આમોસ 7 - પવિત્ર બાઇબલ C.L.તીડોનું દર્શન 1 પ્રભુ પરમેશ્વર તરફથી મને એક દર્શન થયું. તેમાં મેં જોયું તો રાજાને આપવાના હિસ્સાનું ઘાસ કપાઈ ગયા પછી ઘાસ ફરીથી ફૂટી રહ્યું હતું. ત્યારે મેં ઈશ્વરને તીડોનાં ટોળાં સર્જતા જોયા. 2 દર્શનમાં મેં જોયું તો તીડો ધરતી પરનું બધું ઘાસ ખાઈ ગયાં. ત્યારે મેં પ્રભુને વિનવણી કરતાં કહ્યું, “હે પ્રભુ, તમારા લોકોને ક્ષમા કરો. તેઓ તો જૂજ અને નબળા છે; તેઓ કેવી રીતે નભી શકશે?” 3 તેથી પ્રભુએ અનુકંપા દર્શાવતાં કહ્યું, “તેં જે જોયું તેવું નહિ થાય.” આગ વિષે દર્શન 4 મને પ્રભુ પરમેશ્વર તરફથી બીજું દર્શન થયું. તેમાં મેં જોયું તો પ્રભુ પોતાના લોકોને આગથી સજા કરવાની તૈયારીમાં હતા. આગે ઊંડાણના મહાસાગરને બાળીને ભસ્મ કરી નાખ્યો અને તે ભૂમિને પણ ભરખી જવાની તૈયારીમાં હતી. 5 ત્યારે મેં પ્રભુને આજીજી કરી, “હે પ્રભુ પરમેશ્વર, હવે બસ કરો. કારણ, તમારા લોક જૂજ અને નબળા છે; તેઓ શી રીતે નભી શકે?” 6 તેથી પ્રભુએ અનુકંપા દર્શાવતાં કહ્યું, “એ પણ નહિ થાય.” ઓળંબાનું દર્શન 7 મને ફરીથી પ્રભુ તરફથી દર્શન થયું. તેમાં મેં જોયું તો પ્રભુ હાથમાં ઓળંબો લઈને ઓળંબા પ્રમાણે બંધાયેલી દીવાલ પાસે ઊભા હતા. 8 પ્રભુએ મને પૂછયું, “આમોસ, તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “ઓળંબો.” ત્યારે તેમણે કહ્યું, “મારા લોક ઓળંબાની દોરીની બહાર ખસી ગયેલી દીવાલ જેવા છે, અને એ દર્શાવવા હું ઓળંબાનો ઉપયોગ કરી રહ્યો છું. તેમને સજા કરવા સંબંધીનો મારો વિચાર હવે હું બદલીશ નહિ. 9 ઇસ્હાકના વંશજોનાં ભક્તિનાં ઉચ્ચસ્થાનોનો નાશ થશે અને ઇઝરાયલનાં પવિત્રધામો ખંડિયેર બની જશે. યરોબઆમના રાજવંશનો હું તલવારની ધારે અંત લાવીશ.” આમોસ અને અમાસ્યા 10 તે પછી બેથેલના યજ્ઞકાર અમાસ્યાએ ઇઝરાયલના રાજા યરોબઆમ પર સંદેશો મોકલીને કહેવડાવ્યું. “આમોસ લોકોમાં તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે. તેના સંદેશા દેશના લોકો સાંભળી શકે તેમ નથી. 11 તે આમ કહે છે: ‘યરોબઆમ લડાઈમાં તલવારથી માર્યો જશે, અને ઇઝરાયલી લોકોનો તેમના દેશમાંથી દેશનિકાલ થશે.” 12 અમાસ્યાએ આમોસને કહ્યું, “હે દષ્ટા, બસ હવે બહુ થયું! યહૂદિયા પાછો જા. ત્યાં તારી આજીવિકા મેળવી લેજે અને ત્યાં જ બોધ આપજે. 13 અહીં બેથેલમાં હવે સંદેશ પ્રગટ કરીશ નહિ, કારણ, આ તો રાજાનું પૂજાસ્થાન - રાજમંદિર છે.” 14 ત્યારે આમોસે જવાબ આપ્યો, “હું કંઈ સંદેશવાહક નહોતો અથવા કોઈ સંદેશવાહકના શિષ્યમંડળનો સભ્ય નહોતો. હું તો ભરવાડ હતો અને ગુલ્લર વૃક્ષોનો ઉછેરનાર હતો. 15 પણ પ્રભુએ મને મારા ઘેટાં સંભાળવાના કામમાંથી બોલાવી લીધો અને મને આજ્ઞા આપી. “જા, મારા ઇઝરાયલી લોકોને સંદેશો પ્રગટ કર.” 16 “તું કહે છે, ‘ઇઝરાયલના લોક વિરુદ્ધ સંદેશ આપીશ નહિ અને ઇસ્હાકના વંશજો વિરુદ્ધ એક શબ્દ પણ બોલીશ નહિ.’ 17 તો હવે તારે માટે પ્રભુ તરફથી જે સંદેશો છે તે સાંભળ. ‘તારી પત્ની શહેરમાં વેશ્યા બનશે અને તારાં પુત્રપુત્રીઓ લડાઈમાં માર્યાં જશે. તારી જમીનના ભાગ પાડી દઈ બીજાઓને વહેંચી દેવામાં આવશે, અને તું અશુદ્ધ એવા વિધર્મી દેશમાં મૃત્યુ પામશે, અને ઇઝરાયલના લોકોને નિશ્ર્વે પોતાના દેશમાંથી બીજે દેશ ગુલામ તરીકે લઈ જવામાં આવશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide