કલોસ્સીઓ 1 - પવિત્ર બાઇબલ C.L.1 ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત બનેલો પાઉલ તથા આપણા ભાઈ તિમોથી તરફથી: 2 કોલોસેમાંના ઈશ્વરના લોક જેઓ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં આપણા ભાઈઓ છે તેમને આપણા ઈશ્વરપિતા કૃપા તથા શાંતિ બક્ષો. આભારની પ્રાર્થના 3 અમે તમારે માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરનો હંમેશાં આભાર માનીએ છીએ. 4 અમે ખ્રિસ્ત ઈસુમાંના તમારા વિશ્વાસ અને ઈશ્વરના લોક પ્રત્યેના તમારા પ્રેમ વિષે સાંભળ્યું છે. 5 તમે જેની આશા રાખો છો તે સ્વર્ગમાં સાચવી રખાયેલ છે અને એ આશા પર તમારા એ વિશ્વાસ અને પ્રેમનો આધાર છે. સાચો સંદેશ, એટલે શુભસંદેશ તમારી પાસે આવ્યો ત્યારે તેમાં જણાવેલી એ આશા વિષે તમે સૌ પ્રથમ સાંભળ્યું હતું. 6 તમે પ્રથમ ઈશ્વરની કૃપા વિષે સાંભળ્યું અને તેની સત્યતા વિષે જાણ્યું એ દિવસથી તમારામાં જેમ બની રહ્યું છે તેમ જ શુભસંદેશ આશિષો લાવે છે અને સમગ્ર દુનિયામાં ફેલાય છે. 7 ઈશ્વરની કૃપાનું એ સાચું સ્વરૂપ તમને સમજાવનાર અમારો પ્રિય સાથી સેવક એપાફ્રાસ હતો. તે તો આપણે માટે ખ્રિસ્તને વફાદાર કાર્યકર છે. 8 પવિત્ર આત્માએ તમને આપેલા પ્રેમ વિષે તેણે અમને જણાવ્યું છે. 9 આથી અમે તમારે વિષે સાંભળ્યું છે ત્યારથી અમે તમારે માટે પ્રાર્થનામાં માગવાનું ચૂક્તા નથી કે ઈશ્વર તમને પોતાની ઇચ્છાની જાણકારી તથા પવિત્ર આત્મા દ્વારા જ્ઞાન અને સમજથી ભરપૂર કરે. 10 એથી તમે પ્રભુની ઇચ્છા પ્રમાણેનું જીવન જીવવા શક્તિમાન બનશો અને પ્રભુની પસંદગી પ્રમાણે કરશો. સર્વ સારાં કાર્યો કરવામાં તમારું જીવન ફળદાયી બનશે અને ઈશ્વર વિષેના જ્ઞાનમાં તમે વૃદ્ધિ પામશો. 11 ઈશ્વરના મહિમાવંત સામર્થ્યથી મળતી સર્વ તાક્ત વડે તમે બળવાન થાઓ કે જેથી તમે સર્વ બાબતો આનંદપૂર્વક ધીરજથી સહન કરી શકો. 12 વળી, ઈશ્વરપિતાનો આભાર માનો કે જેમણે પ્રકાશના રાજ્યમાં પોતાના લોકને માટે અનામત રાખેલા વારસાના ભાગીદાર થવા માટે તમને યોગ્ય બનાવ્યા છે. 13 તે આપણને અંધકારની સત્તામાંથી છોડાવીને પોતાના પ્રિય પુત્રના રાજમાં લાવ્યા છે. 14 એમના પુત્ર દ્વારા આપણે મુક્ત થયા છીએ, એટલે કે, આપણને આપણાં પાપની માફી આપવામાં આવી છે. ખ્રિસ્તનું જીવન અને કાર્ય 15 ખ્રિસ્ત તો અદૃશ્ય ઈશ્વરનું સાક્ષાત્ પ્રતિરૂપ છે. તે સકળ સર્જન પહેલાંના અને સર્વોપરી છે. 16 કારણ, આકાશમાંની કે પૃથ્વી પરની, દૃશ્ય કે અદૃશ્ય બધી વસ્તુઓ એમના દ્વારા જ સર્જાઈ હતી; એમાં અપાર્થિવ રાજસત્તાઓ, અધિપતિઓ, શાસકો અને સત્તાધારીઓનો પણ સમાવેશ થઈ જાય છે; એ બધું તેમની મારફતે જ અને તેમને માટે જ સર્જાયું છે. 17 તે સર્વ સર્જન પહેલાં હયાત હતા અને તે પોતામાં સર્વ સર્જનને યોગ્ય સ્થાને ધરી રાખે છે. 18 તે તો પોતાના શરીરનું, એટલે કે, મંડળીનું શિર છે અને તે શરીરના જીવનનું ઉદ્ભવસ્થાન છે. તે ઈશ્વરના પ્રથમજનિત પુત્ર છે, અને માત્ર તેમને જ સર્વ સર્જનમાં પ્રથમસ્થાન મળે તે માટે તેમને મરણમાંથી સજીવન કરવામાં આવ્યા છે. 19 પોતાના સમગ્ર સ્વત્વનો પૂરેપૂરો સંચય પુત્રમાં રહે એવું ઈશ્વરે ઇચ્છેલું છે. 20 અને ઈશ્વરે પુત્રની મારફતે જ સમગ્ર વિશ્વને પોતાની તરફ લાવવાનું નક્કી કર્યું છે. ઈશ્વરે તેમના પુત્રના ક્રૂસ પરના બલિદાનના રક્ત દ્વારા શાંતિ સ્થાપીને પૃથ્વી પરની અને આકાશમાંની સર્વ વસ્તુઓનું પોતાની સાથે સમાધાન કરાવ્યું છે. 21 એક વખતે તમે ઈશ્વરથી ઘણે દૂર હતા અને તમારાં દુષ્ટ કાર્યો અને વિચારોને કારણે તેમના શત્રુ હતા. 22 પણ હવે ઈશ્વરપુત્રના શારીરિક મરણની મારફતે ઈશ્વરે તમને તેમના મિત્રો બનાવ્યા છે; જેથી તે તમને પોતાની સમક્ષ પવિત્ર, શુદ્ધ અને નિર્દોષ રજૂ કરી શકે. 23 અલબત્ત, તમારે મજબૂત અને મક્કમ પાયા પર વિશ્વાસુપણે ચાલુ રહેવું જોઈએ, અને તમે શુભસંદેશ સાંભળ્યો ત્યારે તમને પ્રાપ્ત થયેલી આશામાંથી તમારે ચલિત થવું જોઈએ નહિ. એ શુભસંદેશ તો દુનિયામાં સૌને પ્રગટ કરવામાં આવ્યો છે અને હું પાઉલ એનો સેવક બન્યો છું. ઈસુને પ્રગટ કરવાની પાઉલની ધર્મસેવા 24 હું તમારે માટે દુ:ખ સહન કરું છું એનો મને આનંદ છે. કારણ, મંડળી, એટલે ખ્રિસ્તના શરીર માટે ખ્રિસ્તે વેઠેલાં દુ:ખો પછી મારે પોતે પણ મંડળી માટે સહન કરવાનાં દુ:ખોનો જે ભાગ બાકી છે તે હું પૂરો કરી રહ્યો છું. 25 ઈશ્વરે મને મંડળીનો સેવક બનાવ્યો છે અને તમારા ભલાને માટે તેમણે મને આ ક્મ સોંપ્યું છે. આ કાર્ય તો તેમનો સંદેશો સંપૂર્ણ રીતે પ્રગટ કરવાનું છે. 26 તેમણે એ માર્મિક સત્ય ઘણા યુગોથી અને ઘણી પેઢીઓથી ગુપ્ત રાખ્યું હતું, પણ હવે પોતાના લોકને તે જણાવ્યું છે. 27 ઈશ્વરની યોજના આ છે: પોતાનું માર્મિક સત્ય પોતાના લોકને જણાવવું. આ ઉત્તમ અને મહિમાવંત માર્મિક સત્ય સર્વ પ્રજાઓ માટે છે, અને તે આ પ્રમાણે છે: ખ્રિસ્ત તમારામાં છે, અને તેથી તમે ઈશ્વરના મહિમાના ભાગીદાર થશો તેની તે આશા છે. 28 તેથી અમે સર્વ માણસોની આગળ ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. અમે સર્વ માણસોને જ્ઞાનપૂર્વક ચેતવણી આપીએ છીએ અને શીખવીએ છીએ કે જેથી અમે સૌને તેઓ ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી પરિપૂર્ણતા પ્રાપ્ત કરેલ વ્યક્તિઓ તરીકે ઈશ્વરની સમક્ષ રજૂ કરી શકીએ. 29 એમ કરવાને માટે મારામાં કાર્ય કરી રહેલી અને ખ્રિસ્ત પાસેથી મળેલી મહાન શક્તિથી હું સખત પરિશ્રમ કરું છું અને ઝઝૂમું છું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide