કલોસ્સીઓ 2 - પવિત્ર બાઇબલ C.L.1 તમારે માટે, લાઓદિકિયાના લોકોને માટે અને જેમને મારી પ્રત્યક્ષ ઓળખ નથી તે સર્વ માટે મેં કેવો સખત પરિશ્રમ કર્યો છે તે તમે જાણો એવું હું ઇચ્છું છું. 2 એ માટે કે તમારાં સૌનાં હૃદય પ્રોત્સાહિત થાય અને તમે પ્રેમના બંધનમાં બંધાયેલા રહો અને પૂરી ખાતરીવાળી સમજની સમૃદ્ધિ સંપાદન કરો; જેથી ઈશ્વરનું રહસ્ય જે ખ્રિસ્ત છે તેમને તમે જાણી શકો. 3 ખ્રિસ્તમાં જ ડહાપણ અને જ્ઞાનનો સર્વ સંગ્રહ છુપાયેલો છે. 4 ઘણી સારી લાગતી હોય એવી જૂઠી દલીલોથી તમને કોઈ મૂર્ખ ન બનાવે; 5 કારણ, જો કે હું શરીરે હાજર નથી તો પણ મારો આત્મા તમારી સાથે હોવાથી હું તમને એ જણાવું છું. તમે ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસમાં જે દૃઢતાથી ઊભા રહ્યા છો તે જોઈને મને આનંદ થાય છે. ખ્રિસ્તમાં જીવનની પરિપૂર્ણતા 6 હવે તમે ખ્રિસ્ત ઈસુને પ્રભુ તરીકે સ્વીકાર્યા છે, તેથી તેમને સુસંગત રહીને ચાલો. 7 તેમનામાં તમારાં મૂળ ઊંડાં નાખો, તેમના પર તમારા જીવનનું બાંધક્મ કરો અને તમને શીખવવામાં આવ્યું છે તે પ્રમાણે તમારા વિશ્વાસમાં દૃઢ થાઓ અને આભારસ્તુતિ કરતા રહો. 8 માનવી જ્ઞાનની નક્મી છેતરપિંડીથી તમને કોઈ ગુલામ ન બનાવી દે માટે સાવધ રહો. એ જ્ઞાન તો ખ્રિસ્ત પાસેથી નહિ, પણ માણસો પાસેથી ઊતરી આવેલ શિક્ષણ દ્વારા અને વિશ્વ પર શાસન કરતા આત્માઓ પાસેથી આવે છે. 9 કારણ, ખ્રિસ્તના દેહધારીપણામાં ઈશ્વરનું સમસ્ત ઐશ્વર્ય સાકાર થઈ વસ્યું છે. 10 અને તેમની સાથેના સંબંધને લીધે તમને ભરપૂર જીવન આપવામાં આવેલું છે. દરેક આત્મિક અધિકાર અને સત્તાની ઉપર ખ્રિસ્તની સત્તા છે. 11 ખ્રિસ્તની સાથેના સંબંધમાં તમારી સુન્નત કરાઈ હતી. એ તો માણસ દ્વારા કરાયેલી શારીરિક સુન્નત નહિ, પણ ખ્રિસ્તે પોતે કરેલી આત્મિક સુન્નત છે, કે જેમાં તમને પાપી સ્વભાવમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. 12 કારણ, જ્યારે તમને બાપ્તિસ્મા આપવામાં આવ્યું ત્યારે ખ્રિસ્તની સાથે તમારું દફન થયું અને બાપ્તિસ્મામાં તમે ખ્રિસ્તને સજીવન કરનાર ઈશ્વરના કાર્યશીલ સામર્થ્ય પર વિશ્વાસ મૂક્યો, તેથી તમને ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે. 13 એક સમયે તમારાં પાપને લીધે અને તમારા સુન્નતવિહીન સ્વભાવને લીધે તમે આત્મિક રીતે મરેલા હતા. પણ હવે ઈશ્વરે ખ્રિસ્તની સાથે તમને સજીવન કર્યા છે. ઈશ્વરે આપણને આપણાં બધાં પાપની માફી આપી છે. 14 આપણી વિરુદ્ધ જનાર ખતને તેના બંધનર્ક્તા નિયમો સહિત તેમણે ક્રૂસ પર જડી દઈને નાબૂદ કર્યું છે. 15 અને તે ક્રૂસ પર ખ્રિસ્તમાં, આત્મિક અધિપતિઓ અને અધિકારીઓની સત્તા છીનવી લઈને તેમને પોતાની વિજયકૂચમાં ગુલામો બનાવી જાહેરમાં ફેરવ્યા છે. 16 આથી તમારા ખાવાપીવા સંબંધી કે પવિત્ર દિવસોની બાબતમાં, ચાંદ્રમાસના પ્રથમ દિનનું પર્વ કે સાબ્બાથ સંબંધી કોઈની ટીકાઓ લક્ષમાં ન લો. 17 આ બધી બાબતો થનાર બાબતોનો પડછાયો છે. ખ્રિસ્ત તે જ વાસ્તવિક્તા છે. 18 નમ્રતાનો દેખાવ કરીને સ્વેચ્છાપૂર્વક વર્તનાર અને દૂતોની ભક્તિ પર ભાર મૂકનાર કોઈ માણસ તમારામાં ધુસણખોરી કરીને તમને ઈનામ માટે અયોગ્ય ન ઠરાવે. તેને જેનું દર્શન થયું નથી એવી બાબતો વિશે તે પોતાના દુન્યવી મનથી વ્યર્થ ફૂલાશ મારે છે, 19 અને ખ્રિસ્ત જે શિર છે તેને વળગી રહેતો નથી. એ ખ્રિસ્તના શિરપદ નીચે રહેવાથી સમગ્ર શરીરનું પોષણ થાય છે, અને તે શરીર સાંધાઓ તથા મજ્જાઓ સુદ્ધાં જોડાઈને ઈશ્વર તરફથી પોષણ મેળવીને વૃદ્ધિ પામે છે. ખ્રિસ્તની સાથે જીવવું અને મરવું 20 તમે ખ્રિસ્તની સાથે મરણ પામ્યા છો અને દુન્યવી નિયમોથી મુક્ત થયા છો. તો પછી તમે જાણે કે આ દુનિયાના હો તેમ કેમ જીવો છો? 21 “આને હાથમાં લેવું નહિ,” “આને ચાખવું નહિ,” “પેલાનો સ્પર્શ કરવો નહિ,” એવા નિયમોને તમે કેમ આધીન થાઓ છો? 22 આવી બધી બાબતો તો તેમનો એક વાર ઉપયોગ કર્યા પછી બિનઉપયોગી બની જાય છે. એ તો માત્ર માણસોએ ઘડેલા નિયમો અને તેમનું શિક્ષણ છે. 23 જો કે, આવેશી ભક્તિ, દંભી નમ્રતા અને શારીરિક કષ્ટ પ્રેરનાર નિયમોમાં જ્ઞાનનો આભાસ તો થાય છે; પણ શારીરિક વાસનાઓને અંકુશમાં રાખવા તે કોઈ રીતે ઉપયોગી નથી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide