કલોસ્સીઓ 4 - પવિત્ર બાઇબલ C.L.1 માલિકો, તમે તમારા ગુલામો પ્રત્યે ન્યાયી અને યોગ્ય વર્તન રાખો. આકાશમાં તમારા માલિક પણ છે તે વાત યાદ રાખો. સૂચનાઓ 2 જાગૃત રહીને સતત પ્રાર્થના કરો અને ઈશ્વરનો આભાર માનો. 3 વળી, અમારે માટે પણ પ્રાર્થના કરો કે જેથી ઈશ્વર તેમનો શુભસંદેશ પ્રગટ કરવાની ઉત્તમ તક અમને આપે અને અમે ખ્રિસ્તનું રહસ્ય જણાવી શકીએ. એ જ કારણથી હું જેલમાં છું. 4 વળી, હું સ્પષ્ટતાપૂર્વક પ્રચાર કરી શકું તે માટે પ્રાર્થના કરો. 5 અવિશ્વાસીઓ સાથે સમજણપૂર્વક વર્તો અને તમને મળેલી દરેક તકનો ઉપયોગ કરો. 6 તમારી વાણી હંમેશાં માુર અને સચોટ હોવી જોઈએ, જેથી દરેકને યોગ્ય જવાબ કેમ આપવો તે જાણી શકો. અંતિમ શુભેચ્છા 7 આપણો પ્રિય ભાઈ તુખિક્સ, જે પ્રભુના કાર્યમાં વિશ્વાસુ કાર્યકર અને સાથી સેવક છે તે મારા વિષેના સર્વ સમાચાર તમને જણાવશે. 8 તે જ કારણથી હું તેને તમારી પાસે મોકલું છું, જેથી અમારા વિષેના સમાચાર તમને મળે અને તમે નિરાંત અનુભવો. 9 તેની સાથે તમારી સંગતમાંનો પ્રિય તથા વિશ્વાસુ ભાઈ ઓનેસિમસ પણ આવે છે. તે તમને અહીંના બધા સમાચાર આપશે. 10 આરિસ્તાર્ખસ, જે મારી સાથે જેલમાં છે તે તમને શુભેચ્છા પાઠવે છે. તેવી જ રીતે બાર્નાબાસનો ભાઈ માર્ક. (જેના સંબંધી તમને સૂચના મળેલી છે તે જો તમારી મુલાકાત લે તો તેનો આવકાર કરજો). 11 અને ઈસુ ઉર્ફે યુસ્તસ પણ તમને શુભેચ્છા પાઠવે છે. યહૂદીઓમાંથી ખ્રિસ્તી થએલાંઓમાંથી ફક્ત આ ત્રણ જ ઈશ્વરના રાજને માટે મારી સાથે કાર્ય કરે છે અને તેઓ મને ખૂબ જ મદદરૂપ થઈ પડયા છે. 12 તમારી સંગતનો સભ્ય એટલે ઈસુ ખ્રિસ્તનો સેવક એપાફ્રાસ તમને શુભેચ્છા પાઠવે છે. તે હંમેશાં તમારે માટે આગ્રહથી ઈશ્વરને પ્રાર્થના કરે છે કે, ઈશ્વરની ઇચ્છાની સંપૂર્ણ આધીનતામાં તમે સ્થિર રહો, પરિપકવ બનો અને પૂરી ખાતરી પામો. 13 તમારે માટે તથા લાઓદિકિયા અને હિયરાપોલીસમાં તેણે કરેલા સખત કાર્યનો હું પોતે સાક્ષી છું. 14 આપણો પ્રિય ચિકિત્સક લૂક. અને દેમાસ પણ તમને શુભેચ્છા પાઠવે છે. 15 લાઓદિકિયાના ભાઈઓને તથા નુમ્ફા અને તેના ઘરમાં એકત્ર થતી મંડળીને અમારી શુભેચ્છા પાઠવજો. 16 તમે આ પત્ર વાંચી લો પછી લાઓદિકિયાની મંડળીમાં પણ તે વંચાય તેનું ધ્યાન રાખજો. 17 તેવી જ રીતે તેમના ઉપરનો પત્ર, તમે પણ વાંચજો. આર્ખિપસને જણાવજો કે, પ્રભુની સેવામાં તેને જે કાર્ય સોંપવામાં આવ્યું છે તે પૂર્ણ થવું જોઈએ. 18 હું મારા પોતાના હાથથી આ અક્ષરો લખું છું: પાઉલની શુભેચ્છા. મારા હાથ પરની આ સાંકળો યાદ રાખજો. ઈશ્વરની કૃપા તમારી સાથે રહો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide