક રાજા ઊભો થશે. પોતાના રાજ્યની આવક વધારવા માટે લોકો પર કરવેરા લાદવા તે પોતાના એક અધિકારીને મોકલશે. થોડા જ સમયમાં તે રાજા મારી નંખાશે; પણ તે નહિ તો જાહેરમાં કે નહિ યુદ્ધમાં.” અરામનો દુષ્ટ રાજા 21 દૂતે સમજાવવાનું ચાલુ રાખ્યું: એ પછી અરામમાં એક દુષ્ટ રાજા ઊભો થશે. તેને રાજા થવાનો અધિકાર નહિ હોય પણ તે અણધારી રીતે આવી જશે અને કપટથી સત્તા આંચકી લેશે. 22 તેનો વિરોધ કરનારાઓના સૈન્યને તે પૂરની જેમ હડસેલી કાઢશે અને તેનો સંહાર કરશે. અરે, કરારનો અધિપતિ પણ નાશ પામશે. 23 બીજા રાષ્ટ્રો સાથે તે સંધિઓ કરીને તેમને છેતરશે. તે પોતે નાની પ્રજાનો શાસક હોવા છતાં તે વધુને વધુ બળવાન થતો જશે. 24 તે સમૃદ્ધ પ્રદેશ પર ઓચિંતો હુમલો કરશે અને તેના પૂર્વજોમાંના કોઈએ ન કર્યાં હોય એવાં કામ કરશે. યુદ્ધમાં મેળવેલી લૂંટ અને મિલક્ત તે પોતાના સાથીઓને વહેંચી આપશે. તે કિલ્લાઓ પર ચઢાઈ કરવાની યોજનાઓ ઘડી કાઢશે, પણ તેનો સમય જલદી પૂરો થઈ જશે. 25 “ઇજિપ્તના રાજા પર આક્રમણ કરવાને તે નીડરતાથી મોટું લશ્કર તૈયાર કરશે, પણ ઇજિપ્તનો રાજા મોટું અને બળવાન લશ્કર લઈ તેનો સામનો કરશે. છતાં ઇજિપ્તનો રાજા છેતરાશે અને તેની સામે સફળ થશે નહિ. 26 તેના અંગત સલાહકારો જ તેનો વિનાશ લાવશે. તેના ઘણા સૈનિકો માર્યા જશે અને સૈન્ય વેરવિખેર થઈ જશે. 27 ત્યાર પછી બન્ને રાજાઓ એક મેજ પર સાથે જમવા બેસશે. પણ તેમના ઇરાદા દુષ્ટ હશે. તેઓ એકબીજાને જુઠ્ઠું કહેશે, પણ તેમની ઇચ્છા પૂરી થશે નહિ, કારણ, તે માટેનો સમય હજુ આવ્યો નહિ હોય. 28 અરામનો રાજા લડાઈમાં મેળવેલી લૂંટ સાથે પાછો કરશે. પણ તેનું મન પવિત્ર કરારની વિરુદ્ધ લાગેલું હશે. પોતાને ફાવે તેમ વર્ત્યા પછી તે પોતાના દેશમાં પાછો જશે. 29 “ત્યારપછી તે ફરીવાર ઇજિપ્ત પર ચડાઈ કરશે. પણ આ વખતે જુદું જ પરિણામ આવશે. 30 રોમનો વહાણોમાં બેસીને આવશે અને તેનો સામનો કરશે, એટલે તે ગભરાઈ જશે. “તે ક્રોધે ભરાઈને પાછો જશે અને ઈશ્વરના લોકોના ધર્મનો નાશ કરવાનો વિચાર કરશે. પવિત્ર કરાર મુજબના ધર્મનો ત્યાગ કરનારાઓની સલાહ તે માનશે. 31 તેના કેટલાક સૈનિકો પવિત્ર મંદિરને તથા કિલ્લાને ભ્રષ્ટ કરશે. અને અત્યંત ધૃણાજનક વસ્તુની ત્યાં સ્થાપના કરશે. 32 કરારની વિરુદ્ધ જઈ ધર્મત્યાગ કરનારા લોકોનો તે રાજા કપટથી ટેકો મેળવશે, પણ પોતાના ઈશ્વરને ઓળખનારા લોકો તેની વિરુદ્ધ ઝઝૂમશે. 33 લોકોમાંથી જેઓ જ્ઞાની હશે તે બીજાઓને શીખવશે; છતાં તેમનામાંના કેટલાક યુદ્ધમાં માર્યા જશે, તો કેટલાકને જીવતા સળગાવી દેવામાં આવશે અને બાકીનાને લૂંટી લઈ કેદી બનાવવામાં આવશે. 34 એ સમયે ઈશ્વરના લોકોને થોડીઘણી સહાય મળી રહેશે. કેટલાક લોકો સ્વાર્થને લીધે તેમની સાથે જોડાશે. 35 કેટલાક જ્ઞાની લોકો માર્યા જશે પણ તેથી લોકો પવિત્ર તથા શુદ્ધ કરાશે. ઈશ્વરે ઠરાવેલો અંતનો સમય આવે ત્યાં સુધી એવું ચાલુ રહેશે. 36 “અરામનો રાજા પોતાની ઇચ્છા પ્રમાણે વર્તશે. પોતે અન્ય કોઈ પણ દેવ કરતાં, અરે, સર્વોપરી ઈશ્વર કરતાં પણ મહાન છે એવી બડાઈ મારશે. ઈશ્વરના કોપથી તેને શિક્ષા થાય તે સમય સુધી તે એમ કર્યા કરશે, પણ છેવટે તો ઈશ્વરના નિર્ણય પ્રમાણે જ થશે. 37 રાજા પોતાના પૂર્વજોના દેવોને અથવા સ્ત્રીઓની પ્યારી એવી દેવીને ગણકારશે નહિ, કારણ, તે પોતાને એ બધાં કરતાં મોટો માનશે. 38 પણ તેને બદલે તે કિલ્લાઓના દેવોનું સન્માન કરશે. તેના પૂર્વજોએ જેમની ક્યારેય પૂજા કરી નહોતી એવા દેવોને તે સોનું, રૂપું, ઝવેરાત, અને અન્ય મનોહર ભેટોનું અર્પણ કરશે. 39 પોતાના કિલ્લાઓનું રક્ષણ કરવા માટે તે પરદેશી દેવોની ભક્તિ કરનાર લોકોની મદદ લેશે. તેનો રાજ્યાધિકાર સ્વીકારનાર લોકોને તે ભારે માનથી નવાજશે, તેમને ઉચ્ચ પદવીઓ આપશે અને ઇનામમાં જમીન આપશે. 40 “અરામના રાજાનો આખરી સમય લગભગ નજીકમાં હશે ત્યારે ઇજિપ્તનો રાજા તેના પર આક્રમણ કરશે. અરામનો રાજા પણ રથો, ઘોડા અને વહાણો ઉપયોગમાં લઈ પૂરી તાક્તથી તેનો સામનો કરશે. પાણીના પૂરની જેમ તે ઘણા દેશો પર હુમલો કરશે. 41 તે વચનના દેશ પર ચઢાઈ કરશે અને હજારોની ક્તલ કરશે; પરંતુ અદોમ, મોઆબ, અને આમ્મોનનો બાકી રહેલો ભાગ તેના હાથમાંથી બચી જશે. 42 જ્યારે તે બધા દેશો પર ચડાઈ કરશે ત્યારે ઇજિપ્ત પણ બાક્ત રહી જશે નહિ. 43 તે ઇજિપ્તના સોનારૂપાના ગુપ્ત ભંડારો અને સર્વ મૂલ્યવાન ચીજવસ્તુઓ લઈ જશે. તે લિબિયા અને સુદાન પર જીત મેળવશે. 44 પણ પૂર્વ અને ઉત્તર તરફથી આવતી અફવાઓથી તે ગભરાશે અને તેથી તે ક્રોધાવેશમાં ઝઝૂમીને ઘણાઓનો સંહાર કરશે અને વિનાશ વેરશે. 45 સમુદ્ર તથા મંદિરના પર્વતની વચ્ચે તે પોતાના શાહી તંબુઓ તાણશે, પણ અંતે તે માર્યો જશે અને તેને સહાય કરનાર કોઈ નહિ હોય.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide