કલોસ્સીઓ 3 - પવિત્ર બાઇબલ C.L.1 તમને ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે. તો હવે સ્વર્ગમાંની બાબતોમાં તમારું મન પરોવો કે જ્યાં ઈશ્વરની જમણી તરફ ખ્રિસ્ત બિરાજેલા છે. 2 તમારાં મન અહીં આ પૃથ્વી પરની બાબતો પર નહિ, પણ ત્યાં ઉપરની બાબતો પર લગાડો. 3 કારણ, તમે મૃત્યુ પામ્યા છો, અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે. 4 ખ્રિસ્ત જ તમારું સાચું જીવન છે અને જ્યારે તે પ્રગટ થશે, ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો. જૂનું જીવન ત્યજી નવું જીવન જીવો 5 તમારામાં કાર્ય કરતી પાર્થિવ ઇચ્છાઓ, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિકાર, દુષ્ટ વાસના, લોભ જે મૂર્તિપૂજા જ છે; તેમને તમે મારી નાખો. 6 આવી બાબતોને લીધે ઈશ્વરને આધીન નહિ થનારાઓ પર તેમનો કોપ આવશે. 7 એકવાર જ્યારે તમારું જીવન એ બાબતોના નિયંત્રણ નીચે હતું ત્યારે તમે પણ આવી વાસનાઓ પ્રમાણે જીવવાને ટેવાયેલા હતા. 8 પણ હવે તમારે ગુસ્સો, રીસ, અદાવત, નિંદા કે તમારા મુખમાંથી નીકળતા અપશબ્દો એવી સર્વ બાબતોથી મુક્ત થવું જોઈએ. 9 એકબીજા આગળ જૂઠું ન બોલો, કારણ, તમે જૂના વ્યક્તિત્વને તેની ટેવો સહિત ઉતારી મૂકાયું છે. 10 અને તમે નવું વ્યક્તિત્વ પહેરી લીધું છે. તમે ઈશ્વરને પૂરેપૂરી રીતે જાણી શકો તે માટે આ નવા વ્યક્તિત્વના સર્જનહાર ઈશ્વર તેને પોતાનું પ્રતિરૂપ બનાવવા સતત નવું કરતા જાય છે; જેથી તમે ઈશ્વર વિષેનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકો. 11 એમાં નથી કોઈ બિનયહૂદી કે યહૂદી, સુન્નતી કે સુન્નત વિનાના, બર્બર કે સિથિયન, ગુલામ કે સ્વતંત્ર. પણ ખ્રિસ્ત સર્વસ્વ અને સર્વમાં છે. 12 તમે ઈશ્વરના લોક છો; તેમણે તમારા પર પ્રેમ કર્યો અને તમને પોતાના બનાવવા માટે પસંદ કર્યા છે. તેથી તમારે દયા, મમતા, નમ્રતા, સૌમ્યતા અને ધીરજ પહેરી લેવાં જોઈએ. 13 એકબીજાનું સહન કરો અને જ્યારે તમારામાંથી કોઈને બીજાની વિરુદ્ધ કંઈ ફરિયાદ હોય તો તેને ક્ષમા કરો. પ્રભુએ તમને માફ કર્યું છે માટે તમારે પણ માફી આપવી જોઈએ. 14 સર્વ બાબતોને સંપૂર્ણ સુસંગત બનાવનાર પ્રેમને આ સર્વ બાબતો સાથે જોડી દો. 15 ખ્રિસ્ત જે શાંતિ આપે છે તે તમારાં હૃદયોમાં રાજ કરે. કારણ, આ જ શાંતિને માટે ઈશ્વરે તમને એક શરીર તરીકે આમંત્રણ આપ્યું છે. વળી, આભારી બનો. 16 ખ્રિસ્તના સંદેશની સર્વ સમૃદ્ધિ તમારા હૃદયમાં વસે કે જેથી એકબીજાને સર્વ જ્ઞાનમાં શિક્ષણ અને શિખામણ આપો. ઈશ્વરને માટે તમારા હૃદયમાં આભાર સાથે ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનો ગાઓ. 17 તમે જે કંઈ કરો કે કહો તે સર્વ પ્રભુ ઈસુના નામે કરો અને એ દ્વારા ખ્રિસ્તની મારફતે ઈશ્વરપિતાનો આભાર માનો. નવા જીવનના વ્યક્તિગત સંબંધો 18 પત્નીઓ, તમે તમારા પતિઓને આધીન રહો, કારણ, ખ્રિસ્તમાં તમારે તેમ કરવું યોગ્ય છે. 19 પતિઓ, તમારી પત્નીઓ પર પ્રેમ કરો અને તેમના પ્રત્યે કઠોર ન થાઓ. 20 બાળકો, તમારાં માતાપિતાને હંમેશાં આધીન રહેવું તે તમારી ખ્રિસ્તી ફરજ છે અને તેથી પ્રભુ પ્રસન્ન થાય છે. 21 પિતાઓ, તમારાં બાળકોને ચીડવો નહિ, કારણ, તેથી તો તેઓ નિરાશ થાય છે. 22 ગુલામો, સર્વ બાબતોમાં તમારા દુન્યવી માલિકોને આધીન થાઓ અને ફક્ત જ્યારે તેઓ તમારા પર નજર રાખે ત્યારે તેમની પ્રશંસા માટે નહિ, પણ પ્રામાણિક હૃદયથી અને પ્રભુનો ડર રાખીને તેમ કરો. 23 તમારાં બધાં કાર્ય માણસોને માટે નહિ પણ જાણે કે પ્રભુને માટે છે તેમ સમજીને પૂરા દિલથી કરો. 24 યાદ રાખો કે, પ્રભુ તમને બદલામાં તેમનો વારસો આપશે. કારણ, ખ્રિસ્ત તે ખરો માલિક છે કે જેની તમે સેવા કરો છો. 25 પણ અન્યાય કરનાર પ્રત્યેકને તેનાં દુષ્ટ કાર્યોનો બદલો મળશે, કારણ, ઈશ્વર દરેકનો ન્યાય સમાન ધોરણે કરે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide