આમોસ 4 - પવિત્ર બાઇબલ C.L.1 હે સમરૂનની સ્ત્રીઓ, તમે આ સંદેશ સાંભળો: તમે તો સારો ખોરાક ખાઈને તગડી બનેલી બાશાનની ગાયો જેવી છો. તમે નિર્બળોને કચડો છો. ગરીબો પર જુલમ કરો છો અને તમારા પતિઓને “લાવો, અમને મદિરા પાઓ,” એમ સતત કહ્યા કરો છો. 2 પ્રભુ પરમેશ્વરે પોતાની પવિત્રતાના સમ ખાધા છે કે એવા દિવસો આવશે જ્યારે તેઓ તમને કડી ઘાલીને ઘસડી જશે અને તમારામાંની પ્રત્યેક ગલે ભરાયેલી માછલીની જેમ ખેંચી કઢાશે. 3 નગરકોટના સૌથી નજીકના બાકોરા સુધી તેઓ તમને ઘસડી જશે અને ત્યાંથી તમને બહાર ફેંકી દેશે. પાઠ ભણવામાં ઇઝરાયલની નિષ્ફળતા 4 સર્વશક્તિમાન પ્રભુ કહે છે, “બેથેલ જાઓ અને પાપ કરો! ગિલ્ગાલ થઈને ગુના વધારો! દરરોજ સવારે તમારાં બલિદાનો અને દર ત્રણ દિવસે તમારાં દશાંશ ચઢાવો. 5 આભાર માનવા માટે ખમીરવાળી રોટલીનું અર્પણ કરો અને તમારાં સ્વૈચ્છિક અર્પણોની મોટી મોટી જાહેરાત કરો!” પ્રભુ પરમેશ્વર કહે છે, “હે ઇઝરાયલના લોકો, તમને એવી બડાશ હાંકવાનું ગમે છે.” 6 મેં પણ તમારાં સર્વ નગરોમાં તમારાં દાંત બિલકુલ સાફ રહે એવી અન્નની અછત ઊભી કરી અને તમારી બધી વસાહતોમાં ખોરાકનો દુકાળ પાડયો. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ. 7 કાપણીના હજી તો ત્રણ માસ બાકી હતા ત્યારે ખરી જરૂરના સમયે મેં વરસાદ અટકાવ્યો. મેં એક શહેર પર વરસાદ વરસાવ્યો, તો બીજા શહેર પર નહિ. એક ખેતર પર વરસાદ વરસાવ્યો, પણ બીજા ખેતર પર નહિ. જે ખેતરમાં વરસાદ ન પડયો તે સુકાઈ ગયું. 8 તેથી બે-ત્રણ નગરના તરસ્યા લોકો નજીકના શહેરમાં પાણી શોધવા ગયા, તો ત્યાં પણ પીવા પૂરતું ય પાણી નહોતું. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ. 9 તમારા પાકને સૂકવી નાખવા મેં સખત ગરમ લૂ અને ફૂગ મોકલ્યાં. તમારા સર્વ બાગબગીચા, વાડીઓ, અંજીરીઓ અને ઓલિવવૃક્ષ તીડો ખાઈ ગયાં. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ. 10 મેં ઇજિપ્ત પર મોકલી હતી તેવી મરકી તમારા પર મોકલી. મેં યુદ્ધમાં તમારા જુવાનોની ક્તલ કરી અને તમારા ઘોડાઓનું મેં હરણ કરાવ્યું. તમારી છાવણીના મૃતદેહોની દુર્ગંધથી મેં તમારાં નસકોરાં ભરી દીધાં. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ. 11 સદોમ અને ગમોરાની જેમ મેં તમારામાંથી કેટલાકનો અગ્નિથી સંહાર કર્યો અને તમારામાંના જે થોડાક બચી ગયા તે આગમાંથી ખેંચી કાઢેલા ખોયણા જેવા હતા. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ.” પ્રભુ એવું બોલ્યા છે. 12 “તેથી હે ઇઝરાયલના લોકો, હું તમને સજા કરવાનો છું, અને હું એમ જ કરવાનો છું તે માટે મારા ન્યાયચુકાદા માટે મારી સમક્ષ ખડા થવા તૈયાર થાઓ.” 13 કારણ, ઈશ્વર તો પર્વતોના રચયિતા અને પવનના ઉત્પન્નર્ક્તા છે. તે માણસને તેના વિચારો કહી દેખાડે છે. તે દિવસને રાતમાં ફેરવી નાખે છે અને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર વિહરનાર તે જ છે. તેમનું નામ સર્વશક્તિમાન યાહવે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide