આમોસ 6 - પવિત્ર બાઇબલ C.L.ઇઝરાયલનો વિનાશ 1 ઓ સિયોનમાં એશઆરામ ભોગવનારા અને સમરૂનના પર્વત પર નિર્ભયપણે રહેનારાઓ, તમે તો મહાન ઇઝરાયલી પ્રજાના અગ્રગણ્ય આગેવાનો છો અને લોકો તમારી પાસે મદદ માટે આવે છે, પણ તમારી કેવી દુર્દશા થશે! 2 જઈને કાલ્ને શહેરને જુઓ. ત્યાંથી મહાનગર હમાથની મુલાકાત લો અને આગળ વધીને પલિસ્તીઓના શહેર ગાથમાં જાઓ. શું તેઓ યહૂદિયા અને ઇઝરાયલનાં રાજ્યો કરતાં કંઈ સારાં છે? શું તેમનો વિસ્તાર તમારા વિસ્તાર કરતાં વધારે છે? 3 ભારે આપત્તિનો દિવસ આવી રહ્યો છે. તે સ્વીકારવા તમે તૈયાર નથી, પરંતુ તમારાં કાર્યો જ તે દિવસને વધુ નજીક લાવી રહ્યાં છે. 4 હાથીદાંતના વિલાસી પલંગો પર આરામથી આળોટનારાઓ અને કુમળા વાછરડા અને ઘેટાંના માંસની મિજબાની ઉડાવનારાઓ, તમારે માટે તે દિવસ કેટલો ભયાનક બની રહેશે! 5 દાવિદની જેમ નવાં નવાં ગીતો બનાવી તેમને સારંગીના સૂર સાથે ગાવાનું તમને ગમે છે. 6 તમે કટોરા ભરીભરીને દ્રાક્ષાસવ ગટગટાઓ છો અને તમારા શરીરે સારાં સારાં અત્તરો લગાડો છો; પણ યોસેફના વિનાશની એટલે ઇઝરાયલના રાજ્યના ભાવિ પતનની તમને કંઈ ચિંતા નથી. 7 તેથી દેશનિકાલ થવામાં તમે સૌ પ્રથમ હશો. તમારી મહેફિલો અને મિજબાનીઓનો અંત આવશે. 8 સર્વસમર્થ ઈશ્વર પ્રભુએ આવી ગંભીર ચેતવણી આપી છે: હું ઇઝરાયલના લોકોના અહંકારને ધિક્કારું છું અને તેમના મહેલોનો તિરસ્કાર કરું છું. હું તેમની રાજધાની અને તેમાંનું સર્વસ્વ શત્રુના હાથમાં સોંપી દઈશ. 9 જો એક કુટુંબમાં દસ માણસો બાકી રહ્યા હશે તો તેઓ પણ માર્યા જશે. 10 મૃત્યુ પામેલા માણસના અંતિમવિધિ માટે જવાબદાર સગો મૃતદેહને અગ્નિદાહ દેવાને ઘરમાંથી બહાર લઈ જવા આવશે, ત્યારે ઘરના સૌથી અંદરના ભાગમાં કોઈ બાકી રહી ગયેલા માણસને તે પૂછશે, “હજી ત્યાં બીજા મૃતદેહ છે?” પેલો માણસ જવાબ આપશે, “ના.” ત્યારે પેલો સગો કહેશે, “ચૂપ રહેજે, જો જે પ્રભુનું નામ ઉચ્ચારતો નહિ!” 11 પ્રભુ આજ્ઞા કરે કે મોટાં મકાનોના ચૂરેચૂરા બોલી જશે અને નાનાં ઘરોનો ભાંગીને ભૂકો થઈ જશે. 12 શું ઘોડા ખડક પર દોડી શકે? શું બળદોથી દરિયાને ખેડી શકાય? છતાં તમે ન્યાયને કીરમાણીના છોડની કડવાશમાં અને સત્યને જૂઠમાં ફેરવી નાખ્યાં છે. 13 તમે લો-દેબાર શહેરને સર કરી લીધાની ડંફાસ મારો છો. વળી, બડાઈ હાંકો છો કે, “અમે અમારા પરાક્રમથી કરનાઈમ પર જીત મેળવી છે.” 14 સર્વશક્તિમાન ઈશ્વર પ્રભુ પોતે જ કહે છે: “હે ઇઝરાયલના લોકો, તમારા દેશનો કબજો લેવાને હું એક પરદેશી સૈન્યને મોકલવાનો છું. ઉત્તરમાં હમાથના ઘાટથી દક્ષિણે અરાબાના વહેળા સુધી તે તમારા પર જુલમ ગુજારશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide