દાનિયેલ 10 - પવિત્ર બાઇબલ C.L.તીગ્રિસ નદીને કિનારે દાનિયેલને દર્શન 1 ઇરાનના રાજા કોરેશના અમલના ત્રીજા વર્ષમાં દાનિયેલ એટલે બેલ્ટશાસ્સારને એક સંદેશનું પ્રકટીકરણ આપવામાં આવ્યું. સંદેશો સત્ય હતો, પણ તે સમજવામાં ખૂબ જ મુશ્કેલ હતો. તે તેને દર્શનમાં સમજાવવામાં આવ્યો. 2 તે વખતે હું ત્રણ સપ્તાહથી શોક પાળી રહ્યો હતો. 3 ત્રણ સપ્તાહ સુધી મેં કોઈ સ્વાદિષ્ટ ખોરાક કે માંસ ખાધું નહોતું; ન તો મેં દ્રાક્ષાસવ પીધો કે ન તો મેં તેલમર્દન કર્યું હતું. 4 વર્ષના પ્રથમ માસના ચોવીસમા દિવસે મોટી નદી હિદ્દેકેલ એટલે તીગ્રિસને કિનારે હું ઊભો હતો. 5 મેં ઊંચે જોયું તો અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલો અને ઉફાઝના શુદ્ધ સોનાનો પટ્ટો પહેરેલો એક માણસ મેં જોયો. 6 તેનું શરીર પોખરાજ મણિની જેમ પ્રકાશતું હતું. વીજળીના ચમકારાની જેમ તેનો ચહેરો ઝળહળતો હતો. તેની આંખો અગ્નિની જવાળા જેવી હતી. તેના હાથ અને પગ ચળક્તા તાંબા જેવા હતા. તેનો અવાજ મોટા જન- સમુદાયના પોકાર જેવો હતો. 7 માત્ર મેં જ દર્શન જોયું. મારી સાથેના માણસોએ તો દર્શન જોયું નહિ, પણ તેઓ ગભરાઈ ગયા અને દોડીને સંતાઈ ગયા. 8 તેથી એ અદ્ભુત દર્શન જોતો હું એકલો જ ત્યાં રહી ગયો. મારામાં કંઈ શક્તિ રહી નહિ અને મારો ચહેરો એવો બદલાઈ ગયો કે મને કોઈ ઓળખી પણ ન શકે. 9 તેનો અવાજ સાંભળીને હું બેભાન બની જમીન પર ઊંધે મુખે પટકાઈ પડયો. 10 પછી કોઈએક હાથે મને મારા ધ્રૂજતા હાથ અને ધૂંટણો પર ઊભો કર્યો. 11 દૂતે મને કહ્યું, “હે દાનિયેલ, ‘તું ઈશ્વરને પ્રિય છે. ઊભો થા અને મારું કહેવું ધ્યનથી સાંભળ. મને તારી પાસે મોકલવામાં આવ્યો છે.” તેણે એવું કહ્યું એટલે હું ધ્રૂજતો ધ્રૂજતો ઊભો થયો. 12 ત્યાર પછી તેણે કહ્યું, “હે દાનિયેલ, ડરીશ નહિ. સમજશક્તિ મેળવવા તેં નમ્ર બનવાનો નિર્ણય કર્યો તેના પહેલા જ દિવસથી ઈશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. હું તારી પ્રાર્થનાઓના જવાબ માટે જ આવ્યો છું. 13 ઇરાનના રાજ્યના ચોકિયાત દૂતે એકવીસ દિવસ સુધી મારો સામનો કર્યો. પણ મુખ્ય દૂતોમાંનો એક એટલે મિખાયેલ મારી મદદે આવ્યો. કારણ, હું ઈરાનમાં એકલો જ રહી ગયો હતો. 14 તારા લોક પર ભવિષ્યમાં શું વીતશે તે સમજાવવા હું આવ્યો છું. આ દર્શન દૂરના ભવિષ્યનું છે.” 15 એ સાંભળીને હું અવાક બની જમીન પર તાકી રહ્યો. 16 ત્યારે માનવસ્વરૂપના પેલા દૂતે પોતાનો હાથ લાંબો કરીને મારા હોઠને સ્પર્શ કર્યો. મેં તેને કહ્યું, “સાહેબ, દર્શનને કારણે મારામાં કંઈ શક્તિ રહી નથી અને હું ધ્રૂજ્યા કરું છું. 17 કોઈ ગુલામ માલિક સમક્ષ ઊભો હોય એવી મારી સ્થિતિ છે. હું કેવી રીતે તમારી સાથે વાત કરું? મારામાં કંઈ શક્તિ કે દમ નથી.” 18 તેણે મને ફરીથી સ્પર્શ કર્યો એટલે મારામાં શક્તિ આવી. 19 તેણે કહ્યું, “તું ઈશ્વરને પ્રિય છે; તેથી કશાની ચિંતા કરીશ નહિ, અથવા કશાથી ગભરાઈશ નહિ.” તેણે એવું કહ્યું એટલે મારામાં વધુ બળ આવ્યું અને મેં કહ્યું, “સાહેબ, હવે તમારો સંદેશ જણાવો; કારણ, તમે મને બળ આપ્યું છે.” 20-21 તેણે કહ્યું, “હું તારી પાસે શા માટે આવ્યો તે તું જાણે છે? હું તો તારી આગળ સત્યના ગ્રંથમાંનું લખાણ પ્રગટ કરવા આવ્યો છું. મારે પાછા જઈને ઇરાનના ચોકિયાત દૂત સાથે લડવાનું છે. તે પછી ગ્રીસનો ચોકિયાત દૂત આવશે. ઇઝરાયલના ચોકિયાત દૂત મિખાયેલ સિવાય મને મદદ કરનાર બીજું કોઈ નથી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide