આમોસ 8 - પવિત્ર બાઇબલ C.L.ફળોની ટોપલીનું દર્શન 1 પ્રભુ પરમેશ્વર તરફથી મને બીજું એક દર્શન થયું. તેમાં મેં પાકેલાં ફળો ભરેલી ટોપલી જોઈ. 2 પ્રભુએ મને પૂછયું, “આમોસ, તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “પાકેલાં ફળોની ટોપલી.” પ્રભુએ મને કહ્યું, “મારા ઇઝરાયલી લોકોનો સમય પાકી ચૂકયો છે. હવે તેમને સજા કરવા અંગેનો મારો વિચાર હું બદલીશ નહિ. 3 તે દિવસે મહેલનાં ગીતોને સ્થાને રોકકળ થઈ રહેશે. સર્વત્ર મૃતદેહોના ઢગ થશે, તેઓ મૃતદેહોને ચુપકીદીથી બહાર ફેંકી દેશે.” ઇઝરાયલનું પતન 4 હે કંગાળોને કચડનારા અને ગરીબોનું નિકંદન કાઢી નાખવામાં તત્પર એવા લોકો, તમે ધ્યનથી સાંભળો. 5 તમે કહો છો, “ક્યારે ચાંદ્રમાસનો પ્રથમ દિવસ વીતે કે અમે અનાજ વેચીએ અને ક્યારે સાબ્બાથદિન પૂરો થાય કે અમે ઘઉં વેચવા કાઢીએ? ત્યારે તો અમે ચાંદીનાણાં શેકેલમાં ભાવ ચડાવી દઈશું, માપ માટેનો એફાહ નાનો કરીશું અને ત્રાજવાનો કાંટો ખોટો ગોઠવીને ગ્રાહકોને છેતરીશું. 6 હલકા પ્રકારના ઘઉં ઊંચી કિંમતે વેચીશું. એક જોડ ચંપલની કિંમત જેટલા દેવા માટે ગરીબને ગુલામ તરીકે ખરીદી લઈશું.” 7 પ્રભુએ ઇઝરાયલના ગૌરવના સમ ખાધા છે, “હું તેમનાં કોઈ દુષ્કર્મો વીસરી જઈશ નહિ. 8 તેથી પૃથ્વી કાંપશે અને દેશના સૌ કોઈ કફોડી સ્થિતિમાં મુકાઈ જશે. આખો દેશ ધ્રૂજી ઊઠશે અને નાઇલના પૂરની જેમ ઊંચો નીચો થઈ જશે. 9 તે દિવસે હું ભરબપોરે સૂર્યને અસ્ત કરી દઈશ અને ધોળે દિવસે પૃથ્વીને અંધકારમય કરી દઈશ. હું સર્વશક્તિમાન પ્રભુ એ બોલ્યો છું. 10 વળી, હું તમારા ઉત્સવોને અંતિમવિધિમાં ફેરવી નાખીશ અને તમારાં આનંદનાં ગીતોને વિલાપગીતોમાં પલટી નાખીશ. તમારે માંથુ મુંડાવી નાખવું પડે અને કંતાનનાં વસ્ત્રો ધારણ કરવાં પડે એવું હું કરી દઈશ, અને પોતાના એકનાએક પુત્રના વિયોગથી શોક કરતા હોય તેવા માબાપના જેવા તમે બની જશો. એ દિવસ આખો નર્યા દુ:ખનો હશે.” 11 પ્રભુ પરમેશ્વર કહે છે, “એવો સમય આવે છે જ્યારે હું દેશમાં દુકાળ મોકલીશ. લોકો ભૂખ્યા હશે પણ ખોરાક માટે નહિ, તેઓ તરસ્યા હશે પણ પાણી માટે નહિ. તેઓ તો પ્રભુના સંદેશા માટે ભૂખ્યા-તરસ્યા હશે. 12 લોકો ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ર્વિમ પ્રભુનો સંદેશો મેળવવા દોડાદોડ કરશે. પણ તેમને તે મળશે નહિ. 13 તે દિવસે સુંદર યુવતીઓ અને સશક્ત યુવાનો તરસથી મૂર્છા પામશે. 14 સમરૂનની મૂર્તિઓના સમ ખાનારા અને ‘દાનના દેવના સમ’ અથવા ‘બેરશેબાના દેવના સમ’ એવું કહેનારા લોકો ઢળી પડશે અને પાછા ઊઠશે નહિ.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide