Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

આમોસ 5 - પવિત્ર બાઇબલ C.L.


પાપથી પાછા ફરો!

1 હે ઇઝરાયલના લોકો, તમારે માટે હું આ વિલાપગીત ગાઉં છું જે સાંભળો:

2 કુમારિકા જેવી ઇઝરાયલ પ્રજાનું પતન થયું છે. તે ફરી ઊભી થવાની નથી. તેને જમીન પર ફેંકી દેવામાં આવી છે અને તેને ઊભી કરનાર કોઈ નથી.

3 પ્રભુ પરમેશ્વર કહે છે, “ઇઝરાયલનું કોઈ એક શહેર લડાઈમાં હજાર સૈનિકોને મોકલે, તો તેમાંથી માત્ર સો સૈનિકો બચીને પાછા આવશે અને બીજું કોઈ શહેર સો સૈનિકો મોકલે, તો તેમાંથી માત્ર દસ જ પાછા આવશે.”

4 પ્રભુ ઇઝરાયલના લોકોને કહે છે, “મને શોધો, એટલે તમે જીવતા રહેશો. ભક્તિ માટે બેરશેબા ન જશો.

5 વળી, મને બેથેલમાં શોધવાનો યત્ન ન કરશો; કારણ, બેથેલ નાશ પામવાનું છે. ગિલ્ગાલ પણ ન જશો; કારણ, તેના લોકો ગુલામગીરીમાં જવાના છે.

6 પ્રભુને શોધો, એટલે તમે જીવતા રહેશો; નહિ શોધો તો તે યોસેફના કુટુંબ પર અગ્નિની જેમ પ્રગટશે. બેથેલના લોકોને તે ભસ્મ કરી નાખશે અને કોઈ તે અગ્નિને ઓલવી શકશે નહિ.

7 હે ન્યાયને કીરમાણીના છોડની કડવાશમાં ફેરવી નાખનારા અને ન્યાયને જમીન પર કચડનારા, તમારી કેવી દુર્દશા થશે!”

8 જે કૃત્તિકા અને મૃગશીર્ષનો રચનાર છે, જે ઘોર અંધકારને પ્રભાતમાં અને દિવસને રાતમાં પલટી નાખે છે, અને જે સમુદ્રનાં પાણીને હાંક મારી બોલાવે છે અને પૃથ્વી પર વરસાવે છે તેમનું નામ યાહવે છે.

9 બળવાનો પર તેમનો વિનાશ ભભૂકી ઊઠે છે અને કોટ-કિલ્લાઓનો નાશ કરે છે.

10 અદાલતમાં અન્યાયને પડકારનાર અને સાચું બોલનારનો તમે તિરસ્કાર કરો છો.

11 તમે ગરીબો પર અત્યાચાર કરો છો અને બળજબરીથી તેમનું અનાજ પચાવી પાડો છો. તમે ઘડેલા પથ્થરોનાં ઘર તો બાંધ્યાં છે, પણ તેમાં રહેવા પામશો નહિ. તમે મનોરંજક દ્રાક્ષવાડીઓ તો રોપી છે, પણ તેનો દ્રાક્ષાસવ પીવા પામશો નહિ.

12 તમારાં અઘોર પાપ અને અસંખ્ય ગુનાઓની મને ખબર છે: તમે ન્યાયીને સતાવો છો, લાંચ લો છો અને નગરપંચમાં ગરીબને ન્યાયથી વંચિત રાખો છો.

13 એટલે તો શાણો માણસ પણ મૌન સેવે છે; કારણ, ભારે ભૂંડો સમય આવી પહોંચ્યો છે.

14 ભલું શોધો, ભૂંડું નહિ, એટલે તમે જીવતા રહેશો અને, તમે કહો છો તેમ, સર્વસત્તાધીશ પ્રભુ પરમેશ્વર તમારી સાથે રહેશે.

15 ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો અને ન્યાયપંચમાં ન્યાયની પ્રતિષ્ઠા કરો. તો કદાચ સર્વસત્તાધીશ પ્રભુ પરમેશ્વર યોસેફના બચી ગયેલા વંશજો પર કૃપા દર્શાવે.

16 એ માટે સર્વશક્તિમાન ઈશ્વર પ્રભુ કહે છે. “નગરના એકેએક ચોકમાં વિલાપ અને શેરીઓમાં ‘હાય! હાય’ના પોકાર સંભળાશે. ખેડૂતો શોક કરશે અને શોક કરવાને વિલાપગીતો ગાવામાં પ્રવીણ લોકોને પણ બોલાવાશે.

17 બધી દ્રાક્ષવાડીઓમાં વિલાપ થઈ રહેશે. કારણ, હું તમને સજા કરવાને તમારી મધ્યે થઈને જઈશ.” આ તો પ્રભુની વાણી છે.

18 તમે જેઓ પ્રભુના દિવસની વાટ જોઈ રહ્યા છો તેમની કેવી દુર્દશા થશે! શા માટે તમે પ્રભુના દિવસને ઝંખો છો? એ તો અંધકારનો દિવસ હશે, પ્રકાશનો નહિ.

19 કોઈ માણસ સિંહથી નાસી છૂટે પણ તેને રીંછનો ભેટો થઈ જાય, અથવા ઘરમાં નાસી આવે અને દીવાલે હાથ ટેકવે તો સાપ કરડે એવો દિવસ એ હશે.

20 પ્રભુનો દિવસ અંધકારમય હશે, પ્રકાશમય નહિ. એ તો ગાઢ અંધારાના દિવસ હશે અને તેમાં જરાય અજવાળું નહિ હોય.

21 પ્રભુ કહે છે, “હું તમારાં ધાર્મિક પર્વોને ધિક્કારું છું અને તમારાં ધાર્મિક સંમેલનો હું સાંખી શક્તો નથી.

22 જો કે તમે તમારા દહનબલિ તથા ધાન્યાર્પણો ચડાવશો તોપણ હું તેમને સ્વીકારીશ નહિ. વળી, તમારાં પુષ્ટ પશુઓનાં સંગતબલિ પણ હું ગણકારીશ નહિ.

23 મારી આગળથી તમારાં ગીતોનો ઘોંઘાટ બંધ કરો. મારે તમારી સારંગીના સૂર સાંભળવા નથી.

24 એને બદલે, ન્યાયને ઝરણાની જેમ અને નેકીને કદી ન સૂક્તી નદીની જેમ વહેવા દો.

25 “હે ઇઝરાયલના લોકો, અરણ્યમાં ચાલીસ વર્ષો દરમિયાન તમે મને બલિદાનો તથા અર્પણો કંઈ ચડાવ્યાં હતાં?

26 પણ હવે તમે તમારા રાજા સિક્કૂથની તથા તમારા તારાઓના દેવ કિયૂનની મૂર્તિઓ બનાવી તમારે ખભે ઊંચકીને ફરશો.

27 હું તમને દમાસ્ક્સની પેલી પાર ગુલામગીરીમાં મોકલી દઈશ.” સેનાધિપતિ ઈશ્વર જેમનું નામ છે તે યાહવે એમ કહે છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan