Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

આમોસ 9 - પવિત્ર બાઇબલ C.L.


પ્રભુનું ન્યાયશાસન

1 મેં પ્રભુને વેદીની પાસે ઊભેલા જોયા. તેમણે આજ્ઞા આપી: “મંદિરના સ્તંભોના મથાળા પર એવો મારો ચલાવો કે તેમના પાયા હચમચી જાય. લોકોના માથા પર તૂટી પડે એ રીતે તેમના ચૂરેચૂરા કરી દો. એમાંથી બચી જાય એવા લોકોનો હું યુદ્ધમાં સંહાર કરી નાખીશ. ત્યારે કોઈ છટકી જશે નહિ કે બચી જશે નહિ.

2 જો તેઓ ખોદીને મૃત્યુલોક શેઓલ ઊતરી જાય તોપણ હું તેમને પકડી પાડીશ. જો તેઓ આકાશમાં ચઢી જાય તોપણ હું તેમને નીચે ખેંચી લાવીશ.

3 જો તેઓ કોર્મેલના શિખર પર સંતાઈ જાય તોપણ હું તેમને શોધીને પકડી પાડીશ. જો તેઓ મારી નજર આગળથી સમુદ્રને તળિયે સંતાઈ જાય તો હું દરિયાઈ રાક્ષસી સર્પને આજ્ઞા કરીશ કે તે તેમને કરડી ખાય.

4 જો તેમના શત્રુઓ તેમને ગુલામગીરીમાં લઈ જાય તો ત્યાં પણ હું તેમને મારી નાખવાનો હુકમ આપીશ. મેં તેમને સહાય કરવા નહિ, પણ તેમનો વિનાશ કરવા માટે દઢ સંકલ્પ કર્યો છે.”

5 સર્વસમર્થ ઈશ્વર પ્રભુનો સ્પર્શ થતાં જ પૃથ્વી પીગળી જાય છે. અને તેના રહેવાસીઓ શોક કરે છે. ધરતી આખી નાઇલ નદીનાં પાણીની જેમ ઊંચે ચડે છે અને નીચે પડે છે.

6 પ્રભુ આકાશમાં પોતાના ઓરડા બાંધે છે અને પૃથ્વી પર આકાશનો ઘૂમટ સ્થાપે છે. તે દરિયાનાં પાણીને આજ્ઞા કરીને બોલાવે છે અને તેમને પૃથ્વી પર મુશળધાર વરસાદરૂપે વરસાવે છે. તેમનું નામ યાહવે છે.

7 પ્રભુ કહે છે, “હે ઇઝરાયલના લોકો, જેટલો તમારો તેટલો જ હું કુશના લોકોનો ખ્યાલ રાખું છું. જેમ મેં તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા છે તેમ મેં પલિસ્તીઓને પણ ક્રીતમાંથી અને અરામીઓને કીરમાંથી મુક્ત કર્યા છે.

8 ઇઝરાયલના આ દુષ્ટ રાજ્યને હું જોતો આવ્યો છું અને હું તેને પૃથ્વીના પટ પરથી નષ્ટ કરીશ. તોપણ હું યાકોબના બધા જ વંશજોનો નાશ કરીશ નહિ.

9 હું આજ્ઞા આપીશ અને ચાળણીમાં ચળાતા અનાજની જેમ હું ઇઝરાયલી પ્રજાને સઘળી પ્રજાઓ મધ્યે ચાળીશ અને જે નકામા છે તેમને દૂર કરીશ.

10 ‘અમારા પર તો કંઈ આપત્તિ અચાનક આવી પડવાની નથી.’ એવું કહેનારા મારા લોકમાંના દુષ્ટો લડાઈમાં માર્યા જશે.”


ઇઝરાયલનું પુન:સ્થાપન

11 પ્રભુ કહે છે, “એવો દિવસ આવે છે જ્યારે ખંડિયેર થયેલા ઘર જેવા દાવિદના રાજ્યની હું પુન:સ્થાપના કરીશ. હું તેની દીવાલોને સમારીને તેની મરામત કરીશ. હું તેને ફરીથી બાંધીશ અને તે પ્રાચીન સમયમાં જેવું હતું તેવું બનાવીશ.

12 પછી ઇઝરાયલના લોકો અદોમના બચી ગયેલા લોકો પર તથા મારે નામે ઓળખાતી બધી પ્રજાઓ પર પ્રભુત્ત્વ જમાવશે.” પ્રભુ જે આ બધું થવા દેશે તે એવું કહે છે.

13 પ્રભુ કહે છે, “એવા દિવસો આવી રહ્યા છે કે જ્યારે કાપણી કરનારનું કામ છેક ખેડનારનું કામ આવી જાય ત્યાં સુધી ચાલે એટલું બધું ધાન્ય પાકશે. દ્રાક્ષ પીલનારાનું કામ છેક બી વાવનારનું કામ આવી જાય ત્યાં સુધી ચાલે એટલી બધી દ્રાક્ષો પાકશે. પર્વતો મીઠા દ્રાક્ષાસવથી ટપકશે અને તેનાથી ટેકરીઓ છલકાઈ જશે.

14 હું મારા ઇઝરાયલી લોકને તેમના વતનમાં પાછા લાવીશ. તેઓ પોતાનાં ખંડિયેર બની ગયેલાં શહેરો ફરીથી બાંધશે અને તેમાં વસશે. તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનો દ્રાક્ષાસવ પીશે; તેઓ વાડીઓ રોપશે અને તેનાં ફળ ખાશે.

15 હું મારા લોકને તેમના વતનમાં રોપીશ અને તેમને ફરીથી ક્યારેય ઉખેડી નાખવામાં આવશે નહિ.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan